સમગ્ર દેશ 15મી ઓગસ્ટે જ્યારે દેશવંદના કરી રહ્યો હતો, ત્યારે યુકેનિવાસી ભારતીયોએ પણ પોતાની કર્મભૂમિ યુકેથી માતૃભૂમિ ભારતને વંદના કરતાં ધ્વજારોહણ સાથે અનેક રંગારંગ કાર્યક્રમ કર્યા. જો કે યુકેનિવાસી આ ભારતીયોની ઉજવણીમાં ગુજરાત સમાચારનો ખાસ ઝૂમ કાર્યક્રમ મોરપિંચ્છ સમાન રહ્યો, જ્યાં સ્વાતંત્ર્યદિનની ખાસ ઉજવણી કરવામાં આવી.
તિરંગાને વંદન આપતા ગીત સાથે આ સોનેરી સંગતની સોનેરી સફરની શરૂઆત કરતાં ભારતીબહેન પંકજ વોરાએ સૌનું ભાવભીનું સ્વાગત કર્યું. આ સાથે તેમણે કહ્યું, ભારતની સ્વતંત્રતા ઇતિહાસની એક ઘટનામાત્ર નથી, તે અસંખ્ય બલિદાન, અડગ સંકલ્પ અને આપણા રાષ્ટ્રના આત્મસન્માનની અમૂલ્ય ગાથા છે. આજે વિશ્વના વિવિધ ખૂણામાં વસતા ભારતીયો એ જ ગૌરવ અને કૃતજ્ઞતા સાથે આ પર્વને ઊજવી રહ્યા છે. આ સુંદર કાર્યક્રમની ડોર સંભાળશે કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહ.
ગુજરાત સમાચારના જ્ઞાનયજ્ઞ અને સેવાયજ્ઞના ભાગીદાર વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનોને સ્વાતંત્ર્યદિનની ખૂબખૂબ શુભેચ્છા આપતાં જ્યોત્સનાબહેન શાહે કહ્યું કે, આજનો સોનેરી સંગતનો કાર્યક્રમ આપણા સ્વાતંત્ર્યદિનને સમર્પિત છે અને આ પાવન પર્વે હું શુભકામના પાઠવું છું કે, આપણા સૌના હૃદયમાં માતૃભૂમિનો પ્રેમ અને તેની ગૌરવભરી ગાથા ચીરસ્મરણીય રહે. ભારતમાતાને ગુલામીની સાંકળથી મુક્ત કરાવવાનો સંઘર્ષમય સંગ્રામ 1857થી 1947 સુધી ચાલ્યો. આ દરમિયાન આપણા લાખો વીરો દેશની વીર ભૂમિના સમરાંગણમાં અમર થઈ ગયા, જેને આપણી ભાવાંજલિ.
અંગ્રેજો વિરુદ્ધ સૌપ્રથમ 1857માં મંગલ પાંડે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે દ્વારા કરાયેલા પ્રથમ બળવાએ અંગ્રેજોનો પાયો હચમચાવી મૂક્યો. 1 જૂન 1916માં મહાન સ્વાસ્ત્ર્યસેનાની બાળ ગંગાધર ટિળકે ‘સ્વરાજ્ય મેરા જન્મસિદ્ધ અધિકાર હૈ ઔર મૈં ઉસે લેકર હી રહુંગા’નો નારો આપી સ્વાતંત્ર્યસંગ્રામમાં એક નવો પ્રાણ ફૂંક્યો. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને સુભાષચંદ્ર બોઝની ત્રિપુટીએ દેશમાં ક્રાંતિની ચિનગારી ફેલાવી હતી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દુ ફૌજની સ્થાપના કરી અને નેતાજીના ઉપનામથી ઓળખાયા.
મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ 1942ની ભારત છોડો ચળવળમાં પણ હજારો સૈનિકો મા ભોમની આઝાદીની જંગમાં જોડાયા, તો બારડોલીના સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું અને તેઓ લોખંડી પુરુષ કહેવાયા. આવી તો અસંખ્ય ઘટનાઓ આઝાદીની લડત સાથે સંકળાયેલી છે, જે આપણાં રુંવાડાં ઊભાં કરી દે છે. આઝાદી માત્ર ઇતિહાસ નથી, પરંતુ આજની અને આવતીકાલની પેઢીની જવાબદારી પણ છે. આઝાદી આપણને અધિકાર આપે છે, તો રાષ્ટ્ર આપણને કર્તવ્ય કરવા સૂચવે છે.
