પશ્ચિમ બંગાળનું નામ બદલીને પશ્ચિમ બંગ કરવાની તૈયારી

સંક્ષિપ્ત સમાચાર

Wednesday 25th November 2026 06:34 EST
 

પશ્ચિમ બંગાળનું નામ બદલીને ‘પશ્ચિમ બંગ' કરવાની તૈયારી ચાલી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યે જણાવ્યું કે રાજ્યનું નામ બદલવા વિધાનસભાના પહેલા સત્રમાં બિલ લાવવામાં આવશે. નવા નામનો ઉદ્દેશ્ય રાજ્યની ઐતિહાસિક ઓળખ સાથે જોડવાનો છે. નવા નામના ચલણ પછી 'બાંગ્લા’, ‘બંગા’ કે ‘વેસ્ટ બંગાલ’ જેવાં નામનો ઉપયોગ નહીં થાય.
• બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યુંઃ બાંગ્લાદેશમાં અવામી લીગ દ્વારા દેશવ્યાપી બંધના એલાન વચ્ચે ગુરુવારે હિંસા ભડકી ઊઠી છે. રાજધાની ઢાકામાં સવાર થતાં જ અનેક સ્થળોએ દેશી બોમ્બ વિસ્ફોટ થયા. દેશના ઘણા ભાગોમાં આગચંપી, તોડફોડ અને હુમલાની ઘટનાઓ બની હતી. મોહંમદ યુનુસના પૈતૃક મકાનમાં પણ આગ લગાવી દેવાઈ.
• આઇઝનકોટનું નેતન્યાહૂની પાર્ટીને આમંત્રણઃ ઇઝરાયલમાં નવી સરકાર બનાવવા યાશાર પાર્ટીના પ્રમુખ આઇઝનકોટે બેન્જામિન નેતન્યાહૂની પાર્ટીને આમંત્રણ આપ્યું છે. બંને પાર્ટી વચ્ચે ગઠબંધન સરકાર બનાવવા અંગે વાતચીત થશે. આઈઝનકોટે સ્પષ્ટ કર્યું છે કે વડાપ્રધાન તેઓ પોતે જ બનશે.
• પાકિસ્તાને ભારતીય વિમાનો પરનો હવાઈ પ્રતિબંધ લંબાવ્યોઃ પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાના એરસ્પેસ પરનો પ્રતિબંધ 24 ડિસેમ્બર 2026 સુધી વધારી દીધો છે. ગુરુવારે જારી કરાયેલા નોટમ મુજબ, આ પ્રતિબંધ ભારતીય સૈન્ય વિમાનો પર પણ લાગુ થશે. પાકિસ્તાને એપ્રિલ 2025માં પહલગામ હુમલા બાદ આ પ્રતિબંધ લગાવ્યો હતો.
• હવે કોઇ ભારત સમક્ષ આંખ ઉઠાવીને જોઇ શકે તેમ નથીઃ ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જાપાનના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ટોકિયોમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં રાજનાથ સિંહે પાછલા 12.5 વર્ષમાં ભારતે સાધેલા વિકાસનું વર્ણન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં જે બદલાવ થઈ રહ્યા છે તે સૌની સામે છે. રાજનાથ સિંહે ભારતના વિક્રમ સંરક્ષણ નિકાસોનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમણે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદુરમાં ભારતના શૌર્યના વખાણ કર્યા હતાં અને જણાવ્યું હતું કે હવે કોઇપણ આપણા દેશની વિરુદ્ધ આંખ ઉઠાવીને જોઈ શકે તેમ નથી.
• ગુરુનાનક જયંતી માટે 2300થી વધુ શીખ શ્રદ્ધાળુ પાકિસ્તાન પહોંચ્યાઃ શીખ ધર્મના સ્થાપક ગુરૂ નાનક દેવજીની 557મી જન્મજયંતીની ઉજવણીમાં ભાગ લેવા 2300થી વધુ ભારતીય શીખ યાત્રાળુઓ રવિવારે વાઘા બોર્ડરથી પાકિસ્તાન પહોચ્યાં છે.


comments powered by Disqus