વિશ્વના 18 દેશમાં કોરોનાના નવા વેરિએન્ટે દેખા દીધીઃ શું ફરી સંકટ?

Wednesday 25th November 2026 06:23 EST
 
 

નવી દિલ્હીઃ વર્ષ 2020થી 2023 વચ્ચે દુનિયાભરના લોકોએ કોરોના રોગચાળાના ખતરનાક સમયનો સામનો કર્યો હતો. કોવિડ-19 રોગચાળાનું કારણ બનનારો આ વાઇરસ હવે પહેલાં જેટલો પ્રભાવશાળી રહ્યો નથી. તેમ છતાં સમય સમય પર મ્યૂટેશનની સાથે સામે આવતા તેના નવા વેરિએન્ટ લોકોની ચિંતા જરૂર વધારતા રહ્યા છે. પાછલા લગભગ એક વર્ષથી કોરોના લગભગ એકદમ શાંત સ્થિતિમાં હતો, જો કે તેમાં હવે મ્યૂટેશનની સાથે નવા વેરિએન્ટને લઈને ફરીથી સમાચારો સામે આવ્યા છે. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર કોવિડનું એક નવો વેરિએન્ટ PJ.2.1 હાલમાં ચર્ચામાં છે, જેના સ્પાઇક પ્રોટિનમાં લગભગ 24 ફેરફાર જોવા મળ્યા છે. એટલું જ નહીં અત્યાર સુધીમાં વિશ્વના 18 દેશોમાં તે જોવા મળ્યો છે.
તાજેતરના દિવસોમાં કેનેડા અને અમેરિકામાં તેના વધતા જતા કેસે વૈજ્ઞાનિકોનું ધ્યાન તે તરફ ખેંચ્યું છે. નવા સ્ટ્રેનનાં જોખમોને જોતાં હાલના તબક્કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)S તેને વેરિSન્ટ અંડર મોનિટરિંગના રૂપમાં વર્ગીકૃત કર્યું છે. તજજ્ઞોનું કહેવું છે કે હાલમાં આ વાઇરસથી દુનિયાભરમાં કોઈ મોટા સંકટની આશંકા નથી પણ નવો વેરિએન્ટના સામે આવ્યા બાદ લોકોના મનમાં કોરોનાને લઈને ફરીથી અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. ડબલ્યુએચઓમાં કોરોના સહિતના વાઇરસ પર નજર રાખવા માટેના ખાસ જૂથ (TAG-VE)એ પોતાના પ્રારંભના રિપોર્ટમાં જણાવ્યું છે કે, દુનિયાભરમાં આ નવા વેરિએન્ટથી સ્વાસ્થ્યને થનારા નુકસાનના ભયનું જોખમ હાલના તબક્કે ઘણું ઓછું છે. જો કે આ સમીક્ષા માટે હજુ વધુ સમય આપવાની જરૂર છે, કેમ કે હજુ સુધી પૂરતા પ્રમાણમાં જાણકારી ઉપલબ્ધ થઈ શકી નથી. કેનેડા અને અમેરિકામાં કોરોનાના કેસ વધી રહ્યા છે, તેણે ચર્ચા તેજ કરી દીધી છે.


comments powered by Disqus