ઇતિહાસ, માનવતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની સાધના

Thursday 26th March 2026 02:26 EDT
 
 

છેલ્લી કેટલીક સદી અને સવિશેષ તો છેલ્લા 300 વર્ષ દરમિયાન પશ્ચિમી જગત અને પશ્ચિમી સંસ્કૃતિમાં ધરમૂળથી પરિવર્તન જોવા મળ્યાં છે. અગાઉના સમયમાં મોટાભાગનું યુરોપ ચર્ચના અધિકારથી પ્રભાવિત હતું. પોપ મહાન સત્તા ધરાવતા હતા અને ઘણીવાર રાજકીય અને સામાજિક બાબતોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હતા. આ પ્રભાવ વૈશ્વિક બાબતો સુધી પણ વિસ્તર્યો જેના દ્વારા યુરોપની સંસ્થાનવાદી સત્તાઓએ આફ્રિકામાં પ્રદેશોને વિભાજિત કરી તેના પર દાવા કર્યા હતા.
બ્રહ્માંડ અંગેની પૌરાણિક માન્યતાઓને પડકારનાર વૈજ્ઞાનિક ગેલિલિયો ગેલિલીને યાદ કરો. વૈજ્ઞાનિક વિચારસરણીમાં ધાર્મિક સત્તાધારીઓની ભૂમિકા અને બ્રહ્માંડ અંગેની લોકોની સમજ પર ગેલિલિયોની સમજે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ચર્ચના અગ્રણીઓએ ગેલિલિયોના મંતવ્યોનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને તેની સામે કેસ ચલાવવામાં આવ્યો હતો કારણ કે ગેલિલિયોના મંતવ્યો સ્થાપિત ધાર્મિક શિક્ષણ વિરુદ્ધના ગણાતા હતા.
તે જ સમયગાળામાં વૈજ્ઞાનિક સમજમાં વિકાસ કરતાં અંગ્રેજ વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટને આધુનિક ભૌતિકશાસ્ત્રના પાયા નાખી ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત તૈયાર કરીને મહાન યોગદાન આપ્યું હતું. ન્યૂટનના સંશોધનોએ કુદરતના કાયદાઓ કેવી રીતે બ્રહ્માંડનું સંચાલન કરે છે તે અંગેની માનવજાતની સમજને વિસ્તારી હતી.
ભૂતકાળ પર નજર નાખીએ તો ઘણા ઇતિહાસકારો ગેલિલિયો જેવા વિચારકોના વિચારો અને ન્યૂટનના અન્ય સંશોધનોને એક વ્યાપક બૌદ્ધિક ચળવળના ભાગરૂપે જુએ છે જેના કારણે પશ્ચિમી વિશ્વમાં જ્ઞાનનો યુગ શરૂ થયો. આ સમયગાળાએ તર્ક, વૈજ્ઞાનિક તપાસ અને લાંબા સમયથી સ્થાપિત સત્તાના પ્રભુત્વને પડકાર આપ્યો હતો.
વિવિધ સંસ્કૃતિઓમાં જ્ઞાન
હું ઉત્ક્રાંતિના સિદ્ધાંત જેવી માનવજાતની ઉત્પત્તિ વિશેની ચર્ચામાં પ્રવેશવા માંગતો નથી. જોકે, ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત વ્યક્તિ તરીકે એ નોંધવું યોગ્ય છે કે એક સમય હતો જ્યારે મોટાભાગનું યુરોપ હજુ પણ અંધકાર યુગમાં હતું ત્યારે ભારત, ચીન અને એશિયા અને આફ્રિકાના અન્ય ભાગોમાં શિક્ષણ, વેપાર અને સંસ્કૃતિના મજબૂત કેન્દ્રો પહેલાથી જ સ્થાપિત થઈ ચૂક્યા હતા.
