પૂ. મહંત સ્વામી મહારાજની લંડન પધરામણી

Wednesday 23rd September 2026 06:47 EDT
 
 

BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું બુધવાર 16 સપ્ટેમ્બર, 2026ના દિવસે લંડનમાં શુભાગમન થયું હતુ. સમગ્ર યુકેમાં હજારો હરિભક્તો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેવી એક મહિના લાંબી આધ્યાત્મિક મુલાકાતનો આ સાથે આરંભ થયો હતો. પેરિસમાં BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર- ફ્રાન્સના પ્રથમ પરંપરાગત પથ્થરના હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યાના થોડા દિવસો પછી તેમનું યુકેમાં આગમન થયું છે. પેરિસમાં 13 દિવસના અભૂતપૂર્વ સાંસ્કૃતિક ઉત્સવમાં આસ્થા, સંસ્કૃતિ, સેવા અને મિત્રતા થકી ફ્રાન્સ, યુરોપ અને વિશ્વભરમાંથી લોકો એકત્ર થયા હતા.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પેરિસથી સાંજના 6.30 કલાકે નિસડનસ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચ્યા ત્યારે હજારો હરિભક્તો તેમનું સ્વાગત કરવા મંદિરે એકત્ર થયા હતા. નગારાના અવાજો અનવે પ્રાંગણમાં લહેરાતી ધજાઓ સાથે બાળકો અને યુવાનોએ ઉજવણી નૃત્યો રજૂ કર્યા હતા અને તેમના શુભાગમનનો પવિત્ર માહોલ રચ્યો હતો.
મહંત સ્વામી મહારાજ સૌપ્રથમ દર્શન કરવા મંદિરમાં ગયા હતા અને ત્યાંથી સભાખંડમાં પહોંચ્યા હતા. આબાલવૃદ્ધ ભક્તોએ આનંદ અને ઉત્સાહ સાથે તેમના ગુરુના લંડનમાં આગમનને વધાવી લીધું હતું. આ સ્નેહ અને યુકેમાં ભક્તો સાથે તેમના દીર્ઘકાલીન સંબંધનો પડઘો પાડતા મહંત સ્વામી મહારાજે સરળતાથી એટલું જ કહ્યું કે, ‘હું ઘેર આવી ગયો છું.’
ત્રણ વર્ષની રાહ જોયા પછી આ શબ્દો ચોક્કસ અર્થ ધરાવતા હતા. મહંત સ્વામી મહારાજે 2023માં લંડનની મુલાકાત લીધી હતી અને 93 વર્ષની વયે તેમનું પુનરાગમન તેમની ઉપસ્થિતિમાં સમગ્ર યુકે અને તેથી પણ આગળના પ્રદેશોમાંથી તમામ પેઢીઓના હરિભક્તોને એકસાથે લાવનારા શ્રેણીબદ્ધ ભક્તિમય, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કેટલાક સ્મરણીય સપ્તાહોનો આરંભ કરાવશે.


comments powered by Disqus