ભારતીય રાજનીતિનું દુર્ભાગ્યપૂર્ણ પતન...

Wednesday 24th June 2026 06:11 EDT
 

છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય રાજનીતિમાં ચાલી રહેલું ઘમસાણ વિશ્વની સૌથી મોટી લોકશાહીને ભરપાઇ ન થઇ શકે તેવું નુકસાન પહોંચાડી રહ્યું છે. આયારામ-ગયારામ રાજનેતાઓ જે રીતે પાટલીઓ બદલી રહ્યાં છે તે જોતાં એમ લાગી રહ્યું છે કે ભારતીય રાજનીતિમાં નૈતિકતા, મતદારો પ્રત્યેની વફાદારી અને જવાબદારીને નેતાઓએ અભેરાઇ પર ચડાવી દીધાં છે.
પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના કારમા પરાજય બાદ 20 જેટલા સાંસદો પાટલી બદલી સત્તાધારી એનડીએ ગઠબંધનમાં સામેલ થઇ રહ્યાં છે તો મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદો, ધારાસભ્યો અને કાઉન્સિલરો એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં પલાયન કરી રહ્યાં છે. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીમાં પણ ભંગાણ સર્જાય તેવી અટકળો ચાલી રહી છે. સવાલ એ છે કે લગભગ 3 દાયકા સુધી ભારતીય રાજનીતિમાં દબદબો ધરાવતતા પ્રાદેશિક ક્ષત્રપો અને પાર્ટીઓ લુપ્ત થવાના આરે પહોંચી ગયાં છે? હાલમાં ભારતીય રાજનીતિમાં જે ચિત્ર ઉભરી રહ્યું છે તે ખૂબ જ બદલાયેલું છે. શક્તિશાળી પ્રાદેશિક પક્ષોનું વિખરાઇ જવું, મોટા પાયે થતા પક્ષપલટા અને આંતરિક નબળાઈઓને કારણે ભારતીય લોકશાહી સામે એક ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. પ્રાદેશિક પક્ષોના પતન પાછળ તેમની આંતરિક નબળાઇઓની સાથે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના સંગઠનની પ્રચંડ ક્ષમતા જવાબદાર છે. સત્તારૂઢ ભાજપે સામ, દામ, દંડ અને ભેદનો ઉપયોગ કરીને ભારતીય રાજનીતિને સફળતાપુર્વક નિર્ણાયક તબક્કામાં લાવી દીધી છે. પ્રાદેશિક પક્ષો તેમના પતન માટે ખુદ એટલા જ જવાબદાર છે. દરેક પ્રાદેશિક પક્ષ એક કૌટુંબિક જાગીરમાં તબદિલ થઇ ગયો છે અને પારિવારિક જોહુકમીના કારણે વેરવિખેર થઇ રહ્યો છે.
આ તો થઇ રાજનીતિની વાત પરંતુ તેના કારણે લોકશાહીને થઇ રહેલું નુકસાન અત્યંત ગંભીર બની રહ્યું છે. નેતાઓ તેમને ચૂંટી મોકલનારા મતદારોની પીઠમાં ખંજર ભોંકી પક્ષપલટા કરી રહ્યાં છે અને લોકશાહીમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેનું સંતુલન પણ ખોરવી રહ્યાં છે. કોઇપણ તંદુરસ્ત લોકશાહી માટે મજબૂત વિપક્ષ અત્યંત આવશ્યક શરત છે. સત્તાધારી પાર્ટી પ્રત્યેની નારાજગી વ્યક્ત કરવા મતદારો વિપક્ષના ઉમેદવારને ચૂંટી કાઢતા હોય છે પરંતુ ચૂંટાયા બાદ સત્તાધારી પાર્ટીના ખોળામાં બેસી જવાની નેતાઓની આ પ્રવૃત્તિ ચૂંટણીને જ નિરર્થક બનાવી રહી છે. પોતાની પાર્ટી અને મતદારો સાથેનો આ વિશ્વાસઘાત ન કેવળ લોકશાહીના પાયાને હચમચાવી રહ્યો છે પરંતુ મતદારો રાજકીય પ્રક્રિયામાંથી પણ વિશ્વાસ ગુમાવી રહ્યાં છે. પોતાના દ્વારા ચૂંટીને મોકલાયેલો જનપ્રતિનિધિ ક્યારે પાટલી બદલી નાખશે તે અનિશ્ચિતતા મતદારોને નિરાશામાં ગરકાવ કરી રહી છે.
પોતાની પાર્ટી અને નેતૃત્વ સાથેના મતભેદો અને અંગત સ્વાર્થના કારણે પક્ષપલટા કરી રહેલા નેતાઓએ એ વાત સારી રીતે સમજી લેવી જોઇએ કે મતદારોએ કોઇ ચોક્કસ હેતૂ માટે તેમને ચૂંટી મોકલ્યાં છે. આ બાબત સત્તાધારી અને વિપક્ષ એમ બંને પ્રકારના નેતાઓને લાગુ પડે છે. પોતાની રાજનીતિ ચમકાવવાનો એટલો જ શોખ હોય તો નેતાઓએ રાજીનામુ આપીને પક્ષપલટો કરવો જોઇએ અને ફરી ચૂંટણી મેદાનમાં ઉતરીને જનમત મેળવવો જોઇએ. દુર્ભાગ્યે ભારતીય લોકશાહીમાં અપ્રમાણિક અને સત્તાલાલસુ રાજનેતાઓની કોઇ અછત નથી. તેઓ સત્તા પ્રાપ્તિ માટે અધમતાની કોઇપણ હદ વટાવી શકે છે. નૈતિકતા, પ્રમાણિકતા, મતદારો પ્રત્યેની જવાબદારી જેવી બાબતો હવે કાગળ પર જ રહી ગઇ છે. વાસ્તવિક રાજનીતિમાં આ બાબતોને હવે કોઇ સ્થાન નથી. એવું લાગી રહ્યું છે કે ભારતીય લોકશાહીનું ઝડપથી પતન થઇ રહ્યું છે.


comments powered by Disqus