ગયા સપ્તાહમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રમુખ ટ્રમ્પની ટેરિફ મનમાનીની હવા કાઢી નાખતો ચુકાદો આપ્યો. જેના પગલે થોડા સમય માટે તો ટ્રમ્પના ટેરિફનો સામનો કરી રહેલા દેશો અને અમેરિકા ખાતે નિકાસ કરનારા લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ હતી પરંતુ આ ખુશી લાંબો સમય ટકી નહોતી અને ટ્રમ્પે તાત્કાલિક અસરથી 15 ટકાનો ગ્લોબલ ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી હતી. જેના પગલે વૈશ્વિક વેપાર વ્યવસ્થામાં ફરી એકવાર હડકંપ મચી ગયો હતો.
ટ્રમ્પના આ ગ્લોબલ ટેરિફથી એકતરફ ભારત અને ચીનને લાભ થઇ રહ્યો છે જ્યારે યુકે અને યુરોપિયન સંઘને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભારત સાથેના પ્રસ્તાવિત વેપાર કરારમાં ટ્રમ્પે ભારતીય આયાતો પર 18 ટકા ટેરિફની જાહેરાત કરી હતી પરંતુ હવે તે ઘટીને 15 ટકા આવી જતાં ભારતીય નિકાસકારો ખુશી મનાવી રહ્યાં છે. આવી જ સ્થિતિ ચીનના નિકાસકારોની પણ છે પરંતુ યુકેના નિકાસકારોએ હવે વેપાર કરાર અંતર્ગત નક્કી કરાયેલા 10 ટકાના સ્થાને 15 ટકા ટેરિફ ચૂકવવો પડશે. યુરોપના નિકાસકારો માટે પણ કંઇક આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે.
ભારતની વાત કરીએ તો ટ્રમ્પે ગયા વર્ષે રશિયન ક્રુડની ખરીદીના મુદ્દે અમેરિકા ખાતેની ભારતીય આયાતો પર 25 ટકા ટેરિફ અને 25 ટકા પેનલ્ટી એમ કુલ 50 ટકાનો ટેરિફ લાદી દીધો હતો. બંને દેશ વચ્ચેના પ્રસ્તાવિત વેપાર કરારમાં ટેરિફ ઘટાડીને 18 ટકા પર લઇ જવાનો પ્રસ્તાવ છે. જે હવે ટ્રમ્પના ગ્લોબલ ટેરિફના કારણે ઘટીને 15 ટકા થઇ ગયો છે. આમ ભારતીય નિકાસકારો માટે હાલની સ્થિતિ તો વિન-વિન જેવી છે. આવો જ લાભ ચીન અને બ્રાઝિલની અમેરિકા ખાતેની નિકાસોને પણ થવા જઇ રહ્યો છે કારણ કે ટ્રમ્પે ચીની અને બ્રાઝિલ ઉત્પાદનો પર પણ તગડો ટેરિફ લાદી રાખ્યો હતો.
પરંતુ ટ્રમ્પના ગ્લોબલ ટેરિફનું સૌથી વધુ નુકસાન યુકેને થવા જઇ રહ્યું છે તેથી જ બ્રિટિશ નિકાસકારોમાં હાલ અંધાધૂંધીનું વાતાવરણ છે. ટ્રમ્પે વડાપ્રધાન સ્ટાર્મર સાથે વેપાર કરાર કર્યો ત્યારે યુકે પર અન્ય દેશો કરતાં સૌથી ઓછો એટલે કે 10 ટકા ટેરિફ લાદવામાં આવ્યો હતો. જેના કારણે અમેરિકા ખાતેની નિકાસ કરતી બ્રિટિશ કંપનીઓ વિન વિન સિચ્યુએશનમાં હતી પરંતુ હવે 15 ટકાનો ટેરિફ અમેરિકા ખાતેની બ્રિટિશ આયાતોને મોંઘી બનાવી શકે છે તેનું સીધુ નુકસાન બ્રિટિશ નિકાસકારોને ભોગવવું પડશે. બ્રિટિશ ચેમ્બર્સ ઓફ કોમર્સના એક અંદાજ પ્રમાણે બ્રિટિશ નિકાસોનો ખર્ચ 3 બિલિયન પાઉન્ડ સુધી વધી શકે છે જેની સીધી અસર 40,000 બ્રિટિશ કંપનીઓને થશે. સૌથી મોટો ફટકો બ્રિટનની એલ્યુમિનિયમ અને સ્ટીલની નિકાસોને પડવા જઇ રહ્યો છે.
યુરોપિયન સંઘ અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલમાં 27 યુરોપિયન દેશોની નિકાસ પર ટ્રમ્પે 30 ટકા ટેરિફ ઝીંક્યો હતો પરંતુ ટ્રમ્પે ગ્રીન લેન્ડ પર કબજો જમાવવાની ધમકી આપ્યા બાદ યુરોપિયન સંઘે ટ્રેડ ડીલને સ્થગિત કરી દીધી હતી. આમ યુરોપિયન સંઘની નિકાસોને હવે અમેરિકામાં હાલ પુરતું તો 15 ટકા ટેરિફનો સામનો કરવો પડશે.
ટ્રમ્પે હાલ લાદેલો 15 ટકાનો ગ્લોબલ ટેરિફ અમેરિકન કાયદા પ્રમાણે 150 દિવસની જ અવધિ ધરાવે છે પરંતુ આ કાયદા અંતર્ગત ટેરિફ લાદીને ટ્રમ્પે એકતરફ સુપ્રીમના ચુકાદાને નિરર્થક બનાવવાનો પ્રયાસ કરવાની સાથે સાથે પાંચ મહિનાનો સમય પણ મેળવી લીધો છે. આ પાંચ મહિના દરમિયાન અમેરિકી પ્રમુખ અન્ય દેશોનું નાક દબાવવાના નવા હથકંડા શોધી કાઢશે.