એક જમાનામાં કવિ ઇકબાલે ગાયું હતું કે ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા, હમ બુલબુલે હૈ ઉસકી વો ગુલિસ્તાં હમારા.’ આજે એનો પ્રભાવ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં વર્તાય છે. મોદીજીએ વિશ્વભરમાં હિન્દુસ્તાનનો અને ગૌરવમયી વારસાનો ડંકો વગાડી ભારતના આન, બાન, શાન અને માન વધાર્યાં છે.
સ્વાતંત્રયદિને તેમના સંબોધનનો મુખ્ય ભાવ ‘આઝાદીથી આત્મનિર્ભરતા અને આત્મનિર્ભરતાથી વિકસિત ભારત’નો રહ્યો છે. હર ઘર તિરંગા હર મન તિરંગાનું સૂત્ર ગુંજતું કર્યું. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના ગત અંકનાં પાનાં સ્વતંત્રતાના ઇતિહાસના લેખોથી ભરપુર છે, જે વાંચવાયોગ્ય છે. સૌ ભારતીયો દેશના રંગે રંગાયા હોય તો આપણે તેમાંથી બાકાત કેમ રહીએ? તો આજે આપણે પણ સોનેરી સંગતમાં સ્વાતંત્રતાની ઉજવણી કરીએ.
આજે આપણી સાથે અમદાવાદના જાણીતા સંગીતકાર અને સંગીત વિષારદ તરીકે 6 ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ રેન્કમાં સ્થાન મેળવનારાં કૃતિ જાની ઉપાધ્યાય. સિતારવાદક એવાં કૃતિએ માસ્ટર ઇન મ્યુઝિક સંગીત અલંકારની ડિગ્રી પણ મેળવી છે. તેમનાં આલબમ પ્રેમરંગ, પિયૂષ અને આજના ગીતગઝલનું ગુંજન પ્રસિદ્ધ થયાં છે, આ ઉપરાંત તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ સ્વર આપ્યો છે. 20 વર્ષથી તેમણે ધૂમ મચાવી છે.
કૃતિબહેનનાં કાર્યોની રૂપરેખા આપી જ્યોત્સનાબહેને કૃતિબહેનને દેશભક્તિના રંગે રંગાયેલું ‘એ મેરે વતન કે લોગો’ ગીત ગાવા આગ્રહ કર્યો, જેને માન આપી કૃતિબહેને તેમના સુંદર કંઠે આ ગીત લલકાર્યું હતું. જે પહેલાં તેમણે કહ્યું કે, 1962માં ભારત-ચીન યુદ્ધમાં શહીદ થયેલા આપણા જવાનોને બિરદાવવા અને શ્રદ્ધાંજલિ આપવા રચાયેલું ગીત 27 જાન્યુઆરીએ નવી દિલ્હીના નેશનલ સ્ટેડિયમમાં લતા મંગેશકરે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનજીની હાજરીમાં ગાયું હતું, જેને કવિ પ્રદીપએ લખેલું અને સી. રામચંદ્રજીએ સ્વરબદ્ધ કર્યું હતું. આ સમયે સ્ટેડિયમમાં હાજર સૌકોઈની આંખ ભીંજાયેલી હતી.
કૃતિબહેનના કંઠે દેશભક્તિને વરેલું ગીત સાંભળ્યા બાદ જ્યોત્સનાબહેને નવનાત વણિક મંડળના પ્રમુખ જશવંતભાઈ દોશીને આમંત્રણ આપતાં પૂછયું, નવનાત હોલમાં ભારતીય હાઇ કમિશનની સાથે તમામ ભારતીય સંસ્થાઓ સાથે મળીને 22 ઓગસ્ટે ભારતના 80મા સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરી રહ્યા છો તે અંગે જણાવશો.
