પેરિસઃ યુનેસ્કોના હેડ ક્વાર્ટર ખાતેથી સમકાલીન વાસ્તુકલાના પ્રતિષ્ઠિત પુરસ્કાર ‘પ્રિક્સ વર્સાય 2026’ વિજેતાઓની યાદી જાહેર કરાઇ છે, જેમાં બે ભારતીય એરપોર્ટ - આસામના ગુવાહાટીનું ગોપીનાથ બોરદોલોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (ટર્મિનલ-2) અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (ટર્મિનલ-1)એ અનુક્રમે ત્રીજું અને ચોથું સ્થાન મેળવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ફ્રાન્સની પ્રિક્સ વર્સાય એજન્સી દર વર્ષે ઇમારત ડિઝાઇન અને સ્થાપત્યને કેન્દ્રમાં રાખીને આવા સીમાચિહ્નરૂપ સ્થળોને એવોર્ડ જાહેર કરતી હોય છે. આ વર્ષે વિશ્વભરમાંથી માત્ર 7 પ્રોજેક્ટ્સની પસંદગી કરાઈ છે, જેમાં ભારતના આ બંને એરપોર્ટ્સ તેમની અદભુત વાસ્તુકલા, કમળ અને બામ્બૂ ઓર્કિડ જેવી પરંપરાગત તથા સાંસ્કૃતિક ડિઝાઇન તેમ જ સસ્ટેનિબિલિટી માટે વૈશ્વિક સ્તરે પ્રશંસા પામ્યા છે. સ્થાપત્ય, સાંસ્કૃતિક ઝલક અને પર્યાવરણ જેવા માપદંડો આધારે વિશ્વના આ એરપોર્ટ્સની પસંદગી કરાઇ છે. આ બન્ને એરપોર્ટ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા સંચાલિત છે.
ભારત માટે આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ છે, કારણ કે આ યાદીમાં દેશના બે એરપોર્ટ્સે સ્થાન મેળવ્યું છે. આ એરપોર્ટ દુનિયાના અનેક વિકસિત દેશોના આધુનિક એરપોર્ટને પછાડીને નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ બંને એરપોર્ટ પરંપરાગત શૈલીની સાથે એકદમ હટકે અંદાજથી બનાવવામાં આવ્યા છે. આ વૈશ્વિક માપદંડોની સાથે ભારતીય એવિયેશન ઈન્ડસ્ટ્રીની મહત્ત્વકાંક્ષા અને આધુનિક ડિઝાઈનની ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે.
નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ-1 કમળથી પ્રેરિત ખાસ આર્કિટેક્ચર અને ફ્યુચરિસ્ટિક ડિઝાઇન માટે આગવી ઓળખ ધરાવે છે. આ ટર્મિનલ ટેકનોલોજી, કળા અને કામકાજ કરવાની પરંપરાને સમાવિષ્ટ કરીને મુસાફરીનો વર્લ્ડ ક્લાસ અનુભવ આપે છે. બીજી તરફ ગુવાહાટીના પ્રખ્યાત ગોપીનાથ બોરદોલોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2ની સ્થાનિક પ્રદેશની ઇકોલોજી અને સાંસ્કૃતિક વારસાથી પ્રેરિત ડિઝાઇન માટે ભરપૂર પ્રશંસા થઇ છે. ઉત્તર-પૂર્વ ભારતમાં પ્રવેશ માટે મહત્વના ગેટવે રૂપ આ ટર્મિનલના આર્કિટેક્ચરમાં બામ્બૂ ઓર્કિડમાંથી પ્રેરણા લલેવામાં આવી છે.
ફ્રેન્કફર્ટ એરપોર્ટ પ્રથમ સ્થાને
જર્મનીના ફ્રેન્કફર્ટ એરપોર્ટ ટર્મિનલ-3એ યાદીમાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે તો ચીનના ગુઆંગઝોઉ બિયાંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ-3ને બીજું સ્થાન મળ્યું છે.
યાદીમાં સામેલ અન્ય એરપોર્ટ્સમાં કંબોડિયાના ટેચો ઇન્ટરનેશનલ એરપોર્ટ, ફાનોસ પેન્હ એરપોર્ટ, અમેરિકાના પિટ્સબર્ગ ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમ જ સાન ડિએગો ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1ના નામ જોવા મળે છે.

