અમેરિકી કોંગ્રેસમાં અત્યાર સુધી રિપબ્લિકન બહુમતીના જોરે મનમાની કરી રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હવે ઇમ્પિચમેન્ટનો ભય ફરી એકવાર સતાવવા લાગ્યો છે. સાઉથ કેરોલિનામાં એક રેલીને સંબોધન કરતાં ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો રિપબ્લિકન પાર્ટી નવેમ્બરમાં યોજાનારી મિડટર્મ ચૂંટણીમાં હારી જશે તો તેમની સામે ઈમ્પિચમેન્ટ ચલાવવામાં આવશે. જો તેમના કાર્યકાળના અંતિમ બે વર્ષ દરમિયાન ડેમોક્રેટ્સ કોંગ્રેસ પર કબજો જમાવશે, તેમની સરકારે હાંસલ કરેલું બધું દેશની જનતા ગુમાવી દેશે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકી ઇતિહાસમાં ટ્રમ્પ એકમાત્ર એવા પ્રમુખ છે જેમની સામે અગાઉ બે વાર ઇમ્પિચમેન્ટની કાર્યવાહી થઇ ચૂકી છે.
અમેરિકી રાજકીય અખાડામાં મિડટર્મ ચૂંટણીમાં પરાજયનો ભય કોઇપણપ્રમુખ માટે મોટી ચિંતાનો વિષય બની રહે છે. મિડટર્મમાં રિપબ્લિકનોની સંભવિત હાર ફક્ત સંસદીય અવરોધો સુધી મર્યાદિત નથી પરંતુ ટ્રમ્પ સામે ફરી એકવાર ઇમ્પિચમેન્ટના ગંભીર અને ટાળી ન શકાય તેવા ખતરાનો ઇશારો કરે છે.
ટ્રમ્પ એ વાત ખૂબ સારી રીતે જાણે છે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ રાજકીય વિરોધને કાનૂની અને બંધારણીય કાર્યવાહીમાં બદલવાની ક્ષમતા ધરાવે છે. જો રિપબ્લિકન પાર્ટી હાઉસમાં પોતાની પાતળી બહુમતી ગુમાવે તો ટ્રમ્પ પ્રશાસનનું રક્ષણ કરતી મજબૂત ઢાલ ક્ષણભરમાં ભાંગીને ભુક્કો થઇ જશે.
કોંગ્રેસમાં રિપબ્લિકનનું નિયંત્રણ અમેરિકી પ્રેસિડેન્ટ માટે મજબૂત કવચનું કામ કરે છે. પ્રમુખના નિર્ણયો સામેની સંસદીય તપાસ અટકાવવા અને વિરોધપક્ષના પ્રહારોને રાજકીય રીતે નિષ્ફળ બનાવવામાં મદદ કરે છે. જો હાઉસ પર વિપક્ષ ડેમોક્રેટનું નિયંત્રણ આવી જાય તો આ સમીકરણ સંપુર્ણપણે બદલાઇ જશે. ડેમોક્રેટિક નેતૃત્વ હેઠળની સમિતિઓને વ્યાપક સમન્સ જારી કરવાની સત્તા મળી જશે જેના પગલે ટ્રમ્પના નિર્ણયો, નાણાકીય વ્યવહારો અને વહીવટી નીતિઓની તપાસ માત્ર બંધ ઓરડામાં થવાને બદલે દેશભરમાં ચર્ચાનો વિષય બનશે. નિર્ણાયક અને અંકુશમુક્ત સત્તા ભોગવવા ટેવાયેલા ટ્રમ્પ માટે આવી પ્રતિકૂળ પરિસ્થિતિ તેમના શાસન મોડેલ માટે જ મોટો ખતરો બની શકે છે.
ટ્રમ્પની ચિંતાનું મુખ્ય કારણ ઇમ્પિચમેન્ટની એ ક્ષમતા છે જે રાજકીય વર્ચસ્વને ધીમે ધીમે ક્ષીણ કરી નાખે છે. જોકે પ્રમુખને પદ પરથી હટાવવા માટે સેનેટમાં બે-તૃતીયાંશ બહુમતીની જરૂર હોય છે, પરંતુ હાઉસ ઓફ રિપ્રેઝ્ન્ટેટિવમાં માત્ર સામાન્ય બહુમતીથી જ ઇમ્પિચમેન્ટના પ્રસ્તાવને મંજૂરી મળી જાય છે. ઇમ્પિચમેન્ટની પ્રક્રિયા જે તે પ્રમુખના વારસા પર કાયમી ધબ્બા સમાન બની જતી હોય છે. તેના કારણે ભવિષ્યની ચૂંટણીઓમાં પણ પાર્ટીને નુકસાન થઇ શકે છે. મતદારોનું ધ્રુવીકરણ થઇ શકે છે અને વિરોધપક્ષના સમર્થકોમાં નવો ઉત્સાહ આવી જાય છે જે પ્રમુખના રાજકીય સહયોગીઓ માટે પણ મુશ્કેલીરૂપ બની શકે છે. ઇમ્પિચમેન્ટનો ભય ટ્રમ્પની રાજકીય ઓળખના મૂળ પર પ્રહાર કરે છે. તેમની આખી રાજકીય છબી પૂર્ણ વર્ચસ્વ અને મજબૂત નેતૃત્વ પર આધારિત છે. ત્રીજી વખત ઇમ્પિચમેન્ટનો સામનો માત્ર એક વહીવટી મુશ્કેલી નહીં હોય પરંતુ તે અમેરિકી મતદારો દ્વારા તેમના જનાદેશના સરેઆમ અસ્વીકાર સમાન ગણાશે. મધ્યસત્ર ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રેલીઓમાં ડોનાલ્ડ ટ્રમ્પની ભાષા સ્પષ્ટ કરે છે કે તેઓ આ ચૂંટણીને સામાન્ય નીતિગત સ્પર્ધા તરીકે નહીં પરંતુ પોતાના રાજકીય અસ્તિત્વની લડાઈ તરીકે જોઈ રહ્યા છે.