જશવંતભાઈઃ 2017થી નવનાત સેન્ટરમાં ભારતના સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરાય છે. આ અંગે ઓવરસીઝ બીજેપીના લાલુભાઈ પારેખને ધન્યવાદ આપવા પડે, જેમણે અમારી ઓળખ હાઇ કમિશન ઓફ ઇન્ડિયા સાથે અમારી મુલાકાત કરાવી હતી. બસ ત્યારથી અમારા દ્વારા ઉજવણી કરાય છે. કોવિદ સમયે આ કાર્યક્રમ બંધ રાખવો પડ્યો હતો. અમારા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંગે 6થી 8 મહિના પહેલાંથી જ તૈયારી શરૂ કરી દેવાય છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં આશરે 10થી 20 હજાર લોકો સેન્ટરની મુલાકાત લે છે. તમામ ઇન્ડિયન ડાયસ્પોરા સાથે અમારો સંબંધ છે, જેથી સેન્ટરમાં તે દિવસે ભારતનાં તમામ રાજ્યોના ફૂડ સ્ટોલ્સ લાગે છે. ભારતનાં તમામ રાજ્યોના ડાયસ્પોરા સાથે પહેલેથી કલ્ચરલ કાર્યક્રમોનું આયોજન અને વાનગીઓ નક્કી કરાય છે. ઉલ્લેખનીય છે કે, અહીં આવનારા એનઆરઆઇ મોટા પ્રમાણમાં આવતા હોવાથી બેન્કો પણ સ્પોન્સર કરી સ્ટોલ રાખવામાં આવે છે.
અહીં તમામ લોકો એક થઈ ભારે ઉત્સાહ સાથે સ્વાતંત્ર્ય પર્વ ઊજવે છે. સૌપ્રથમ 11 વાગ્યે હાઇ કમિશનર દ્વારા આપણા રાષ્ટ્રગીત જન-ગણ-મન સાથે ધ્વજારોહણ કરવામાં આવે છે. જે બાદ વારાફરતી સ્પીચનું આયોજન અને સ્પીચ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
જશવંતભાઈ બાદ જ્યોત્સનાબહેને માંધાતા યૂથ અને કોમ્યુનિટી - યુકેના વાઇસ પ્રેસિડેન્ટ અને વિમન્સ ફોરમનાં ચેરપર્સન રેખાબહેન શાહને આમંત્રિત કરતાં કહ્યું, રેખાબહેન મહિલા સશક્તિકરણમાં મોટું યોગદાન આપી રહ્યાં છે. સેન્ટરની ઘણી પ્રવૃત્તિઓમાં તેઓ કાર્યરત્ છે, તેમને સેવાના સંસ્કાર ગળથૂંથીમાં જ મળ્યા હતા.
રેખાબહેન આપ સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરી રીતે કરો છો અને બાળકોને તેના માટે કેવી રીતે પ્રોત્સાહિત કરો છો? માંધાતાની સફળતાના પાયામાં કઈ બાબત છે?
રેખાબહેનઃ મારી પ્રગતિમાં મારા સ્વર્ગસ્થ પિતા જિતુભાઈ અને માતા ચંપાબહેનનો મોટો ફાળો છે. ગુજરાતીમાં અમને રસ તેમના દ્વારા જ પ્રાપ્ત થયો. હું વર્ષોથી એસોસિયેશન ઓફ માંધાતા સમાજ સાથે જોડાયેલી છું, જેના 1250 જેટલા સભ્ય છે. અહીં ગુજરાતી શાળા પણ ચાલે છે. મેં જ્યારે શરૂઆત કરી ત્યારે મારાં બંને બાળકો નાનાં હતાં, જેથી અમે ટોડલર્સ ગ્રૂપ પણ શરૂ કર્યું હતું. અહીં વાલીઓ પણ બાળકોની સાથે આવી શકતાં હતાં, જ્યાં અમે બધા સાથેસાથે કવિતાઓ શીખતાં હતાં. ગયા વર્ષે જ અમે સુવર્ણ જયંતીની ઉજવણી કરી હતી, અમારી આ ઉપલબ્ધિનું અમને ગૌરવ છે. આપણી અણમોલ સંસ્કૃતિ અને સંસ્કાર આપણાં બાળકોમાં રેડાય તેના માટે અમે સદાય પ્રયત્નશીલ રહીએ છીએ.
