કોરોના મહામારી બાદના વર્ષોમાં વિશ્વે 3 મોટા યુદ્ધનો સામનો કર્યો છે. આ ત્રણે યુદ્ધને એકરીતે દિશાવિહિન ગણાવી શકાય. ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ ગાઝા, લેબેનોન, સીરિયા પરના ઇઝરાયેલી હુમલાઓમાં શું હાંસલ કરી શકાયું તે હજુ સ્પષ્ટ થયું નથી. હા, ઇઝરાયેલનો દાવો છે કે તેણે પ્રોક્સી યુદ્ધ લડી રહેલા હમાસ, હિઝબુલ્લા અને હૂથીઓની કમર તોડી નાખી છે. તેવી જ રીતે 2022થી શરૂ થયેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો પણ ચાર વર્ષ પછી અંત દેખાઇ રહ્યો નથી. આટલું ઓછું હોય તેમ માર્ચ 2026થી અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે સીધી લડાઇ શરૂ થઇ. આજે 4 સપ્તાહનો સમય થવા આવ્યો હોવા થતાં આ યુદ્ધ વિકરાળ બની રહ્યું છે.
આમ જોવા જાવ તો આ સંઘર્ષ દિશાવિહિન યુદ્ધનું સ્પષ્ટ ઉદાહરણ બની રહ્યો છે. વિનાશકારી યુદ્ધમાં સ્પષ્ટ રાજકીય લક્ષ્યાંકો, નિર્ધારિત અંતિમ પરિણામ કે સુસંગત વ્યૂહરચનાનો અભાવ આંખે ઊડીને વળગે છે. સામાન્ય રીતે યુદ્ધ ચોક્કસ હેતૂ માટે લડાતાં હોય છે. પ્રદેશ પર કબજો, સત્તા પરિવર્તન જેવા હેતૂસર યુદ્ધ લડાતાં હોય છે પરંતુ ઇરાનમાં અમેરિકા અને ઇઝરાયેલ ચોક્કસ કયા પરિણામ હાંસલ કરવા માગે છે તે સ્પષ્ટ થઇ રહ્યું નથી. કદાચને તેમણે લક્ષ્યાંકો નક્કી કર્યાં હશે પરંતુ ઇરાને કરેલા સામનાએ તેમના લક્ષ્યાંકોને રોળી નાખ્યાં છે અને તેથી જ હવે આ યુદ્ધ દિશાહીન બની રહ્યું હોવાનું પ્રતીત થઇ રહ્યું છે. જ્યારે કોઇ યુદ્ધ દિશાવિહિન બને છે ત્યારે લાંબાગાળાના પરિણામો ચિંતા ઉપજાવનારા બની રહે છે.
યુદ્ધ દરમિયાન નિવેદનબાજી થતી રહે છે. પરંતુ યુદ્ધ કઇ દિશામાં આગળ વધશે તે તો સામસામે કરાયેલી કાર્યવાહી જ નક્કી કરી શકે છે. યુદ્ધના પ્રથમ સપ્તાહમાં અમેરિકા અને ઇઝરાયેલે જે રીતે હુમલા કરી ઇરાનના ટોચના નેતૃત્વનો સફાયો કર્યો તે જોતાં એમ લાગી રહ્યું હતું કે ઇરાનમાં સત્તા પરિવર્તનનું લક્ષ્યાંક અમેરિકા અને ઇઝરાયેલ હાંસલ કરી લેશે. પરંતુ ઇરાનની સેનાએ અમેરિકા અને ઇઝરાયેલને હંફાવવાની સાથે ચોક્કસ વ્યૂહરચનાની મદદથી આગળ વધીને ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતાન્યાહૂની તમામ ગણતરીઓ ઊંધી પાડી દીધી છે. ગણતરીઓ ઊંધી પડવાના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ ઘડીકમાં વાટાઘાટોના સંકેત આપી રહ્યાં છે તો ઘડીકમાં ધનોત પનોત કાઢી નાખવાની ધમકીઓ ઉચ્ચારી રહ્યાં છે. વૈશ્વિક કૂટનીતિમાં કદાચને આ એક વ્યૂહરચના હોઇ શકે છે પરંતુ હવે આગળ શુંનો સવાલ તો ટ્રમ્પ અને નેતાન્યાહૂ બંનેને સતાવી રહ્યો હશે.
એવું નથી કે આ યુદ્ધમાં ફક્ત અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે સીધો સંઘર્ષ ચાલી રહ્યો છે. જે રીતે ઇરાન અમેરિકાનો સાથ આપનારા ખાડીના આરબ દેશો અને તેમના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહ્યો છે તે જોતાં આરબ દેશો પણ આડકતરી રીતે આ યુદ્ધના સ્ટેક હોલ્ડર્સ તો છે જ. તે ઉપરાંત લેબેનોનમાં હિઝબુલ્લા, યમનના હૂથી, ઇરાકના ઇરાન સમર્થક પ્રોક્સી જૂથો પણ આડકતરી રીતે આ યુદ્ધમાં સામેલ છે અને તેથી જ આ જટિલ સ્થિતિ યુદ્ધને નિયંત્રિત કરવું મુશ્કેલ બનાવે છે. આ યુદ્ધ એક સીધી રેખામાં આગળ વધી રહ્યું નથી પરંતુ પરસ્પર સંકળાયેલા સંકટોની એક જાળ બની રહ્યું છે.
સૌથી મોટી ચિંતાની વાત એ છે કે હાલ ક્ષિતિજ પર પણ રાજકીય કે કૂટનીતિક ઉકેલ દેખાઇ રહ્યો નથી. ચીન અને રશિયા જેવી મહાસત્તાઓ પરદા પાછળ રહીને પોતાનો ખેલ પાડી રહ્યાં છે. સંયુક્ત રાષ્ટ્ર તો હવે નામ માત્રની સંસ્થા બની રહી છે. સમાધાન કે યુદ્ધ વિરામની કોઇ વાત થઇ રહી નથી. બસ ચારેતરફથી હાકલા અને પડકારા સંભળાઇ રહ્યા છે. મંત્રણાઓની મધ્યે અમેરિકાએ ઇરાન સાથે જે રીતે યુદ્ધની શરૂઆત કરી દીધી તે જોતાં ઇરાની સત્તાવાળા મંત્રણાની મેજ પર આવે તેવી પણ કોઇ સંભાવના દેખાઇ રહી નથી. આમ આ યુદ્ધ દિશાવિહિન બની રહ્યું હોવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે. તેનો અંત કેવી રીતે લાવવો તેની સૂઝ પણ કોઇને પડી રહી નથી અથવા તો યુદ્ધનો અંત લાવવા માટે પ્રયાસ કરવા કોઇ તૈયાર પણ દેખાતું નથી. કૂટનીતિ અને રાજદ્વારી પ્રયાસો વિના યુદ્ધનો અંત શક્ય જ નથી.
