ગયા સપ્તાહમાં ભારતની રાજધાની દિલ્હીમાં ભારત મંડપમ ખાતે એઆઇ સમિટ યોજાઇ ગઇ. વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવાની દિશામાં આગળ વધી રહેલા ભારતે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સેક્ટરમાં પણ પોતાનું સ્થાન મજબૂત બનાવવાનું રણશિંગડુ ફૂંકી દીધું છે. એક રીતે કહીએ તો ભારત એઆઇની સફરમાં એક નિર્ણાયક ચૌરાહા પર આવીને ઊભો છે. એ વાતમાં કોઇ શંકા નથી કે ભારત મજબૂત સ્ટાર્ટ-અપ ઇકો સિસ્ટમ, ઇજનેરોની વિશાળ ફોજ ધરાવે છે. આજે વિશ્વમાં ભારત સૌથી વિશાળ જાહેર ડિજિટલ માળખું ધરાવે છે. તેમ છતાં અમેરિકા અને ચીનની સરખામણીમાં એઆઇ ક્ષેત્રે ભારતે હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. ભારતે એઆઇની સ્પર્ધામાં એક ગંભીર દાવેદાર તરીકે નામ તો નોંધાવી દીધું છે ત્યારે તેના દાવા ભવિષ્યમાં કેટલી સફળતા અપાવે છે તે જોવું રહ્યું.
છેલ્લા એક દાયકામાં ભારતે ડિજિટલ અને એઆઇમાં મજબૂત પાયો નાખવાનો પ્રયાસ કર્યો છે. ભારત સરકારની આધાર, યુપીઆઇ સહિતની ડિજિટલ જાહેર વ્યવસ્થાના આજે વિશ્વભરમાં વખાણ થઇ રહ્યાં છે. તે ઉપરાંત ભારતીય આઇટી કંપનીઓની વિશ્વભરમાં બોલબાલા રહી છે. ભારતની દિગ્ગજ આઇટી કંપનીઓ એઆઇ સેક્ટરમાં મોટા મૂડીરોકાણ સાથે આગળ વધી રહી છે. ભારતની સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ પણ હેલ્થ, ફાઇનાન્સ, એગ્રિકલ્ચર સહિતના સંખ્યાબંધ એઆઇ સાહસોમાં આગળ વધી રહી છે.
તેમ છતાં કશું ખૂટી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે અમેરિકા અને ચીન જેવા દેશોની એઆઇ ટેકનોલોજીઓ અપનાવવા અને એઆઇમાં આત્મનિર્ભર બનવું તેમાં મોટો તફાવત રહેલો છે. ભારતમાં હાલ મોટા ભાગના એઆઇ ડેવલપમેન્ટમાં સ્વદેશી રિસર્ચ અને સંશોધનો નજીવા છે. ભારત હાલ તો અન્ય દેશો દ્વારા તૈયાર કરાયેલા એઆઇ મોડેલો અપનાવવામાં વ્યસ્ત હોય તેમ લાગી રહ્યું છે. અમેરિકા, ચીન, તાઇવાન સહિતના દેશો એઆઇમાં પાયાગત મોડેલ અને અદ્યતન સેમી કન્ડક્ટર ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યાં છે ત્યારે ભારત હજુ પણ વિદેશી હાર્ડવેર, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એઆઇ મોડેલો પર આધારિત છે. વિદેશી ટેકનોલોજી પરની આ નિર્ભરતા ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતાને હાનિ પહોંચાડી શકે તેમ છે.
તાજેતરમાં અમેરિકાની ઘણી એઆઇ કંપનીઓ ભારતમાં ડેટા સેન્ટરોની સ્થાપનાના પ્રસ્તાવો સાથે આગળ વધી રહી છે. અદાણી, અંબાણી સહિતના ભારતીય બિઝનેસ ટાયકૂનો તેમની સાથે મળીને ભારતમાં મસમોટા ડેટા સેન્ટરો સ્થાપવાની દિશામાં આગળ વધી રહ્યાં છે પરંતુ સવાલ એ છે કે શું ભારતમાં ફક્ત ડેટા સેન્ટરો હોવાથી ભારતનું એઆઇમાં આત્મનિર્ભરતાનું સ્વપ્ન સાકાર થઇ જશે ખરું.. ડેટા સેન્ટરો અમેરિકાની એઆઇ જાયન્ટોની ડેટા ભૂખ સંતોષશે. ભારતના વિશાળ ડેટા બેઝને કારણે તેમના એઆઇ સંશોધનો વધુ પ્રગતિ કરશે જ્યારે ભારત ફક્ત એક માત્ર ડેટા કોલોની બનીને ન રહી જાય તેની કાળજી ભારતના નીતિ ઘડવૈયાઓએ લેવી પડશે. હાલ તો ભારત સરકારે ડેટા સેન્ટરોની સ્થાપના માટે કંપનીઓને વર્ષ 2047 સુધી કરમુક્તિ આપી દીધી છે. તેનો અર્થ એ થયો કે વિદેશી કંપનીઓ નફો સીધો તેમના ખિસ્સામાં સેરવી લેશે. તે ઉપરાંત આ ડેટા સેન્ટરોના કારણે વીજળી અને પાણીની ખપત એટલી મોટી હશે કે ભારતના કૃષિ અને અન્ય ઔદ્યોગિક સેક્ટરોને સહન કરવાનો વારો આવી શકે છે. અમેરિકી કંપનીઓ ભારતીય સ્ત્રોતોનો ઉપયોગ કરીને તેમનું એઆઇ સ્વપ્ન સાકાર કરવા તરફ આગળ વધી રહી છે. આમ એઆઇ સેક્ટરમાં માં ભારતે અનેક જોખમો સાથે વિશ્વ સામે બાથ ભીડીને આગળ વધવાનું છે તે વાતમાં કોઇ શંકા નથી.