અમે વર્ષ 1977થી સ્વતંત્રતાદિનની ઉજવણી કરીએ છીએ. પહેલાં તો 15 ઓગસ્ટના દિવસે જ ઉજવણી રાખવામાં આવતી, પરંતુ તે દિવસે શાળાઓ ચાલુ હોવાથી હાજરી ઓછી થતી હોવાથી હવે જુલાઈમાં આયોજન કરીએ છીએ. કાર્યક્રમમાં સ્વતંત્રતાદિનને લગતું વાંચન, દેશભક્તિનાં ગીતો અને નાટકો દ્વારા આપણા ઇતિહાસને જીવંત રાખવા અમે પ્રયત્ન કરીએ છીએ. કોરોનાકાળમાં અમે આ તમામ કાર્યક્રમો ઝૂમ દ્વારા કર્યા.
શાળામાં રાષ્ટ્રપિતા ગાંધીજી અંગે તો અભ્યાસ કરાવીએ જ છીએ, સાથોસાથ ભારત અંગેના પ્રોજેક્ટનું પણ આયોજન થાય છે. આ વખતે અમારી શાળાની ઉજવણીમાં અમારાં અધ્યક્ષ પ્રભાબહેન જીવણે ‘રચી દેશની આઝાદી’ અંગેની કવિતાની તૈયારી કરાવી હતી, જે અમારા પ્રિ જીસીએસસીના વિદ્યાર્થીઓએ હોંશેહોંશે પ્રસ્તુત કરી હતી. અમારા સમાજમાં ઘણા ગાયક છે, જે પૈકી ગીતાબહેન અને ભારતીબહેને દેશભક્તિનાં સુંદર ગીતો ગાઈ સંભળાવ્યાં હતાં. આપણી સંસ્થાઓ એકસાથે મળીને કંઈ કરે તો તે પ્રભાવશાળી અને અર્થપૂર્ણ રહે. એ વિચાર જ ખૂબ સુંદર છે કે આપણે સહુ ભેગા મળીએ. અને આ વિચારથી અમે અનેક વખત એકસાથે મળીએ પણ છીએ. આપણો ભારતીય ઇતિહાસ અને આપણો માતૃભૂમિ માટેનો પ્રેમભાવ આપણે જ યથાવત્ રાખી શકીએ. આપણે આપણાં બાળકોને હિંમતવાન ક્રાંતિવીરોની વાતો કરી તેમની યાદ તાજી રાખીએ અને બાળકોના માનસપટમાં પણ તેને જીવંત રાખીએ. તેમને જણાવીએ કે આપણે કઈ કિંમત પર આઝાદી પ્રાપ્ત કરી હતી.
રેખાબહેન દ્વારા ઉજવણીની જાણકારી મેળવ્યા બાદ કૃતિબહેન દ્વારા ફિલ્મ કાબુલીવાલાનું ‘એ મેરે પ્યારે વતન’ અને ફિલ્મ રાઝીનું ‘એ વતન વતન મેરે આબાદ રહે તુ’ ગીત રજૂ કરવામાં આવ્યું હતું.
કૃતિબહેનના કંઠે સુંદર ગીતો સાંભળ્યા બાદ જ્યોત્સનાબહેને સમાજનું ઋણ અદા કરવા માટે તત્પર જૈન વિશ્વભારતીનાં સેક્રેટરી ધારાબહેન શાહને આમંત્રણ આપતાં કહ્યું, જૈન વિશ્વભારતી એક ધાર્મિક સંસ્થા છે, છતાં આપે સ્વતંત્રતાદિનની સુંદર ઉજવણી કરી. આપે બાળકોને દેશભક્તિના પાઠ શીખવવામાં કઈ રીતે પ્રોત્સાહિત કર્યાં? આપના સ્વયંસેવકો અંગે પણ જણાવો.
ધારાબહેનઃ હું કહેવા માગીશ કે જૈન વિશ્વભારતી ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્થા છે, પરંતુ રાષ્ટ્રપ્રેમ, માનવતા અને સમાજસેવા પણ આપણા જૈન સંસ્કારોનું અભિન્ન અંગ છે. આપણા દેશપ્રેમ અને ગૌરવ દર્શાવતાં સ્વતંત્રતા પર્વને આપણે એક ઈવેન્ટ તરીકે નહીં, પરંતુ એકતા અને સંસ્કાર સાથે જોડાયેલા એક અવસર તરીકે જોવો જોઈએ. તમે તમારા દેશથી દૂર અન્ય કોઈ દેશમાં સ્વતંત્રતા દિવસ ઊજવો તે ખૂબ મોટી વાત છે.
