નોકરીના ઇન્ટર્વ્યુમાં કેવી રીતે ફતેહ હાંસલ કરવી

- જય ગોહેલ Wednesday 25th March 2026 09:49 EDT
 
 

મારા અગાઉના આર્ટિકલ વિનિંગ સીવીમાં ઇન્ટર્વ્યુ એપોઇન્ટમેન્ટ મેળવવા માટે તમારો સીવી કેવી રીતે તૈયાર કરવો તે અંગે માહિતી આપી હતી. ઇન્ટરવ્યૂમાં પણ તમારો ઉદ્દેશ્ય વધુ પડકારજનક હોય છે કારણ કે તમારે તમારા સ્વપ્નની નોકરી જીતવા માટે ઇન્ટરવ્યૂ સફળતાપૂર્વક પાર પાડવો પડશે.
ઇન્ટર્વ્યુ લેનાર વ્યક્તિ સંપુર્ણ તૈયારી સાથે બેઠી હશે. તે 1. નોકરીનું વર્ણન, 2. કર્મચારીની વિગતો, 3. નોકરીની જાહેરાત, 4. મળેલા સીવીના આધારે તૈયાર કરેલી ઉમેદવારોની ટૂંકી યાદી, 5. ઇન્ટર્વ્યુમાં પૂછવાના સવાલો અને 6. જરૂર પડે તો સિલેક્શન ટેસ્ટની તૈયારી સાથે બેઠી હશે. જો તમે ઇન્ટર્વ્યુમાં સફળ થાવ છો તો તે રેફરન્સિઝ પણ મેળવશે.
જો ઇન્ટવર્યુ પહેલાં તમારી પાસે વધુ માહિતી હશે તો તમે હળવાશ અને આત્મવિશ્વાસ અનુભવશો. તેથી પહેલા તો નોકરીદાતા દ્વારા મોકલાયેલા નોકરીના પ્રકારનો અભ્યાસ કરો. જો ના મોકલ્યું હોય તો તે અંગે તપાસ કરો. માહિતીનો અભ્યાસ કરો અને સંસ્થાના કદ, તેના મુખ્ય ઉત્પાદનો અને સર્વિસિઝ અંગે વિચારો. ઇન્ટર્વ્યુ કેટલો લાંબો ચાલશે તેની પણ તપાસ કરી લો. ઇન્ટર્વ્યુ ક્યારે પૂરા થશે તે તમે જાણતા હોવાથી હળવાશથી રહી શક્શો. જો ઇન્ટર્વ્યુમાં કોઇ પ્રકારનો ટેસ્ટ લેવાવાનો હોય તો તેની પણ તૈયારી કરી લો.
સંભવિત નોકરીદાતાએ તમને મોકલેલા તમામ દસ્તાવેજો વાંચીને સમજી લો. નોકરીના ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા શબ્દોથી તમારી જાતને પરિચિત કરી લો. તેનાથી તમે પૂછાનારા સવાલોને સારી રીતે સમજી શકશો. તે ઉપરાંત તમારી જાણકારી તમને અન્ય ઉમેદવારો પર સરસાઇ અપાવવામાં મદદ કરશે.
જો કોઇ મોટી કંપનીએ તમને ઇન્ટર્વ્યુ માટે બોલાવ્યા હોય તો વેબસાઇટો “THE TIMES 1000” અને “THE KOMPASS DIRECTORY - UK - EXPOUK.CLOUD”નો અભ્યાસ કરી લો. તેના દ્વારા તમે કંપની અંગે ઘણી જાણકારી પ્રાપ્ત કરી શકશો અને ઇન્ટર્વ્યુ માટે સારી રીતે તૈયાર થઇ શક્શો.
પ્રસ્તાવિત નોકરીમાં તમે કેટલું સકારાત્મક યોગદાન આપી શક્શો તે અંગે વિચારો. તમારી ક્ષમતાઓ અને નબળાઇઓ જાણી લો અને જો તમારી નબળાઇ અંગે સવાલ કરવામાં આવે તો તે શું કહેવું તે નક્કી કરી લો. એવું ક્યારેય ન કહેશો કે તમારી કોઇ નબળાઇ નથી. બીજીતરફ એકથી વધુ નબળાઇની માહિતી પણ આપશો નહીં. એવી નબળાઇ જણાવો કે જે સકારાત્મક હોય. દાખલા તરીકે હું મને સોંપાયેલ કામ પુરું કરવામાં એટલો વ્યસ્ત બની જાઉં છું કે લંચ બ્રેક લેવાનું પણ ભૂલી જાઉં છું.