ઇસ્લામના ઉદય અને પ્રસાર સાથે વિજ્ઞાન, ટેકનોલોજી, ગણિત અને ખગોળશાસ્ત્રમાં મહત્વપૂર્ણ પ્રગતિ મધ્ય પૂર્વ અને અન્ય પ્રદેશોમાં ફેલાઈ. જેનાથી જ્ઞાનની જાળવણી અને વિસ્તૃત કરવામાં મદદ મળી. ભારત અને ચીન જેવી સંસ્કૃતિઓએ ફિલસૂફી, શાસન, વિજ્ઞાન અને વાણિજ્ય જેવા ક્ષેત્રોમાં પહેલાથી જ નોંધપાત્ર પ્રગતિ કરી હતી.
આધુનિક આર્થિક વિચારધારાનો ઉદય
લગભગ 250 વર્ષ પહેલાં, યુરોપ અને ખાસ કરીને બ્રિટન અને બાદમાં અમેરિકાના અંગ્રેજી ભાષી ક્ષેત્રોમાં બૌદ્ધિક વિચારો અને શાસન વ્યવસ્થામાં બે મોટા પરિવર્તન આવ્યા હતાં.
સૌથી પ્રભાવશાળી ક્ષણોમાંથી એક હતી એડમ સ્મિથ દ્વારા લખાયેલ ‘An Inquiry into the Nature and Causes of the Wealth of Nations’નું પ્રકાશન. આ કૃતિએ આર્થિક પ્રવૃત્તિ, ઉત્પાદનક્ષમતા અને સમૃદ્ધિ સર્જવામાં વ્યક્તિગત પ્રયત્નોની ભૂમિકા વિશે શક્તિશાળી વિચારો રજૂ કર્યા. તેણે આધુનિક આર્થિક વિચારધારાનો પાયો નાખી બતાવ્યું કે કાર્યક્ષમ શ્રમ, સ્પેશિયલાઇઝેશન અને સુવ્યવસ્થિત બજારો કેવી રીતે સંપત્તિ સર્જવામાં યોગદાન આપે છે.
આના મૂળમાં, સ્મિથનું તત્વજ્ઞાન સૂચવે છે કે જ્યારે વ્યક્તિઓ ઇમાનદાર વ્યવસાય દ્વારા પોતાના હિતોની પાછળ લાગે છે ત્યારે તેઓ પરોક્ષ રીતે સમાજના કલ્યાણમાં પણ યોગદાન આપે છે.
રસપ્રદ રીતે આ વિચારો અને લગભગ 2500 વર્ષ જૂના પ્રાચીન ભારતીય તત્ત્વચિંતક, અર્થશાસ્ત્રી અને રાજકીય વ્યૂહકાર ચાણક્યના ‘કૌટિલ્ય નીતિ’ના ઉપદેશોમાં સમાનતા જોવા મળે છે. ભલે તેઓ સદીઓ અને ભૂગોળ દ્વારા અલગ હોય પરંતુ બંને વિચારોમાં ઉત્પાદનક્ષમતા, જવાબદારી અને સુવ્યવસ્થિત આર્થિક પ્રવૃત્તિનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ચાણક્યે સમૃદ્ધિ માટે સુસંગઠિત રાજ્ય, કાર્યક્ષમ કરપ્રણાલી, મજબૂત વહીવટ અને નૈતિક તેમજ વ્યવહારુ શાસનની તરફેણ કરી હતી.
એડમ સ્મિથ મુક્ત બજાર અને વ્યક્તિગત ઉદ્યોગની વાત કરે છે ત્યારે ચાણક્ય શિસ્તબદ્ધ શાસન અને રાજ્યની જવાબદારી પર ભાર મૂકે છે. બંનેના મંતવ્યોને સરખાવીએ તો એક સંતુલિત આર્થિક તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે, જેમાં વ્યક્તિગત પહેલ સાથે નૈતિક જવાબદારી અને સ્વતંત્રતા સાથે સંરચનાનો સમન્વય થાય છે. આ દ્રષ્ટિકોણ સમાજોને માત્ર સંપત્તિ જ નહીં પરંતુ સ્થિરતા અને દીર્ઘકાલીન ટકાઉપણું મેળવવામાં પણ મદદરૂપ બને છે.
