UNSCમાં ભારતના સ્થાયી સભ્યપદનું રશિયા દ્વારા સમર્થન

Wednesday 30th September 2026 06:45 EDT
 

ન્યૂયોર્કઃ રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં ભારતના સ્થાયી સભ્યપદનું સમર્થન કર્યું છે. રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે જણાવ્યું હતું કે, સુરક્ષા પરિષદમાં એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ. અમે બ્રાઝિલ અને ભારતના કાયમી સભ્યપદની દાવેદારીનું સમર્થન કરીએ છીએ. લાવરોવે સુરક્ષા પરિષદમાં પશ્ચિમી દેશોની વધારાની બેઠકોનો વિરોધ કર્યો હતો. તેમણે ખાસ કરીને જર્મની અને જાપાનનું નામ લઈને તેમના પર ‘સૈન્યવાદ અને બદલાની ભાવના તરફ આગળ વધવાનો’ આક્ષેપ લગાવ્યો છે.
આ સાથે લાવરોવે કહ્યું કે, યુએનએસસીમાં સુધારા દરમિયાન કાયમી સભ્યોના અધિકારો અને સત્તાઓમાં ઘટાડો થવો જોઈએ નહીં. દુનિયાની 17 ટકા વસ્તી ભારતમાં રહે છે. 142 કરોડની વસ્તી સાથે ભારત દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. યુએનએસસીમાં આટલી મોટી વસ્તીનું પ્રતિનિધિત્વ હોવું જરૂરી છે. છેલ્લા એક દાયકામાં ભારતનો સરેરાશ વાર્ષિક વિકાસ દર 7 ટકા કરતા વધુ રહ્યો છે. આ ચીન સિવાયના અન્ય કોઈપણ મોટા દેશની તુલનામાં સૌથી વધુ છે. આર્થિક તાકાતને યુએનએસસીમાં અવગણી શકાય નહીં.


comments powered by Disqus