યુ-ટર્ન અત્યંત કડવો શબ્દ છે. નીતિગત પીછેહઠ હવે વેસ્ટમિન્સ્ટરના શાસનની એક ઓળખ બની ગઈ છે. અગાઉની કન્ઝર્વેટિવ સરકારે સંખ્યાબંધ મોટા પ્રસ્તાવો પર પીછેહઠ કરવી પડી હતી. તેવી જ રીતે લેબર પાર્ટીની સ્ટાર્મર અને ત્યારપછી બર્નહામ સરકાર બ્રેક્ઝિટથી માંડીને રવાન્ડા યોજના સહિતની નીતિઓ ઉલટાવવા મજબૂર બની રહી છે.
જોકે નિર્ણયો અને નીતિઓ બદલવાની પ્રક્રિયાને માત્ર રાજકીય અણઆવડત ગણાવી દેવી એ માળખાકીય વાસ્તવિકતાની અવગણના કરવા બરાબર છે. આધુનિક બ્રિટિશ સરકારો વારંવાર પીછેહઠ કરવા મજબૂર બને છે કારણ કે તેઓ આર્થિક, સંસ્થાકીય અને વસ્તીવિષયક મર્યાદાઓ સાથે ટકરાઈ રહી છે. બ્રિટનની આ યુ ટર્ન સંસ્કૃતિ પાછળનું મુખ્ય પરિબળ તીવ્ર નાણાકીય ભીંસ છે. એક પછી એક આવતી સરકારો ઉત્તમ જાહેર સેવાઓ અને નીચા કરવેરા બંનેના વચનો સાથે સત્તામાં આવે છે, પરંતુ સત્તા સંભાળતા જ તેમને ધીમી ઉત્પાદકતા, દેવાના વ્યાજનો ઊંચો ખર્ચ અને વૃદ્ધ થતી વસતી જેવા પડકારોનો સામનો કરવો પડે છે.
આર્થિક મર્યાદાઓને વધુ જટિલ બનાવતું પરિબળ કેન્દ્રિય કારોબારીની મહત્ત્વાકાંક્ષા અને વિભાજિત રાજકીય શક્તિ વચ્ચેનું અસંતુલન છે. બ્રિટનની ચૂંટણી પ્રણાલી ઘણીવાર કુલ મતોના પ્રમાણમાં ઓછા હિસ્સા પર પણ કોઈ એક પક્ષને સંસદમાં પ્રચંડ બહુમતી અપાવી દે છે. સંપૂર્ણ જનાદેશનો આ ભ્રમ ડાઉનિંગ સ્ટ્રીટને અસરગ્રસ્ત ક્ષેત્રો, પક્ષના સામાન્ય સાંસદો અને સ્થાનિક હિતધારકો સાથે વ્યાપક પરામર્શ કર્યા વિના, માત્ર એક નાના વર્તુળમાં બેસીને નીતિઓ ઘડવા પ્રેરે છે. સ્વાભાવિક રીતે જ બંધ બારણે ઘડાયેલી નીતિઓ જ્યારે વાસ્તવિક દુનિયાની જટિલતાઓની કસોટી પર ચડે છે ત્યારે વિખેરાઈ જાય છે. વધુમાં, આધુનિક વેસ્ટમિન્સ્ટર એક એવા કઠોર માહોલમાં કામ કરે છે જે જડતાને પહેલા કરતાં વધુ ઝડપથી દંડિત કરે છે. મતદારોની બદલાતી વફાદારી અને ડાબેરી તથા જમણેરી બંને તરફથી ઉભરી રહેલા નવા રાજકીય પક્ષોના જોખમથી વાકેફ સાંસદો હવે અપ્રિય નિર્ણયોના સમર્થનમાં મતદાન કરવા બિલકુલ તૈયાર નથી. હવે બેક બેન્ચર્સ સાંસદો જ સરકારના નીતિગત નિર્ણયોને આગળ ધપવા દેતા નથી ત્યારે સરકાર પાસે પીછેહઠ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો.
અંતે બ્રિટનમાં વારંવાર બદલાતી નીતિઓ એ વ્યક્તિગત નેતાઓની હિંમત તૂટી જવા કરતાં પરસ્પર વિરોધી વચનો અને કઠિન આર્થિક સમાધાનો વચ્ચે તાલમેલ બેસાડવા સંઘર્ષ કરી રહેલી રાજકીય વ્યવસ્થાનું પરિણામ વધુ છે. વિવેચકોનું કહેવું બિલકુલ વ્યાજબી છે કે સતત પીછેહઠ કરવાથી જનતાનો વિશ્વાસ ડગે છે અને વ્યવસાયો માટે નીતિગત અનિશ્ચિતતા ઊભી થાય છે પરંતુ માત્ર અભિમાન ખાતર ખામીયુક્ત કાયદાઓને વળગી રહેવું એ કદાચ વધુ નુકસાનકારક છે. જ્યાં સુધી બ્રિટિશ રાજકારણ તેની મૂળભૂત દ્વિધાઓનો પ્રામાણિકપણે સામનો નહીં કરે અને એ નહીં સ્વીકારે કે બહેતર જાહેર સેવાઓ માટે ટકાઉ ભંડોળ જરૂરી છે તથા મોટા સુધારાઓ માટે વ્યાપક સર્વસંમતિ અનિવાર્ય છે ત્યાં સુધી ડાઉનિંગ સ્ટ્રીટ એક પગ એક્સિલરેટર પર અને બીજો બ્રેક પર રાખીને જ ચાલવા મજબૂર રહેશે.