ઉત્પાદકતા અને ઉદ્યોગ અંગે સ્મિથના વિચારો અર્થતંત્રોમાં પરિવર્તન લાવવા માટે કેન્દ્રસ્થાન બન્યા અને ઇંગ્લેન્ડ તથા પાછળથી પશ્ચિમ યુરોપના અન્ય ભાગોમાં ઝડપી ઔદ્યોગિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન મળ્યું. તેવી જ રીતે શાસનથી આગળ વધીને નૈતિકતા અને માનવ વર્તનની વાત કરતા ચાણક્યના વિચારો આજે પણ પ્રાસંગિક છે અને જાહેર તેમજ ખાનગી જીવનમાં સ્થિરતા, સમૃદ્ધિ અને અસરકારક નેતૃત્વ માટે વ્યવહારુ માર્ગદર્શન આપે છે.
ઇતિહાસમાંથી બોધપાઠ અને સંસ્કૃતિનું ભવિષ્ય
લગભગ 250 વર્ષ પહેલાં પોતાની બંધારણીય શાસન વ્યવસ્થાના આધારે રચાયેલ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એક રાષ્ટ્ર તરીકે સત્તાવાર રીતે ઉભર્યો. આ આધુનિક રાજકીય ઇતિહાસમાં અને લોકશાહી સંસ્થાઓના વિકાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ હતી.
પશ્ચિમ અને પૂર્વ બંને દ્રષ્ટિકોણથી જોઈએ તો, ઇતિહાસ આપણને શીખવે છે કે જ્ઞાન વગરની શક્તિ અને નૈતિકતા વગરની સંપત્તિ અંતે અસંતુલન તરફ દોરી જાય છે. એડમ સ્મિથે બજારમાં શક્તિના અતિસંકેન્દ્રીકરણ અંગે ચેતવણી આપી હતી તો બીજી તરફ ચાણક્યે શાસકોને લોભ, ભ્રષ્ટાચાર અને ખરાબ શાસનથી સાવચેત રહેવા ચેતવ્યા હતા. તેમના સંયુક્ત વિચારો આપણને યાદ અપાવે છે કે ટકાઉ પ્રગતિ માટે આર્થિક શક્તિ સાથે નૈતિક સંયમ પણ જરૂરી છે.
યુરોપ અને અમેરિકામાં પશ્ચિમ સંસ્કૃતિ એક મહત્વપૂર્ણ ચોરાહે ઉભી છે. શક્તિ, સંપત્તિ અને નિષ્ઠુર બળનો સમન્વય સમાજોને હંમેશા માર્ગદર્શન આપી શકતો નથી, વહેલું કે મોડું તેને વધુ સંતુલિત અને માનવીય જીવનશૈલીને સ્વીકારવી જ પડે છે.
સમાજની સેવા કરે અને ત્યારે જ સમૃદ્ધિ અર્થપૂર્ણ બને છે અને લોકોનું રક્ષણ કરી તેમને ઉન્નત બનાવે ત્યારે જ શક્તિ યોગ્ય ગણાય છે. એડમ સ્મિથ અને ચાણક્ય પાસેથી આ સાચો બોધપાઠ મળે છે.
આધ્યાત્મિક ડહાપણ અને સહિયારા માનવીય મૂલ્યો
ઇતિહાસ પર નજર નાખતા એક વિચાર ઘણીવાર મનમાં આવે છે. આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તેણે લાંબા સમયથી એશિયાના ઘણા પ્રદેશોને અનેક રીતે પ્રભાવિત કર્યાં છે. હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મ જેવી પરંપરાઓએ સામાન્ય રીતે નૈતિક જીવન, આત્મશિસ્ત, આંતરિક ચિંતન અને પ્રકૃતિ તથા સમાજ સાથે સુમેળમાં જીવન જીવવાને વિશેષ મહત્વ આપ્યું છે.
ઘણા અર્થમાં આ પરંપરાઓ કઠોર માન્યતાઓની વ્યવસ્થાઓ કરતાં જીવન માટે માર્ગદર્શક તત્ત્વજ્ઞાન તરીકે વધુ રજૂ થાય છે. ધર્મ (ફરજ અને ધર્મનિષ્ઠા), કર્મ (કૃત્યોના પરિણામો હોય છે એવી કલ્પના) અને આંતરિક સંતુલનની શોધ જેવા વિચારો એ ક્ષેત્રના અનેક લોકોના જીવન અને જવાબદારી વિશેના વિચારોને આકાર આપ્યા છે.
