લગભગ 6 વર્ષ બાદ પ્રિન્સ હેરીના કેલિફોર્નિયા ડ્રીમનો અંત આવી ગયો છે. તેમણે પત્ની મેઘન અને સંતાનો સાથે ફરી એકવાર બ્રિટનમાં વસવાટ કરવાનો નિર્ણય કર્યો છે. સવાલ એ છે કે પ્રિન્સ હેરીનો આ નિર્ણય બ્રિટિશ રાજગાદીના વારસ પ્રિન્સ વિલિયમને કેટલો સ્વીકાર્ય બનશે. કિંગ ચાર્લ્સના આ બે સંતાનો વચ્ચેનો આંતરિક વિવાદ માત્ર પારિવારિક ગજગ્રાહ નહીં પરંતુ આધુનિક બ્રિટિશ રાજાશાહીની સ્થિરતા સામેનો મોટો પડકાર છે. એક પિતા તરીકે કિંગ ચાર્લ્સ પ્રિન્સ હેરીને ક્ષમા કરીને સંબંધો પુનઃસ્થાપિત કરવા ઉત્સુક છે. તાજેતરમાં જ તેમણે પ્રિન્સ હેરી, મેઘન અને તેમના સંતાનો સાથે મુલાકાત પણ કરી હતી. પરંતુ પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમનું પ્રિન્સ હેરી પ્રત્યેનું વલણ સ્પષ્ટ અને આકરું છે. પ્રિન્સ વિલિયમના મતે પ્રિન્સ હેરીની રાજવી પરિવારની સત્તાવાર ભૂમિકામાં વાપસીના તમામ દ્વાર સંપૂર્ણપણે બંધ છે.
પ્રિન્સ વિલિયમના આકરા વલણને સમજવા માટે વ્યક્તિગત મતભેદોથી ઉપપર ઉઠીને ભવિષ્યના રાજાની પ્રાથમિક ફરજ તરફ જોવું જરૂરી છે. રાજાશાહીનું અસ્તિત્વ વિશ્વાસ, સ્થિરતા અને ગુપ્તતા પર ટકેલું છે. વર્ષ 2020માં પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલે પોતાની રાજવી સત્તાવાર ભૂમિકાનો ત્યાગ કર્યો ત્યારે તેમણે રાજપરિવારની પરંપરાગત મૌનની શરતના પાલનને બદલે મીડિયા પ્લેટફોર્મ્સ, ઈન્ટરવ્યુ અને પુસ્તકોનો માર્ગ પસંદ કર્યો. પ્રિન્સ વિલિયમ માટે પારિવારિક બાબતો અને ખાસ કરીને પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલ્ટન પર મૂકાયેલા જાહેર આરોપ એ એક એવો વિશ્વાસઘાત હતો જેને તેઓ ભૂલી શકે તેમ નથી. એક પિતા કદાચ પુત્રની ભૂલોને માફ કરી શકે પરંતુ સિંહાસનના ઉત્તરાધિકારીએ સમગ્ર રાજવી વ્યવસ્થાના હિતોનું રક્ષણ કરવું પડે છે. પ્રિન્સ હેરીને ફરીથી સત્તાવાર કામગીરીમાં સામેલ કરવાથી સંસ્થાકીય જોખમો ઊભા થઈ શકે છે. રાજાશાહીનું સંચાલન આંતરિક ગુપ્તતા પર આધારિત છે. પ્રત્યેક જાહેર કાર્યક્રમ કે ખાનગી ચર્ચા માટે સંપૂર્ણ વિશ્વસનિયતા જરૂરી છે. ભૂતકાળમાં પ્રિન્સ હેરી દ્વારા કરવામાં આવેલા ખુલાસાઓને કારણે એવી શંકા સતત રહે છે કે આજની ખાનગી વાતચીત આવતીકાલે અખબારોની હેડલાઇન બની શકે છે અને કદાચ એ જોખમ ઉઠાવવા પ્રિન્સ વિલિયમ તૈયાર નથી.
દૂધમાં અને દહીમાં પગ રાખતું રાજાશાહીનું મોડેલ સ્વર્ગસ્થ ક્વીન એલિઝાબેથ દ્વિતીયને પણ અસ્વીકાર્ય હતું. રાજપરિવારનોકોઈ સભ્ય અમુક સત્તાવાર ફરજો બજાવે અને સાથે સાથે વિદેશમાં વ્યાપારી લાભ પણ મેળવે તે બાબત રાજાશાહીના મૂળભૂત મૂલ્યોને નુકસાન પહોંચાડે છે. પ્રિન્સ વિલિયમનું આધુનિક અને સુવ્યવસ્થિત રાજાશાહીનું વિઝન એવી કોઈ અસ્પષ્ટ ભૂમિકાને સ્થાન આપતું નથી જે જાહેર સેવા અને ખાનગી નફા વચ્ચેની રેખાને ધૂંધળી કરે.
પ્રિન્સ વિલિયમની પ્રાથમિકતા સ્પષ્ટ છે. રાજવી પરિવારનું રક્ષણ કરવું, તેની સ્થિરતા જાળવવી અને પોતાના ભાવિ શાસન માટે તૈયારી કરવી. જે વ્યક્તિએ જાહેર મંચ પરથી રાજપરિવારના પાયા પર સવાલો ઉઠાવ્યા હોય, તેને ફરીથી રાજવી કામગીરીમાં સ્થાન આપવું પ્રિન્સ વિલિયમની આ નીતિની વિરુદ્ધ હશે. પ્રિન્સ હેરી હંમેશા રાજાના પુત્ર રહેશે, પરંતુ પ્રિન્સ વિલિયમના નેતૃત્વ હેઠળ તેઓ સત્તાવાર રાજશાહીથી બહાર જ રહેશે.
