મોદીના નેતૃત્વમાં એશિયા અને વિશ્વમાં ભારતનો વધતો પ્રભાવ

Wednesday 25th November 2026 05:17 EST
 

ગયા સપ્તાહમાં લોવી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ વર્ષ 2026માં ભારતનો એકંદર પાવર સ્કોર વધીને 40.5 પોઇન્ટ થતાં તેણે એશિયાના ટોચના ત્રણ સૌથી શક્તિશાળી દેશોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. '2026 એશિયા પાવર ઇન્ડેક્સ' દર્શાવે છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાદેશિક નેતૃત્વના મૂલ્યાંકનમાં પણ સુધારો જોવા મળ્યો છે અને અહેવાલમાં તેમને એશિયાના પ્રાદેશિક નેતાઓમાં બીજા સ્થાને મૂકવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ સ્થાનના સુધારા સાથે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પછી એશિયાના બીજા સૌથી અસરકારક પ્રાદેશિક નેતા તરીકે ઉભરી આવ્યા છે.
દાયકાઓ સુધી વૈશ્વિક ભૂરાજનીતિને માત્ર બે ધ્રુવોના ચશ્માથી જોવામાં આવતી હતી, પહેલાં વોશિંગ્ટન વિરુદ્ધ મોસ્કો, અને ત્યારબાદ વોશિંગ્ટન વિરુદ્ધ બેઇજિંગ. પરંતુ આજે સતત વિભાજિત થઈ રહેલી વૈશ્વિક વ્યવસ્થાના કેન્દ્રમાં આજે ભારત મક્કમતાથી ઊભરી રહ્યો છે. ભારત હવે માત્ર સંતુલન જાળવનાર શક્તિ કે ભવિષ્યની સંભાવનાઓ ધરાવતું ઊભરતું બજાર બની રહેવા માંગતો નથી. સુનિયોજિત આર્થિક મજબૂતી, કુશળ કૂટનીતિ અને વ્યૂહાત્મક આત્મનિર્ભરતાના બળે ભારતે એશિયાની સ્થિરતા અને વૈશ્વિક શાસનના એક નિર્ણાયક ઘડવૈયા તરીકે પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે.
ભારતના આ ઉદયના મૂળમાં તેનો સતત જળવાઈ રહેલો આર્થિક વિકાસ છે. ભારતે સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા અને એક વિશ્વસનીય વૈકલ્પિક ઉત્પાદન કેન્દ્ર તરીકે પોતાની ઓળખ ઊભી કરી છે. જ્યારે વૈશ્વિક કંપનીઓ કોઈ એક દેશ પરની નિર્ભરતા ઘટાડવા વિચારે છે ત્યારે નવી દિલ્હી તેમની પ્રથમ પસંદગી બની રહ્યું છે. આટલું જ પરિવર્તનકારી પાસું ભારતની મલ્ટી-અલાઇનમેન્ટ વિદેશ નીતિ છે. શીતયુદ્ધના સમયની બિનજોડાણવાદી નીતિ, જેમાં ઘણીવાર નિષ્ક્રિય તટસ્થતાનો ભાવ રહેતો હતો, તેનાથી વિપરીત આધુનિક ભારતીય રાજનીતિ અત્યંત સક્રિય અને સ્પષ્ટ છે. નવી દિલ્હી અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે ક્વાડના મંચ પર પ્રભાવશાળી ભૂમિકા ભજવે છે, તો બીજી તરફ બ્રિક્સ અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં પણ પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખે છે. આ કૂટનીતિક કુશળતા ભારતને કોઈ પણ એક જૂથમાં સમાઈ ગયા વિના પરસ્પર વિરોધી જૂથો સાથે સંવાદ સાધવાની ક્ષમતા આપે છે જે આજના કઠોર ભૂ-રાજકીય સંઘર્ષના યુગમાં અત્યંત દુર્લભ શક્તિ છે.
સંરક્ષણની વાત કરીએ તો હિમાલયથી લઈને હિંદ મહાસાગર ક્ષેત્ર સુધી નવી દિલ્હીએ પોતાની ક્ષમતાઓ મજબૂત કરી છે, સરહદી માળખાગત સુવિધાઓનું આધુનિકીકરણ કર્યું છે અને દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો સાથે દરિયાઈ સુરક્ષા ભાગીદારી વિસ્તારી છે. નેટ સિક્યોરિટી પ્રોવાઈડર અને પ્રાદેશિક માનવતાવાદી કટોકટીઓમાં પ્રથમ મદદગાર તરીકેની ભૂમિકા ભજવીને ભારતે પડોશી અને અન્ય દેશોનો વિશ્વાસ જીત્યો છે, જે નાના એશિયાઈ દેશોને સાર્વભૌમત્વનું સન્માન કરતો એક લોકશાહી અને નિયમ-આધારિત વિકલ્પ આપે છે.
વિસ્તૃત વૈશ્વિક ફલક પર પણ ભારતે ગ્લોબલ સાઉથના અવાજ તરીકે પોતાનું નેતૃત્વ સફળતાપૂર્વક સ્થાપિત કર્યું છે. ભારતની ઐતિહાસિક G20 અધ્યક્ષતાએ આફ્રિકન યુનિયનના કાયમી સભ્યપદ અપાવ્યું છે. અંતે, ભારતનો ઉદય કોઈ વિધ્વંસક પરિવર્તનવાદથી નહીં પરંતુ સ્થિર અને વ્યવહારુ આત્મવિશ્વાસથી પ્રેરિત છે. વિશ્વ જ્યારે નિર્ણાયક રીતે બહુધ્રુવીયતા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારત સાબિત કરી રહ્યો છે કે વિશાળ વસ્તી ધરાવતી વૈવિધ્યસભર લોકશાહી પણ સ્થિર શક્તિનો સંચાર કરીને ઝડપી વિકાસ સાધી શકે છે. હવે પ્રશ્ન એ નથી કે ભારત એશિયા અને વિશ્વના ભવિષ્યને આકાર આપશે કે કેમ પરંતુ એ છે કે બહુધ્રુવીય સહકારનું ભારતનું વિઝન આવનારા દાયકાઓને કેટલી ઊંડાઈથી વ્યાખ્યાયિત કરશે.


comments powered by Disqus