નેતૃત્વ પરિવર્તનથી બ્રિટનની સમસ્યાઓનો અંત આવશે?

Wednesday 24th June 2026 06:10 EDT
 

છેલ્લા એક દાયકામાં 6 વડાપ્રધાન જોઇ ચુકેલો બ્રિટન ફરી એકવાર નેતૃત્વ પરિવર્તનના આરે ઊભો છે. બે વર્ષ પહેલાં લેબર પાર્ટીને ઐતિહાસિક પ્રચંડ બહુમતી અપનાવનારા સર કેર સ્ટાર્મરને વડાપ્રધાનપદ છોડવાની નોબત આવી ગઇ છે. સોમવારે તેમણે વડાપ્રધાનપદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી દીધી હતી. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ, સ્થાનિક ચૂંટણીઓમાં કારમો પરાજય અને પીટર મેન્ડલસન કૌભાંડ  અને અન્ય સંખ્યાબંધ ભૂલોના કારણે સ્ટાર્મરની સત્તાના સિંહાસનના પાયા હચમચી ગયાં હતાં. તે મધ્યે તેમના કટ્ટર હરીફ ગણાતા એન્ડી બર્નહામનો સંસદ પ્રવેશ લેબર પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તન નિશ્ચિત બનાવી દીધું હતું.
સવાલ એ છે કે લેબર પાર્ટીના નેતૃત્વમાં પરિવર્તનથી બ્રિટનની તમામ સમસ્યાઓનો ઉકેલ આવી જશે? અત્યારે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં નીતિવિષયક પક્ષઘાતની સ્થિતિ પ્રવર્તી રહી છે. સર કેર સ્ટાર્મરે બે વર્ષ પહેલાં સત્તાના સૂત્રો સંભાળ્યાં ત્યારે વહીવટી કુશળતા અને દેશના નવનિર્માણના વચન આપ્યાં હતાં પરંતુ તેમનો શાસનકાળ જાહેર જનતાની નારાજગી અને રાજકીય ભૂલોથી જ ઘેરાયેલો રહ્યો છે. તેથી જ લેબર પાર્ટીના બહુમતી નેતાઓ નેતૃત્વ પરિવર્તનની માગ કરી રહ્યાં હતાં. સ્ટાર્મરના રાજીનામા બાદ એન્ડી બર્નહામને સરકારની કમાન સોંપાશે તે વાતમાં કોઇ શંકા નથી પરંતુ સવાલ હવે એ છે કે એન્ડી બર્નહામ બ્રિટનની સમસ્યાઓના ઉકેલમાં કેટલી હદે સફળ થઇ શકશે.
એ વાતમાં કોઇ શંકા નથી કે બર્નહામ પાર્ટીમાં નેતાઓના સમર્થનની સાથે સાથે જનસમર્થન પણ ધરાવે છે. વર્તમાન વડાપ્રધાન સ્ટાર્મરની લોકપ્રિયતા તળિયે બેઠી છે ત્યારે નેતૃત્વ પરિવર્તન કરી બર્નહામ જેવા લોકપ્રિય નેતાની વરણી સરકારને નવી સકારાત્મક શરૂઆતની તક આપશે. જોકે ફક્ત લોકપ્રિયતાથી સમસ્યાઓનો ઉકેલ આવી જતો નથી. સ્ટાર્મર પણ પ્રચંડ બહુમતી સાથે ચૂંટાઇ આવ્યા હતા પરંતુ તેમના દ્વારા થયેલી નીતિવિષયક અને રાજકીય ભૂલો જ તેમનો ભોગ લઇ રહી છે.
બર્નહામના 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં આગમનથી કડવી વાસ્તવિકતા અને આર્થિક ગણિત રાતોરાત બદલાઇ જવાના નથી. સ્ટાર્મરના ઉત્તરાધિકારીએ પણ એજ આર્થિક મર્યાદાઓ વચ્ચે કામ કરવું પડશે. આમ નવા નેતૃત્વ માટે હનીમૂન પીરિયડ બહુ ટૂંકો રહેશે. નવા નેતૃત્વે એ જ જૂની અને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડશે. ધીમો પડેલો આર્થિક વિકાસ દર, કથળી ગયેલી જાહેર સેવાઓ, ભાંગી પડેલી નેશનલ હેલ્થ સર્વિસ, ઇંધણની કટોકટી, ગેરકાયદેસર માઇગ્રેશનની સમસ્યાઓ નવા નેતૃત્વ સામે મોં ફાડીને ઊભી છે. સ્ટાર્મરને હટાવીને બર્નહામને નેતૃત્વ સોંપવાથી દેશની સમસ્યાઓના ઉકેલ માટે જરૂરી અબજો પાઉન્ડ આપોઆપ આવી જવાના નથી.
સત્તાધારી સાંસદો એમ માને છે કે સ્ટાર્મરના નેતૃત્વના દિવસો હવે પૂરા થયાં છે. તેમનું સત્તા પર ટકી રહેવું એક નિષ્પ્રાણ સરકાર ચલાવવા જેવું બની રહેશે. જનતામાં સ્ટાર્મર પ્રત્યે વ્યાપક નારાજગી છે ત્યારે એક નવો ચહેરો જનતાની અપેક્ષાઓ સાથે તાલ મિલાવીને નારાજગી દૂર કરવામાં મદદરૂપ બની શકે છે. તેમ છતાં નવું નેતૃત્વ આ સત્તા પરિવર્તનને ફક્ત પાર્ટીની છબી સુધારવાના સાધન તરીકે જોશે અને કોઇ સાહસિક આર્થિક કે માળખાકીય સુધારા નહીં કરે તો તેના હાલ પણ સ્ટાર્મર જેવા જ થઇ શકે છે. હવે એ જોવું રહ્યું કે નેતૃત્વ પરિવર્તન બ્રિટનને કઇ દિશામાં લઇ જશે.


comments powered by Disqus