આ સમજણના કેન્દ્રમાં ‘વસુધૈવ કુટુંબકમ્’નો સિદ્ધાંત છે, જે આપણાં શાસ્ત્રોમાં વ્યક્ત થાય છે. જેનો અર્થ એ છે કે આખું વિશ્વ એક પરિવાર છે. આ તત્ત્વજ્ઞાન સનાતન ધર્મના મૂળ તત્વને દર્શાવે છે, જે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ, પરસ્પર સન્માન, સહનશીલતા અને સ્વીકારને પ્રોત્સાહિત કરે છે. આ ગુણો નબળાઈના ચિહ્નો નથી પરંતુ આંતરિક શક્તિ, આત્મસન્માન અને આત્મનિયંત્રણના પ્રતીક છે. સાચો ધર્મ શીખવે છે કે વ્યક્તિએ પોતાના મૂલ્યોને ગૌરવ અને સંતુલન સાથે જાળવી રાખતા અન્ય લોકો સાથે સુમેળમાં જીવવું જોઈએ.
તે જ રીતે, પવિત્ર ધ્વનિ ‘ૐ’ હિંદુધર્મ, બૌદ્ધધર્મ અને જૈનધર્મ જેવી પરંપરાઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેને બ્રહ્માંડનો પ્રારંભિક નાદ અને એકતા તથા પરમ સત્યનું પ્રતીક માનવામાં આવે છે. સદીઓથી ‘ૐ’ના જાપનો ઉપયોગ ધ્યાન અને પ્રાર્થનામાં મનને શાંત કરવા અને જાગૃતિ વધારવા માટે કરવામાં આવે છે.
આજે, યોગ અને ધ્યાનના વૈશ્વિક પ્રસાર દ્વારા ‘ૐ’ સમગ્ર વિશ્વમાં ઓળખાય છે અને અનુસરાય છે. તે માનવજાતની શાંતિ, સંતુલન અને આંતરિક સુમેળની સંયુક્ત શોધનું પ્રતીક છે.
આ સંદર્ભમાં, એક મહત્વપૂર્ણ વિચાર સામે આવે છે. બીજાઓ સાથે સ્પર્ધા કરતાં પોતાની જાત સાથે સ્પર્ધા કરવાનો. નરેન્દ્ર મોદી જેવા નેતાઓમાં આ દ્રષ્ટિકોણ જોવા મળે છે જેમાં તુલના કરતાં સતત આત્મસુધાર પર ભાર મૂકવામાં આવે છે. આ ધાર્મિક તત્ત્વજ્ઞાન સાથે સુસંગત છે જેમાં વ્યક્તિગત વિકાસ, શિસ્ત અને આત્મનિયંત્રણને સ્પર્ધા કરતાં વધુ મહત્વ આપવામાં આવે છે. સાચી પ્રગતિ પોતાના વધુ સારા સ્વરૂપમાં પરિવર્તિત થવામાં છે, બીજાઓને પછડાટ આપવામાં નહીં.
આ અભિગમ ભારતીય ઉપખંડની વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓમાં હજારો વર્ષોમાં વિકસ્યો અને વેપાર, જ્ઞાન અને સાંસ્કૃતિક વિનિમય દ્વારા એશિયાના અન્ય ભાગોમાં ફેલાયો. આ પૃષ્ઠભૂમિના કારણે આ પરંપરાઓ અબ્રાહમિક ધર્મો, જેમ કે ખ્રિસ્તી, યહૂદી અને ઇસ્લામથી અલગ પ્રતીત થાય છે કારણ કે આ ધર્મો અલગ ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓમાં વિકસ્યા છે અને તેઓ પ્રભુત્વશાળી પરંપરાઓ, ધર્મગ્રંથો અને સંગઠિત ધાર્મિક માળખાને વધુ મહત્વ આપે છે.
