એર ચાઇના બેઇજિંગ અને દિલ્હી વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા જઈ રહી છે. ચીની દૂતાવાસે જણાવ્યું કે, આ માત્ર મુસાફરી નથી, પરંતુ વ્યાપાર, પ્રવાસન, વિશ્વાસ અને SCO, બ્રિક્સ (BRICS) જેવા મંચો પર લોકો વચ્ચે સહયોગ વધારવાનું એક મોટું પગલું છે. લોકો ટ્રાન્ઝિટ વિના સરળતાથી મુસાફરી કરી શકશે.
• વેરહાઉસિંગ અધિકારીના મોત મામલે પૂર્વ મંત્રીની ધરપકડઃ પંજાબ સ્ટેટ વેરહાઉસિંગના મેનેજર ગગનદીપસિંહ રંધાવાના આપઘાત મામલે પોલીસે રાજ્યના પૂર્વ પરિવહન મંત્રી લાલજીતસિંહ ભુલ્લરની ધરપકડ કરી છે. ગગનદીપ સિંહે આપઘાત પહેલાં એક વીડિયોમાં લાલજીતસિંહ સામે ઉત્પીડન, ધમકીઓ અને ટેન્ડર ફાળવણી મુદ્દે દબાણના આક્ષેપ કર્યા હતા
• ઈડીનો ડર બતાવી ધનખડનું રાજીનામું લઈ લેવાયુંઃ તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને ઈડી કાર્યવાહીનો ડર દેખાડી તેમનું તત્કાલ રાજીનામું લઈ લેવાયું હતું. આ દાવો શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉત દ્વારા તેમના પુસ્તકમાં કરવામાં આવ્યો છે.
• પાકિસ્તાન આતંકવાદથી સૌથી વધુ પીડિતઃ દુનિયામાં આતંકવાદ ફેલાવતું પાકિસ્તાન પોતે આતંકથી સૌથી વધુ પીડિત હોવાનો સ્વીડનના ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું છે. રિપોર્ટ મુજબ વર્ષ 2025માં પાકિસ્તાનમાં આતંકવાદથી 1139નાં મોત થયાં હતાં.
• શિક્ષણના નામે ‘જેહાદી’ બનાવાતા હોવાનો ઘટસ્ફોટઃ પીઓકેમાં આતંકી સંગઠનોમાં સ્કૂલનાં બાળકોની પણ ભરતી શરૂ કરાઈ છે. જૈશ અને લશ્કરે ધાર્મિક કાર્યક્રમો, રેલીઓ, આતંકી શિબિરો વગેરે બાદ સ્કૂલના વિદ્યાર્થીઓને આતંકી બનાવાતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
• અડધા વિશ્વની સ્કૂલમાં મોબાઇલ પર પ્રતિબંધઃ મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે બાળકો શિક્ષણથી દૂર થઇ રહ્યા છે. ત્યારે .યુનેસ્કો સાથે સંકળાયેલી એજ્યુકેશન મોનિટરિંગ ટીમે ખુલાસો કર્યો છે કે વિશ્વભરમાં અડધા દેશોની સ્કૂલમાં મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
• ભારતીય વેપારીઓને તિબેટમાં મુક્ત વેપારની છૂટઃ ચીન દ્વારા તિબેટનાં તકલાકોટમાં વેપાર કરતા ભારતીયોને સરપ્રાઇઝ અપાઈ છે. તકલાકોટમાં આંતરરાષ્ટ્રીય વેપારને વેગ આપવા માટે ભારતીય વેપારીઓ માટે પાકી દુકાનો બાંધવામાં આવી છે, જ્યાં ભારતીય વેપારીઓ પહેલીવાર વેપાર કરી શકશે.

