મહંત સ્વામી મહારાજના હસ્તે નિલકંઠ વર્ણીની પ્રતિષ્ઠા

Wednesday 23rd September 2026 06:59 EDT
 
 

લંડનઃ BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે રવિવાર, 20 સપ્ટેમ્બરના દિવસે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે તપોમૂર્તિ નિલકંઠ વર્ણી મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ સાથે નિસડન મંદિરમાં નવા ઐતિહાસિક અધ્યાયનો આરંભ થયો હતો, જેના થકી આગામી પેઢીઓ માટે આધ્યાત્મિક પ્રેરણાનો ટકાઉ સ્રોતનું સર્જન થયું છે.
નિલકંઠ વર્ણી મહારાજ ભગવાન સ્વામિનારાયણનું યુવા સ્વરૂપ હતું, જેઓ ભારતીય ઉપખંડમાં સાત વર્ષની અભૂતપૂર્વ યાત્રાએ નીકળ્યા હતા. તેમની નોંધપાત્ર યાત્રા અને તેમના મૂર્તિમંત આદર્શો ભક્તોની પેઢીઓ અને આધ્યાત્મિકતાના તપસ્વીઓને સતત પ્રેરણા આપતા રહ્યા છે.
આ પવિત્ર પ્રતિષ્ઠા સમારંભ માટે હજારો હરિભક્તો એકત્ર થયા હતા. નિલકંઠ વર્ણીના પ્રવાસો અને લક્ષણોને ચિત્રિત કરતા ભક્તિપૂર્ણ ભજનો સાથે સમારોહનો આરંભ કરાયો હતો. તેમની હિંમત, આસ્થા, આધ્યાત્મિક શિસ્ત, તેમજ માનવતા અને પ્રકૃતિ પ્રત્યે અનુકંપાભાવના જીવનને પ્રતિબિંબિત કરતા પ્રવચનો પણ કરાયા હતા.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠાની મુખ્ય વિધિમાં જોડાયા તે પહેલા વરિષ્ઠ સ્વામીઓ દ્વારા વેદોક્ત વિધિઓ શરૂ કરાઇ હતી. મંત્રોચ્ચારો વચ્ચે પૂજ્ય મહંત સ્વામી મહારાજ ખાસ તૈયાર કરાયેલા પ્લેટફોર્મમાં પ્રવેશ્યા હતા અને 42 ફૂટ ઊંચાઈની તપોમૂર્તિ નજીક લઈ જવાયા હતા. તેમણે પરંપરાગત વિધિઓ કરી હતી અને પવિત્ર મૂર્તિના વિવિધ સ્થળોએ પૂજા કરી હતી.
પૂજ્ય મહંત સ્વામી મહારાજે પુટને બ્રિજ નજીક થેમ્સ નદીમાંથી એકત્ર કરાયેલા જળથી તપોમૂર્તિ નિલકંઠ વર્ણી મહારાજનો અભિષેક કર્યો હતો. પૂજ્ય યોગીજી મહારાજે 300થી વધુ હરિભક્તોની હાજરીમાં 28 જૂન 1970ના દિવસે આ જ સ્થળે શ્રી હરિકૃષ્ણ મહારાજને થેમ્સ નદીમાં પવિત્ર સ્નાન કરાવ્યું હતું. પાંચ દાયકાથી વધુ સમય અગાઉના ઐતિહાસિક પ્રસંગ લંડનમાં નવી તપોમૂર્તિની પ્રતિષ્ઠા સાથે સંકળાયો હતો. તપોમૂર્તિની પ્રતિષ્ઠા કરાયા પછી પૂજ્ય મહંત સ્વામી મહારાજે નિલકંઠ વર્ણી મહારાજની પ્રથમ આરતી ઉતારી હતી અને ચરણમાં પુષ્પો અર્પણ કર્યા હતા.ઉપસ્થિત લોકોને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે તપોમૂર્તિ તેમના દર્શન કરનારા સહુ માટે શાંતિ અને અંગત લાભ લાવશે.
આ પ્રસંગે રચાયેલી ખાસ પ્રાર્થનામાં મહંત સ્વામી મહારાજે શ્રી નિલકંઠ વર્ણી સમક્ષ એકત્ર થયેલા સહુ લોકોના જીવન દિવ્ય બને, આનંદ અને શાંતિથી ભરાયેલા રહે અને ઈશ્વરમાં દરેકની આસ્થા ગાઢ બને તેવા આશીર્વાદ વ્યક્ત કર્યા હતા. આ પછી, મહંત સ્વામી મહારાજે પવિત્ર મૂર્તિની પ્રથમ પ્રદક્ષિણા કરી હતી અને ભગવાન સ્વામિનારાયણના દિવ્ય જીવનને આલેખતા નવા શિલ્પોને તેમજ નિસડન મંદિરની ઐતિહાસિક યાત્રા તથા યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ સાથે તેના સંબંધોને દર્શાવતા મ્યૂરલ્સ નિહાળ્યા હતા.
મંદિરના પ્રાંગણમાં નવી પ્રતિષ્ઠા કરાયેલી તપોમૂર્તિની આસપાસ રંગો અને ઉત્સવની છોળો વચ્ચે વાતાવરણ જીવંત બન્યું હતું અને ભક્તિપૂર્ણ નૃત્યો સાથે સમારોહ સંપન્ન થયો હતો.


comments powered by Disqus