મારો ઉદ્દેશ્ય કોઈ એક પરંપરાને બીજી કરતાં શ્રેષ્ઠ બતાવવાનો નથી. દરેક સંસ્કૃતિ અને ધર્મે માનવજાતના નૈતિક અને આધ્યાત્મિક પ્રવાસમાં યોગદાન આપ્યું છે. સાચું મહત્વ એ છે કે આપણે આ પરંપરાઓમાંથી એવું જ્ઞાન લઈએ જે આપણને વધુ જવાબદાર, શાંતિપૂર્ણ અને પરસ્પર સમજણ સાથે જીવવામાં મદદ કરે. જો આપણે ભગવદ્દ ગીતા, બાઇબલ અને કુરાન જેવા પવિત્ર ગ્રંથોના ઉપદેશોને ધ્યાનથી જોઈએ તો તેમના મૂળભૂત સંદેશામાં ઘણી સમાનતા છે. અલગ અલગ રીતે તેઓ બધા એક પરમ સત્યના અસ્તિત્વ પર ભાર મૂકે છે અને માનવજાતને કરુણા, વિનમ્રતા અને પરસ્પર સન્માન સાથે જીવવાની પ્રેરણા આપે છે. આ તમામ ઉપદેશોમાં રહેલો મુખ્ય સિદ્ધાંત સરળ છે. સહમાનવોને પ્રેમ કરો, શાંતિપૂર્વક જીવો અને લોભ, અહંકાર, ક્રોધ અથવા અતિશય સંપત્તિની લાલસા દ્વારા પ્રેરિત ન થાઓ.
નાજુક વિશ્વને આજે શાંતિની તાતી જરૂર
મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ અને સંઘર્ષો આપણને યાદ અપાવે છે કે આધુનિક વિશ્વમાં શાંતિ કેટલી નાજુક હોઈ શકે છે. યુદ્ધો અને સૈન્ય અથડામણો રાજકીય મતભેદો, સુરક્ષા ચિંતાઓ અથવા ઐતિહાસિક વિવાદોથી ઊભા થઈ શકે છે પરંતુ તેમના પરિણામો સૌથી વધુ સામાન્ય લોકોને ભોગવવા પડે છે. આવા સંઘર્ષો પ્રભુત્વ માટેના ઊંડા સંઘર્ષને પણ દર્શાવે છે.
રાષ્ટ્રો પોતાને વૈશ્વિક શક્તિ તરીકે સ્થાપિત કરવા અને અન્ય પર પોતાનો પ્રભાવ વિસ્તૃત કરવા માંગે છે છતાં આ સર્વોચ્ચતા મેળવવાના પ્રયાસમાં એક મૂળભૂત પ્રશ્ન ઉભો થાય છે અને તે એ છે કે અંતે શું પ્રાપ્ત થાય છે? જ્યાં એક સંસ્કૃતિના નિર્માણમાં અને વિકસાવવામાં પેઢીઓ લાગી જાય છે, ત્યાં તેનો વિનાશ ક્ષણોમાં થઈ શકે છે.
જ્યારે આપણે ‘વેલ્થ ઓફ નેશન્સ’ના 250મી વર્ષગાંઠ જેવા માઇલસ્ટોન અને યુનાઇટેડ સ્ટેટ્સના સ્વતંત્ર રાષ્ટ્ર બન્યાના 250 વર્ષના નજીક આવતા પ્રસંગોને યાદ કરીએ છીએ, ત્યારે આ ક્ષણો માત્ર ભૂતકાળ તરફ જોવાની નથી. તે ભવિષ્ય તરફ આશા સાથે જોવાની તક પણ છે. એવી આશા કે ઇતિહાસના પાઠ આપણને વધુ ન્યાયી, સંતુલિત અને શાંતિપૂર્ણ ભવિષ્ય તરફ દોરી જશે.
ઇતિહાસ વારંવાર બતાવે છે કે લાંબા સમય સુધી ચાલતા સંઘર્ષો માનવ પીડા, આર્થિક દબાણ અને પ્રદેશોમાં અસ્થિરતા લાવે છે. દેશો તેમના વ્યૂહાત્મક હિતોનો પીછો કરી શકે છે, પરંતુ વૈશ્વિક સમુદાય વધુને વધુ એ માન્યતા સ્વીકારી રહ્યો છે કે સ્થાયી શાંતિ માત્ર સંવાદ, પરસ્પર સમજણ અને માનવજીવનના સન્માન દ્વારા જ શક્ય છે.


comments powered by Disqus