ઇરાન યુદ્ધના કારણે ભારત એક અસામાન્ય ઉર્જા સંકટનો સામનો કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકસભામાં સ્વીકાર્યું કે ઇરાન યુદ્ધના કારણે ભારતીય અર્થતંત્ર સામે અણધાર્યા પડકારો સર્જાયાં છે. એક રીતે એમ કહી શકાય કે મધ્યપૂર્વની લોહિયાળ રાજનીતિએ ભારતીય અર્થતંત્રના સૌથી નાજૂક પાસા પર જ પ્રહાર કર્યો છે. ઇરાને હોર્મુઝની ખાડીને અવરોધતા એલપીજી અને એલએનજીના વૈશ્વિક પૂરવઠા પર અસર પડી છે તેના કારણે ભારતીય ઉદ્યોગોથી માંડીને પરિવારો સુધી અણધારી અછતનો સામનો કરી રહ્યાં છે. આ સ્થિતિ ભારતની એનર્જી સિક્યુરિટીમાં રહેલી મોટી ખામીને ઉજાગર કરે છે. હકીકતમાં ભારત એક એવો દેશ બની ગયો છે જેના દૈનિક જીવનનો આધાર અન્ય દેશો પર ટકી રહ્યો છે.
ઇરાન યુદ્ધે સર્જેલા સંકટમાંથી ભારતીય સત્તાધીશોએ તાત્કાલિક પદાર્થપાઠ શીખીને હવે ક્રુડ ઓઇલના સ્થાને ઉર્જાના અન્ય વિકલ્પો અપનાવવાની દિશામાં ઝડપથી આગળ વધવું પડશે. ભારતની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે દેશ પર સૂર્યની અપાર કૃપા છે. વર્ષનો મોટા ભાગનો સમય ભારત સૂર્યપ્રકાશ અઢળક પ્રમાણમાં મેળવે છે. તેથી સૌર ઉર્જા એનર્જી સિક્યુરિટીમાં મહત્વનો વિકલ્પ પૂરવાર થઇ શકે. તેવી જ રીતે ભારતમાં નદીઓ મોટી સંખ્યામા આવેલી છે. જળ વિદ્યુત યોજનાઓનો વ્યાપ વધારીને ભારત તેના ઉર્જા સંકટને હળવું તો કરી જ શકે છે.
ભારતમાં કોલસાના ભંડાર ભરપૂર માત્રામાં છે પરંતુ લાલ ફિતાશાહી અને પર્યાવરણીય નિયંત્રણોના કારણે આપણે કોલસાનું ઉત્પાદન પુરતા પ્રમાણમાં કરી શક્તાં નથી. કોલસાનું ઉત્પાદન વધારવામાં આવે તો ભારતમાં વીજળીનું ઉત્પાદન વધી શકે છે. જેના દ્વારા પેટ્રોલ, ડીઝલ, એલએનજી અને એલપીજી પરની નિર્ભરતા ઘટાડી શકાય. પરિવહનથી માંડીને ઘરના ચૂલા સુધી વીજળી પરની નિર્ભરતા વધારીને એનર્જી સિક્યુરિટીને મજબૂત બનાવી શકાય.
ભારત પરમાણુ ઉર્જાના મામલે પણ સ્વનિર્ભર છે. જરૂર ફક્ત પરમાણુ આધારિત વીજળી એકમોમાં વધારો કરવાની. ભારત પાસે થોરિયમના ભંડારની સાથે સાથે થોરિયમ આધારિત પરમાણુ ટેકનોલોજી પણ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં પરમાણુ ઉર્જા પણ એનર્જીનો મહત્વનો વિકલ્પ બની શકે છે.
આજની સ્થિતિમાં એટલું જ કહી શકાય કે ભવિષ્યમાં આ પ્રકારના જોખમનો સામનો ન કરવો પડે તે માટે ભારતે પોતાની આગવી ઉર્જા નીતિ વિકસાવવી પડશે જેમાં અન્ય કોઇ દેશની આયાતો પર આધારિત રહેવું ન પડે.