દરેક ઇન્ટર્વ્યુ લેનારની પોતાનું આગવું વ્યક્તિત્વ હોય છે. કેટલાક કડક અને ગંભીર હોય છે પરંતુ તેનાથી વિચલિત થવું નહીં. નહીંતર તમારા પર્ફોર્મન્સ પર વિપરિત અસર થઇ શકે છે. હંમેશા સંતુલિત અને તર્કબદ્ધ જવાબ આપો. ઇન્ટર્વ્યુ લેનારના વ્યક્તિત્વની કોઇ સમીક્ષા નહીં કરે પરંતુ તમારું વ્યક્તિત્વ દાવ પર લાગેલું હશે. જો તેઓ કોઈ અસ્પષ્ટ પ્રશ્ન પૂછે, તો નમ્રતાથી કહો, માફ કરશો, મને પ્રશ્ન સમજાયો નહીં; શું તમે કૃપા કરીને તેને ફરીથી કહી શકો છો? જો તમે કોઇ ખોટો જવાબ આપી બેસો તો તરત સોરી કહીને સુધારી લો.
બીજીતરફ વધુ પડતા આત્મવિશ્વાસમાં રાચશો નહીં. દાખલા તરીકે જો તમને કોઇએ ક્યારેય નમ્ર ન કહ્યા હોય તો તમારે તેની કાળજી લેવી જોઇએ. તમારી બધી કુશળતા અંગે વિચારો અને લખી રાખો. તમે કોઇ સિદ્ધી મેળવી હોય તે પરિસ્થિતિઓ અંગે વિચારો. તે સમયે તમે કઇ સ્કીલનો ઉપયોગ કર્યો હતો તે યાદ કરો. ઘણા લોકો તેમની કુશળતાને ઓછી આંકતા હોય છે અથવા તો તેમને મહત્વની સમજતા નથી.
જો ઇન્ટર્વ્યુ પહેલાં તમારામાં નકારાત્મક ભાવ હોય તો પરિવારના વડીલ સાથે વાત કરો અથવા તો તમારો આત્મવિશ્વાસ વધારી શકે તેવા મિત્ર સાથે ચર્ચા કરો. ઇન્ટર્વ્યુની પ્રેકટિસ કરો. કોઇ વ્યક્તિને તમારા મોક ઇન્ટર્વ્યુઅર તરીકે પસંદ કરો. તેનાથી તમે એક લય પ્રાપ્ત કરી શકશો. તમારો મોક ઇન્ટર્વ્યુઅર તમને પોઝિટિવ ફીડબેક આપી શકશે. દાખલા તરીકે એ તમને જણાવી શકશે કે તમે આત્મવિશ્વાસ સાથે અને હળવાશ સહિત ઇન્ટર્વ્યુ આપ્યો છે કે કેમ. તમારે થોડા વધારે ઊંચા અવાજે, સ્પષ્ટ, ધીમેથી અથવા તો ઝડપથી બોલવાની જરૂર છે. અરીસા સામે ઊભા રહી બોલો અને ક્યાં સુધારો કરવાની જરૂર છે તે નક્કી કરો.
મારા આગામી આર્ટિકલમાં રોલ પ્લે દરમિયાન ઉપયોગમાં લઇ શકાય તેવા સવાલો જણાવીશ. ઇન્ટર્વ્યુના એક દિવસ પહેલાં તમારે કઇ જગ્યાએ ઇન્ટર્વ્યુ આપવાનો છે તેની મુલાકાત લો અને ત્યાં પહોંચવામાં કેટલો સમય લાગે છે તે પણ ચકાસી લો. ઇન્ટર્વ્યુના દિવસે પરિવહનમાં વિલંબની ગણતરી રાખીને વહેલા નીકળો. તેના કારણે તમે ઇન્ટર્વ્યુ સ્થળે શાંતિથી આત્મવિશ્વાસભેર પહોંચી શક્શો. સ્થળમાં પ્રવેશતા પહેલાં તમારી નોંધ પર એક નજર નાખી લો.
ઇન્ટર્વ્યુની 10 મિનિટ પહેલાં રિસેપ્શન પર પહોંચો અને રિસેપ્શનિસ્ટ સાથે લાંબો સમય વાત ન કરો. તેની પાસે ઇન્ટર્વ્યુ લેનારની માહિતી માગશો નહીં. તમે જે કાંઇ કહેશો તેની માહિતી ઇન્ટર્વ્યુ લેનાર સુધી પહોંચી શકે છે. જ્યારે તમે રાહ જોઇને બેઠા હો ત્યારે આસપાસનો અભ્યાસ કરો અને સંસ્થા તથા તેના કર્મચારીઓ અંગે તમને કેવી લાગણી થાય છે તે જુઓ.
શું કર્મચારીઓ ઉર્જાવાન છે કે આળસુ, ત્યાં કોઇ નોટિસ બોર્ડ છે કે નહીં. તેના દ્વારા ખબર પડે છે કે કંપની કેવી રીતે કર્મચારીઓને સૂચના આપે છે અને કર્મચારીઓ સાથે કેવા પ્રકારનું વર્તન કરે છે. ગૂડ લક....


comments powered by Disqus