આપણામાંથી જે કોઈએ ‘પેકેજ હોલી ડે’ (એટલે કે એક નિર્ધારિત કિંમતમાં મુસાફરી, રહેવાનું અને જોઇએ તેટલું ખાવાંનું)નો અનુભવ કર્યો હોય કે કોઈ સામાજિક પ્રસંગે buffet (સ્વરુચિ ભોજન)નો અનુભવ કર્યો હશે ત્યારે જોયું જ હશે કે લગભગ બધા જ માણસો એક નાની પ્લેટમાં જેટલી પણ વાનગીઓ હોય તે લેવાના પ્રયત્નો કરે. જેમ કે, સવારના નાસ્તામાં કેક પેસ્ટ્રી, ફળ, ટોસ્ટ, ઇંડા, બટાકા અને એ સાથે કટલેરી નેપકિન અને ચા-કોફી લઇને ટેબલ સુધી જવા પગલાં માંડે અને ટેબલ પર બેસી ગયેલી વ્યક્તિઓ તમારી તરફ જોવા લાગે.
આપણે ઘરે તો નાસ્તામાં કદાચ એક સીરીયલ અને ટોસ્ટ ખાતા હોઈએ પરંતુ બુફે બ્રેકફાસ્ટમાં તો બધી વસ્તુઓ લેવી જ જોઈએ. વળી, આપણા સામાજિક પ્રસંગોમાં જો એ દિવસે કોઈ તહેવાર કે અગિયારસ જેવી ખાસ તિથિ હોય તો યજમાન બે કાઉન્ટરની વ્યવસ્થા કરે છે. એક તરફ, ફરાળી વાનગીઓ અને બીજી તરફ સામાન્ય વાનગીઓ, પણ તમે જોજો લગભગ દરેક મહેમાન બધી જ વાનગીઓને ન્યાય આપશે. આજકાલ અમુક પ્રસંગોએ શાકાહારી અને માંસાહારી માટે પણ અલગ કાઉન્ટર ગોઠવવામાં આવે છે, પરંતુ માંસ ખાનારાઓ પણ શાકાહારી વાનગીઓનો આનંદ માણશે.
અમે જ્યારે પહેલી વખત ક્રૂઝ નૌકા વિહારમાં ગયેલા ત્યારે એક અનુભવી મિત્રે કહ્યું કે તમારા કપડાં એક સાઈઝ મોટા લઈ જજો. મેં પૂછ્યછયું કેમ? અને મિત્રે કહેલું કે અરે બોટમાં તો 24 કલાક રસોડું ચાલુ અને જ્યારે જેટલું ખાવાનું મળે એટલે મજા કરી લેવાની અને એટલે તમારા રેગ્યુલર કપડાં પૂરાં નહીં થાય. ખરેખર? શા માટે? કારણ કે આપણે પૂરા પૈસા આપ્યા છે, વસુલ કરી લેવાના.
આપણી સમજ કરતાં લાલચ વધી જાય, પેટમાં જગ્યા ન હોય, ખાઇ ન શકીએ કે વાનગી ભાવે નહીં એટલે આપણે અમુક ખોરાક એંઠો મુકીએ અને એ ખોરાકને ફેંકવામાં આવે. World Sustainable Hospitality Allianceના સર્વે મુજબ દુનિયામાં ફેંકી દેવામાં આવતા ખોરાકમાં હોટેલ્સનો હિસ્સો ત્રણ ટકા છે.
આપણે જ્યારે રજાઓમાં જઈએ ત્યારે નવું નવું ખાઈને એનો સ્વાદ માણવાનું મન થાય તે સ્વાભાવિક છે, પરંતુ થાળ ભરીને બધું લેવું જરૂરી નથી. આપણી આવી ટેવને લીધે અમુક રેસ્ટોરાંમાં તો નોટિસ હોય છે કે જેટલું ખાઇ શકાય તેટલું જ લેવું, અમુક પ્રખ્યાત રેસ્ટોરાંમાં તો એવી પણ નોટિસ હોય છે કે એઠું મૂકનારને દંડ થશે.
મેં એક જાણીતા રેસ્ટોરાંમાં આંચકો લાગે તેવું નોટિસ બોર્ડમાં વાંચેલુંઃ ‘ગઈકાલે અમે 45 કીલો ખોરાક ફેંક્યો એટલે કે એ ખોરાકથી બીજી 180 વ્યક્તિઓને ભોજન પીરસી શકાયું હોત.’
મિત્રો, આ લખવા પાછળ કોઈની ટીકા કરવાનો કે કોઈને ઉપદેશ આપવાનો મારો આશય નથી, આ તો મારાં અવલોકનનું પરિણામ છે, પરંતુ સત્ય એ છે કે આપણું સ્વાસ્થ્ય ખોરાકના ઢગલા કરતાં મહત્ત્વનું છે અને આપણું પેટ એ કોઈ કચરાપેટી નથી કે જેમાં બધું કરવી દેવાય.

