તહેરાનઃ પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાનના યુદ્ધ વચ્ચે બંને દેશો વચ્ચે ફરી પડદા પાછળ વાટાઘાટોની તૈયારી થઈ રહી છે. ઈરાને કતાર અને પાકિસ્તાન મારફતે 7 આકરી શરતો મૂકી અમેરિકા સાથે ફરીથી વાટાઘાટ માટે તૈયારી દર્શાવી છે. આ અહેવાલ મળતાં જ મેરિલેન્ડ સ્થિત પ્રમુખ આવાસ કેમ્પ ડેવિડમાં વીકએન્ડની રજા માણતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તાબડતોબ વ્હાઇટ હાઉસ પાછા ફર્યા હતા. આ ચર્ચા વચ્ચે ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ સાઉદી અરબમાં અનેક સ્થળે મિસાઈલ હુમલા કર્યાનો દાવો કર્યો હતો.
ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સચિવ મોહસીન રેઝાઈએ જણાવ્યું કે, ઈરાને કતાર અને પાકિસ્તાન મારફતે પોતાની શરતો અમેરિકાને મોકલી આપી છે, હવે ઈરાન ટ્રમ્પના જવાબની રાહ જુએ છે. રેઝાઈએ સાતમાંથી ત્રણ શરતો અંગે કહ્યું કે, વાટાઘાટો માટે અમેરિકાએ પશ્ચિમ એશિયામાં તમામ મોરચે યુદ્ધ બંધ કરવું પડશે, અમેરિકન જહાજોની નાકાબંધી ઉઠાવી લેવી પડશે અને ઈરાનનું જપ્ત કરાયેલું તમામ ફંડ મુક્ત કરવું પડશે. આ સાથે રેઝાઈએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, ઈરાનનું મંતવ્ય એકદમ સ્પષ્ટ છે. તેમાં કોઈ વિસંગતતા નથી. ટ્રમ્પે આ યુદ્ધમાંથી બહાર નીકળવું જ હોય તો તેની પાસે ઈરાનના અધિકારો અને શરતો સ્વીકાર્યા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. ટ્રમ્પ દ્વારા અપાતી ધમકીઓનું કોઈ પરિણામ નહીં આવે. અમે નિર્ણાયક યુદ્ધ માટે તૈયાર છીએ.

