કેમ્બ્રિજમાં ICS દ્વારા દુર્ગા પૂજાની સિલ્વર જ્યુબિલીની તૈયારી

Wednesday 30th September 2026 06:59 EDT
 
 

લંડનઃ કેમ્બ્રિજની ઈન્ડિયન કલ્ચર સોસાયટી (ICS) તેની દુર્ગા પૂજાની સિલ્વર જ્યુબિલી ઉજવવાની તૈયારી કરી રહી છે. બંગાળી પરિવારોનો નાના સમૂહથી આરંભાયેલી 25 વર્ષની યાત્રા આજે શહેરના સૌથી વૈવિધ્યપૂર્ણ બહુસાંસ્કૃતિક મેળાવડાઓમાં એક તરીકે વિકસી છે.
દુર્ગા પૂજા ઉત્સવ કેમ્બ્રિજના વ્યાપક નાગરિક અને સાંસ્કૃતિક જીવનનો સેતુ બનેલ છે. સ્થાનિક ફ્લોરિસ્ટ્સ, ગ્રીનગ્રોસર્સ, અને મરીમસાલાના વેપારીઓ પાસેથી સપ્લાય મેળવે છે. સ્થાનિક શાળાઓને વર્કશોપ્સ માટે આમંત્રિત કરાય છે, બાળકો કળાસ્પર્ધાઓમાં ભાગ લે છે અને કેમ્બ્રિજ સિટી કાઉન્સિલનો સાંસ્કૃતિક વિભાગ શહેરના મલ્ટિકલ્ચરલ ઈવેન્ટ્સના કેલેન્ડરમાં દુર્ગા પૂજાને સ્થાન આપે છે.
સૌથી પહેલી ઉજવણી 2002માં મિલ રોડ પર ભારત ભવનમાં યોજાઈ હતી. કેમ્બ્રિજમાં વસતા બંગાળી હિન્દુ પરિવારો લાંબા સમયથી દેવી મહિષાસુરમર્દિની માટે સ્થાનિક પૂજાનું આયોજન કરવા ઈચ્છતી હતી, પરંતુ વોલન્ટીઅર્સ અને સંસાધનોની તકલીફ હતી. યુકેમાં દુર્ગા માતાની મૂર્તિ મળી શકે છે તેવા સમાચાર સાથે જ બંગાળી કોમ્યુનિટી, પરિવારો, વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોએ સાથે મળી મૂર્તિઓ મેળવી પહેલી પૂજાનું આયોજન કર્યું હતું. બે રૂમમાં એક દિવસની પૂજા આજે ત્રણ દિવસના ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવમાં ફેરવાઈ છે, જેમાં કેમ્બ્રિજ અને આસપાસના નગરો અને કાઉન્ટીઝમાંથી પરિવારો ભાગ લેવા આવે છે. ઉત્સવ દરમિયાન, ભોગની 2500થી વધુ પ્લેટ્સ પીરસાય છે. આ ઉજવણીને વોલન્ટીઅર્સનું મજબૂત પીઠબળ છે.
વર્ષ 2002માં આશરે 20 પરિવારના 40 લોકોએ સમગ્ર જવાબદારી ઉઠાવી હતી. આજે વોલન્ટીઅર પરિવારનો આધાર વધીને 150 થયો છે. વિવિધ કાર્યો માટે અનેક સમિતિઓ કાર્યરત છે. દર વર્ષે રવિન્દ્ર સંગીત, નઝરૂલ ગીતિ, ક્લાસિકલ અને લોકનૃત્યો, બાઉલ ગીતો, કાવ્યપઠન અને નાટક સહિતના કાર્યક્રમો
યોજાય છે.


comments powered by Disqus