નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે એક નવી ફોર્મ્યુલા સામે આવી છે. પાકિસ્તાન-સાઉદી અરેબિયા-તુર્કીના સંરક્ષણ કરાર 'મક્કા પેક્ટ'માં સામેલ થવા માટે ઈરાનને પણ આમંત્રણ મળ્યું છે. ઈરાની સંસદના પ્રમુખ મેહદી રહીમીએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે, મક્કા પેક્ટમાં સામેલ થવા અંગે વિચારણા ચાલી રહી છે. જ્યારે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બકાઈએ કહ્યું કે, પ્રાદેશિક સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા માટે બેકડૌર ચેનલો દ્વારા કેટલાક પ્રસ્તાવ જરૂર મળ્યા છે. આ વચ્ચે પાક આર્મી ચીફ આસિમ મુનીર સોમવારે તહેરાન રવાના થયા છે. સૂત્રો અનુસાર મુનીર ઈરાન-અમેરિકા યુદ્ધની ફાઈનલ ડીલ પર ચર્ચા કરશે.
શું છે મક્કા પેક્ટ?
7 ઓગસ્ટે મક્કા પેક્ટ થયો હતો. આ એક નાટો જેવી વ્યવસ્થા છે. આ કરારની સૌથી મોટી શરત એ છે કે ત્રણેય દેશોમાંથી કોઈપણ એક દેશ પર વિદેશી કે સશસ્ત્ર હુમલો થશે, તો તેને ત્રણેય દેશો પર થયેલો હુમલો ગણવામાં આવશે. આ નિયમ પશ્ચિમી દેશોના સંગઠન NATO ના આર્ટિકલ-5 જેવો જ છે. જે અંતર્ગત સાઉદી અરેબિયા નાણાકીય શક્તિ અને ભંડોળ પૂરું પાડે છે. તુર્કી ડ્રોન અને રક્ષણ ટેકનોલોજી પ્રદાન કરે છે અને પાકિસ્તાન સૈન્ય બળ અને યુદ્ધ અનુભવ પૂરો પાડે છે. તાજેતરમાં આ ગઠબંધનમાં જોડાવા ઈરાન અને બાંગ્લાદેશ જેવા મુસ્લિમ દેશોને પણ આમંત્રણની ચર્ચા ચાલે છે.
