બાંગ્લાદેશમાં ભગવાન શ્રીરામના અપમાન પર ગુસ્સો ભડક્યો, હિન્દુ સંગઠન સડકો પર

Wednesday 24th June 2026 06:57 EDT
 
 

ઢાકાઃ બાંગ્લાદેશમાં નવી સરકારના સુરક્ષા સંબંધિત દાવાઓ વચ્ચે લઘુમતીઓ વિરુદ્ધની ઘટનાઓમાં અસંતોષ વધી રહ્યો છે. ગાઇબાંધા જિલ્લાના પલાશવાડીમાં બની રહેલી 81 ફૂટ ઊંચી ભગવાન રામની પ્રતિમાને બુલડોઝરથી તોડી પાડવાની ધમકી અને ઢાકામાં એક કટ્ટરપંથી માર્ચ દરમિયાન ભગવાન રામના ચિત્રના અપમાનની ઘટના પછી દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થયાં છે. આ ઘટનાઓના વિરોધમાં ‘બાંગ્લાદેશ હિન્દુ, બૌદ્ધ, ક્રિશ્ચન યુનિટા કાઉન્સિલ‘ અને તેના વિદ્યાર્થી સંગઠન ‘છાત્ર ઓઇક્યા પરિષદ’ દ્વારા શુક્રવાર અને શનિવારે ઢાકા સહિત અનેક શહેરોમાં રેલીઓ અને દેખાવો યોજવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાઈરલ એક વીડિયોમાં એક કટ્ટરવાદી સંગઠન ઇસ્લામી આંદોલન બાંગ્લાદેશ, ઉલેમા પરિષદ અને 'તૌહિદી જનતા' ધમકી આપી રહ્યા છે કે, જો સરકાર પ્રતિમા તોડશે નહીં તો સામાન્ય મુસ્લિમો તેને બુલડોઝરથી તોડી પાડશે. આના વિરોધમાં ઢાકા યુનિવર્સિટી અને જગન્નાથ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શાહબાગ ચાર રસ્તા પર ચક્કાજામ કરીને મશાલ જુલૂસ કાઢ્યું હતું અને દોષિતોની ધરપકડ માટે 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું.
ઊંચી પ્રતિમાનું લગભગ 80 ટકા નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. મંદિર સમિતિના અધ્યક્ષ હરિદાસ ચન્દ્રદાસે જણાવ્યું કે, તણાવ અને સુરક્ષા ચિંતાને કારણે હાલ બાંધકામ અટકાવી દેવાયું છે. તેમણે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વડાપ્રધાન તારિક રહેમાનને અપીલ કરી છે.
કટ્ટરવાદીઓનો વીડિયો વાઈરલ થયો
બાંગ્લાદેશમાં રામના સ્ટેચ્યૂનો વિરોધ કરી રહેલા કટ્ટરવાદીઓ બેફામ બન્યા, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં આ કટ્ટરવાદીઓ એક બેનરમાં ભગવાન શ્રીરામના આ સ્ટેચ્યૂની તસવીરને ચપ્પલ મારતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાઇરલ થયા બાદ હિન્દુઓ વધુ ભડક્યા હતા અને લઘુમતીઓને બચાવવા વડાપ્રધાન સમક્ષ માગ કરી છે.


comments powered by Disqus