આ વખતે 200 જેટલા રજિસ્ટ્રેશન આવ્યાં હતાં, જે તમામ કમિટી મેમ્બર્સ, બાળકો અને સ્વયંસેવકોના યોગદાનથી ખૂબ સુંદર કાર્યક્રમ યોજાયો. સાંસ્કૃતિક અને દેશભક્તિનાં વિવિધ કાર્યક્રમો સ્પીચ, ડ્રામા, કાવ્યપઠન અને ગીતોમાં ભાગ લઈ બાળકોથી લઈ મોટેરાઓ સુધી તમામ લોકોએ વાતાવરણ દીપાવ્યું હતું. અમારો પ્રયાસ છે કે આપણાં મૂલ્યો બાળકો સુધી પહોંચાડીએ. બાળકો આ પ્રકારના કાર્યક્રમોમાં ઇન્વોલ્વ રહેશે, તો વાલીઓ આપોઆપ તેમાં જોડાશે.
ધારાબહેન પાસે જૈન વિશ્વભારતીનાં કાર્યો અંગે જાણ્યા બાદ જ્યોત્સનાબહેને નવનાત વડીલ મંડળના પ્રેસિડેન્ટ નીતિનભાઈ સાવડિયાને આમંત્રિત કરતાં પૂછયું, 14 ઓગસ્ટે આપના દ્વારા કરાયેલી સ્વતંત્રતાદિનની ઉજવણી કેવી હતી?
નીતિનભાઈઃ અમે દરવર્ષે નવનાત સેન્ટર ખાતે ધામધૂમથી સ્વતંત્રતાદિનની ઉજવણી કરીએ છીએ. છેલ્લા શુક્રવારે અમારા આશરે 350 મેમ્બર્સની હાજરીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. તમામ લોકોને આપણા તિરંગા અપાયા હતા. બ્રિટન અને ભારતના રાષ્ટ્રગીત બાદ ભારતથી આવેલા ગ્રૂપ દ્વારા સંગીત કાર્યક્રમ રજૂ કરાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં જ દેશભક્તિનાં ગીતો દ્વારા વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. આ સાથે ભારતના ક્રાંતિવીરોની ઝાંખી પણ દર્શાવાઈ. આ કાર્યક્રમ બાદ અમારા દ્વારા હોલમાં ‘જયહિન્દ’ અને ‘વંદે મારતમ્’ના નારા સાથે તિરંગા પરેડ કરવામાં આવી.
કાર્યક્રમ બાદ અમારી કિચન કમિટી દ્વારા બનાવાયેલું સ્વાદિષ્ટ ભોજન સૌએ લીધું હતું, જે બાદ પણ સંગીત પીરસતા કાર્યક્રમ યથાવત્ રહ્યા હતા. આશરે ચાર વાગ્યે ચા-પાણી કર્યા બાદ અમે સૌએ વિદાય લીધી હતી. અમે આ જ પ્રકારે દરવર્ષે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરીએ છીએ.
કાર્યક્રમને અંત તરફ દોરતાં જ્યોત્સનાબહેન દ્વારા કરાયેલા આગ્રહને માન આપી કૃતિબહેને ‘લાગ્યો કસુંબીનો રંગ’ અને રાષ્ટ્રગાન ‘વંદે માતરમ્’ રજૂ કર્યું હતું.
કાર્યક્રમનું સમાપન કરતાં ભારતીબહેન વોરાએ કહ્યું કે, આજના આપણા પાંચેય મહેમાનોના અનુભવો અને વિચારોના કારણે ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વનો કાર્યક્રમ વધુ અર્થસભર અને પ્રેરણાદાયી બન્યો.
સંપાદક-તંત્રી સી.બી. પટેલે કહ્યું, આપણે ભારતના સ્વતંત્ર વીરોને, ભારતની પરંપરાને જે રીતે ઉજાગર કરીએ છીએ. આવા કાર્યક્રમમાં આપણે રાષ્ટ્રપ્રેમ જ નહીં જીવનની ખુમારી પણ આપીએ છીએ... જય હિન્દ...

