આસામ કોંગ્રેસના પુર્વ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન બોરાએ ભાજપનો પાલવ પકડી લીધો છે. આસામના ભાજપ અધ્યક્ષ દિલીપ સૈકિયાની ઉપસ્થિતિમાં તેમણે ભાજપના સભ્યપદનો સ્વીકાર કર્યો છે.
• કર્ણાટક ભાજપના ધારાસભ્ય લાંચ લેતાં ઝડપાયાઃ લોકાયુક્ત પોલીસે શનિવારે ભાજપ ધારાસભ્ય ચંદ્ર લામાણીને કથિત રીતે રૂ. 5 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપ્યા હતા. આ ટ્રેપ લોકાયુક્ત પોલીસે એક કોન્ટ્રાક્ટરની ફરિયાદના આધારે ગોઠવી હતી.
• બાંગ્લાદેશની તારિક રહેમાન સરકારનો મોટો નિર્ણયઃ ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં સુધારની દિશામાં પ્રથમ પગલું ભરતાં દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઇ કમિશને શુક્રવારે ભારતીય નાગરિકો માટે વિઝા સેવાઓ ફરી શરૂ કરી દીધી છે.
• હૈદરાબાદ બિરયાની ચેઇનનું ટેક્સચોરી કૌભાંડઃ હૈદરાબાદની એક બિરયાની ચેઇનના હિસાબની તપાસ કરાતાં આવકવેરા ખાતાએ રૂ. 70 હજાર કરોડની ટેક્સચોરી પકડી પાડી છે. ફૂડ અને બિવરેજિસ ઉદ્યોગમાં ટેક્સચોરીના પર્દાફાશથી સનસનાટી મચી છે.
• પાકિસ્તાનને મળતું રાવી નદીનું પાણી પણ અટકાવાશેઃ પાકિસ્તાન સાથે સિંધુ જળસંધિને અટકાવ્યા બાદ ભારત સરકારે રાવી નદીનું પાણી પણ અટકાવવાની તૈયારી કરી છે. આમ થતાં ઉનાળામાં પાકિસ્તાનનું જળસંકટ વધશે.
• મંજૂરી વિના ભારત ક્યારેય નહીં છોડું: ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને જણાવ્યું કે, તેઓ મંજૂરી વિના ભારત નહીં છોડે અને બેન્ક ફ્રોડ મામલે તપાસમાં તેઓ તપાસ એજન્સીઓને પૂરો સહકાર આપવાનું ચાલુ રાખશે.
• વિમાનમાં ઉપદ્રવ કરનારા પર પ્રતિબંધ મુકાશેઃ વિમાનમાં ઉપદ્રવી મુસાફરો સામે કાર્યવાહી કરવા આકરા નિયમોની દરખાસ્ત કરાઈ છે. આ સૂચિત નિયમો મુજબ એરલાઇન્સ કંપનીઓ 30 દિવસથી 2 વર્ષ સુધીનો ફ્લાઇટ પ્રતિબંધ પણ મૂકી શકશે.
• મેક્સિકોમાં ડ્રગ લીડરનુંં મોતઃ મેક્સિકોમાં ડ્રગ માફિયા અલ મેન્ચોના એન્કાઉન્ટરમાં મોત બાદ તેના સમર્થકોએ 20 રાજ્યોમાં હિંસા ફેલાવી. જે અંતર્ગત 32 લોકોનાં મોત નીપજ્યાં, જેમાં 25 સુરક્ષાકર્મી પણ સામેલ છે. ટોળા દ્વારા 20 બેન્કોને પણ આગ લગાવાઈ.
• ઇરાન ઝૂકશે નહીં: અમેરિકાની સૈન્ય ઘેરાબંધી વચ્ચે ઇરાને સ્પષ્ટ કર્યું કે તે કોઈપણ દબાણ હેઠળ શરણાગતિ સ્વીકારશે નહીં. વિદેશ મંત્રાલયે કહ્યું, ‘ઇતિહાસ સાક્ષી છે કે ઈરાનીઓ ક્યારેય આત્મસમર્પણ કર્યું નથી. ઇરાન અમેરિકાને વળતો જવાબ આપશે.’
• અફઘાનિસ્તાન પર પાક.ની એરસ્ટ્રાઇકઃ પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ ફરી ચરમ પર પહોંચ્યો છે. પાકિસ્તાને શનિવારે અફઘાનિસ્તાનના પક્તિકા અને નંગરહાર પ્રાંતના 7 ઠેકાણાં પર હવાઈ હુમલા કર્યા હતા.

