લંડન: મહાવીર ફાઉન્ડેશન, કેન્ટન દ્વારા આ વર્ષે પર્યુષણ મહાપર્વ ૨૦૨૬ની અત્યંત ભક્તિપૂર્ણ, ધાર્મિક અને ભવ્ય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી. આ પાવન આઠ દિવસ દરમિયાન પ્રતિક્રમણ, સ્વાધ્યાય, વ્યાખ્યાન, પ્રભુની ભવ્ય અંગરચના, ભાવના-ભક્તિ, તીર્થ ભાવયાત્રા, મહાવીર જન્મવાંચન, તપશ્ચર્યા, સ્વામીવાત્સલ્ય તથા વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો દ્વારા સમગ્ર સંઘમાં અદભુત ધર્મમય વાતાવરણ સર્જાયું હતું.
પર્યુષણ દરમિયાન ભારતના મુંબઈથી પધારેલા *શ્રી હર્ષિતભાઈ શાહે પોતાની મધુર અને ભાવવાહી ભાવના-ભક્તિ દ્વારા સમગ્ર સંઘને પ્રભુભક્તિના રંગે રંગી દીધો હતો. તેમની ભક્તિમાં વડીલોથી લઈને યુવાનો અને બાળકો સુધી સૌ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
પર્યુષણના પ્રાતઃકાલીન સ્વાધ્યાય અને પ્રવચનમાં આદરણીય ડૉ. સૌરભભાઈ શાહે જૈન ધર્મના સિદ્ધાંતો, પર્યુષણનું મહત્ત્વ, કર્તવ્યો, તપ, ક્ષમા અને આત્મકલ્યાણના વિષયો અત્યંત સરળ અને સુંદર રીતે સમજાવ્યા હતા. સાથે સાથે પર્યુષણના વિવિધ દિવસોમાં તેમણે અલગ-અલગ પવિત્ર તીર્થોની ભાવયાત્રા કરાવી, જેના દ્વારા શ્રાવક-શ્રાવિકાઓને તીર્થદર્શનનો ભાવસભર અનુભવ થયો હતો. પર્યુષણનો વિશેષ અવસર શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મવાંચન મહોત્સવનો રહ્યો. અંદાજે ૧,૬૦૦ જેટલા શ્રદ્ધાળુઓએ આ ભવ્ય પ્રસંગમાં ઉપસ્થિત રહી પ્રભુના જન્મકલ્યાણકની ઉજવણીનો લાભ લીધો હતો. પ્રભુભક્તિ, ઉત્સાહ અને સમગ્ર સંઘની એકતાથી આ પ્રસંગ અત્યંત યાદગાર બન્યો હતો. પર્યુષણની પૂર્ણાહુતિ બાદ મહાવીર ફાઉન્ડેશન દ્વારા સ્વામીવાત્સલ્ય અને સમૂહ પારણા મહોત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરનાર આશરે ૧૦૦ તપસ્વીઓનું ભાવપૂર્વક બહુમાન* કરવામાં આવ્યું. તપસ્વીઓની તપસાધના સમગ્ર સંઘ માટે પ્રેરણારૂપ બની હતી અને મહાવીર ફાઉન્ડેશન દ્વારા તમામ તપસ્વીઓ તથા તેમના પરિવારોની હૃદયપૂર્વક ખૂબ ખૂબ અનુમોદના કરવામાં આવી.
સમૂહ પારણા મહોત્સવના સુંદર આયોજન અને સંકલનમાં શ્રી પલકભાઈનું વિશેષ યોગદાન રહ્યું હતું. તેમની નિષ્ઠા, સેવાભાવ અને સહયોગની મહાવીર ફાઉન્ડેશન દ્વારા ખૂબ ખૂબ અનુમોદના અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પર્યુષણ મહાપર્વને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ લાભાર્થી પરિવારો, દાતાશ્રીઓ, સ્વામીવાત્સલ્યના લાભાર્થીઓ, પ્રભાવનાના લાભાર્થીઓ, ધાર્મિક અનુષ્ઠાનોના લાભાર્થીઓ, મહાવીર ફાઉન્ડેશનના કમિટી સભ્યો, વોલન્ટિયર્સ, સેવાભાવી ભાઈઓ-બહેનો, યુવાનો તથા બાળકોનો મહાવીર ફાઉન્ડેશન દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સાથે જ પ્રભુની સુંદર અંગરચના માટે શ્રી જિગ્નેશભાઈ, દેરાસરની સમગ્ર વ્યવસ્થા સેવાભાવથી સંભાળવા બદલ શ્રી કેતનભાઈ, તેમજ પૂજા-વિધિ, પ્રતિક્રમણ, પ્રભાવના, ડેકોરેશન, કિચન અને કેટરિંગ, સ્વામીવાત્સલ્ય, તપસ્વી બહુમાન, હોલ-સ્ટેજ વ્યવસ્થા, સાઉન્ડ, ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી, ટ્રાન્સપોર્ટ, સફાઈ તથા પડદા પાછળ રહીને નાની-મોટી દરેક સેવા આપનાર તમામ સેવાભાવી કાર્યકરોની પણ ખૂબ ખૂબ અનુમોદના અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ સમગ્ર પર્યુષણ મહાપર્વને ભવ્ય અને સફળ બનાવવામાં મહાવીર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી મુકેશ કપાશી, શ્રી નિરજભાઈ સુતરીયા, શ્રી રાજેન શાહ, શ્રી ચંદ્રકાંત શાહ, શ્રી રાજકુમાર શાહ, શ્રી કિરીટ મહેતા, શ્રી અંકિત શાહ, શ્રીમતી રાધાબેન વોરા અને શ્રીમતી કલ્પનાબેન શાહએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આયોજનથી લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમો, વ્યવસ્થા, સંકલન અને સેવાકાર્યો સુધી દરેક કમિટી સભ્યએ પોતાની જવાબદારી નિષ્ઠા, સમર્પણ અને સેવાભાવથી નિભાવી હતી. મહાવીર ફાઉન્ડેશનના દરેક કમિટી સભ્યની અમૂલ્ય સેવા ખૂબ ખૂબ અનુમોદનાને પાત્ર છે.
સમગ્ર કમિટી દ્વારા સકળ સંઘ પ્રત્યે આભાર વ્યક્ત કરતાં જણાવવામાં આવ્યું કે, “આ પર્યુષણ મહાપર્વની સફળતા કોઈ એક વ્યક્તિની નહીં, પરંતુ સમગ્ર સંઘની એકતા, તપ, ભક્તિ, સેવા અને સમર્પણનું સુંદર પરિણામ છે. તપસ્વીઓની તપશ્ચર્યા, લાભાર્થીઓનું ઉદાર યોગદાન, વોલન્ટિયર્સની નિઃસ્વાર્થ સેવા અને સમગ્ર સંઘના સહકારથી આ મહાપર્વ યાદગાર બન્યું છે. આપ સૌના સહયોગ અને સેવાની હૃદયપૂર્વક ખૂબ ખૂબ અનુમોદના અને આભાર.” પર્યુષણ મહાપર્વ દ્વારા અહિંસા, ક્ષમા, તપ, સંયમ, સમતા અને મૈત્રીનો ભગવાન મહાવીરનો સંદેશ નવી પેઢી સુધી પહોંચે અને સમગ્ર સંઘ વધુ મજબૂત તથા એકતાબદ્ધ બને એ જ મહાવીર ફાઉન્ડેશનની ભાવના રહી છે.
મિચ્છામિ દુક્કડમ
મહાવીર ફાઉન્ડેશન - કેન્ટન, લંડન

