ગુજરાતી ભાષાના વર્તમાન અને ભાવિ તેમજ મૂળિયા વિષયક ચિંતનાત્મક કોન્ફરન્સ : ‘ભાષા એ જ આપણી ઓળખ’

-જ્યોત્સના શાહ Wednesday 30th September 2026 07:39 EDT
 
 

19 સપ્ટેમ્બર’26ના રોજ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતી ભાષા શિક્ષણની સ્થિતિ વિષયક કોન્ફરન્સનું આયોજન નેશનલ કોન્સોર્ટીયમ ફોર લેન્ગ્વેજીસ એજ્યુકેશનના ડીરેક્ટર, યુ.સી.એલ.ના માનદ્ પ્રોફેસર બર્નાર્ડેટ હોમ્સના માર્ગદર્શન હેઠળ અને ગુજરાતી સ્ટીયરીંગ ગૃપના ટેકાથી નવનાત સેન્ટર, હેઝના એક હોલમાં યોજવામાં આવ્યું હતું. લંડનમાં ગુજરાતીઓની સૌથી વધુ વિસ્તારવાળા હેરોના હેરોવેસ્ટ એમ.પી.ગેરેથ થોમસે પણ ગુજરાતી ભાષા શિક્ષણની પુષ્ટિ માટે ખાસ અનુદાન આપી મુખ્ય વક્તા તરીકેની ભૂમિકા અદા કરી હતી.
ગુજરાતી ભાષાના વર્તમાન અને ભાવિ વિષેનો આ વાર્તાલાપ મનનીય રહ્યો.
ગુજરાતી સમાજની પ્રવૃત્તિઓમાં પોતાનો હોલ નિ:શુલ્ક આપવામાં અગ્રેસર નવનાત વણિક એસોસિએશને પોતાનો એક હોલ ફાળવ્યો હતો એટલું જ નહિ, સતત વ્યસ્તતામાં ય એના પ્રમુખ શ્રી જશવંતરાય દોશીએ વ્યક્તિગત હાજર રહી જરૂરી સુવિધા પૂરી પાડી પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે, “ચેરિટી બીગિન્સ એટ હોમ ના ન્યાયે આપણે આપણા ઘરમાં જ માતૃભાષા બોલવાનો આગ્રહ રાખવો જોઇએ અને ગ્રાન્ડ પેરન્ટસની જવાબદારી છે કે પોતાના પૌત્ર-પૌત્રીઓ સાથે ગુજરાતીમાં વાતો કરે, અને એમને બોલવા પ્રોત્સાહિત કરે.
ઓશવાળ એસોસિએશન ઓફ યુ.કે., નોર્થ વેસ્ટની ગુજરાતી શાળાના અને શિશુકુંજના પૂર્વ લીડ તથા કોન્સોર્ટીયમ ઓફ ગુજરાતી સ્કુલ્સના પૂર્વ ચેર સોનલબહેન શાહે આ કોન્ફરન્સનું લીડ પદ સંભાળ્યું હતું. જેમાં ગુજરાતી ભાષા શિક્ષણના નેતાઓ, CGSના મીડલેન્ડ્સના વાઇસ ચેર શોભા જોષી, CGSના ટ્રેઝરર રેખાબહેન પટેલ અને શિક્ષકો સહિત ગુજરાતી અખબારોના પ્રતિનિધિઓ સહ 80 જેટલા માતૃભાષા પ્રેમીઓની હાજરી હતી.
BAPSના શ્રી વિનુભાઇ અને શ્રીમતી સુધાબહેન ભટ્ટેશા, ઓશવાળ એસોસિએશન યુ.કે., પાંડવ વિદ્યાશાળા, માંધાતાના રેખાબહેન શાહ, શ્રી કચ્છ સ્વામિનારાયણ સેન્ટર (SKSST)ના વેલજી વેકરીયા, શિશુકુંજ, મીલહીલ ગુજરાતી શાળા, કેનન્સ હાઇસ્કુલ વગેરે ગુજરાતી શાળાઓના પ્રિતિનિધિઓ ઉપરાંત અન્ય અગ્રણીઓમાં એન.સી.જી.ઓ.ના પ્રમુખ શ્રી વીમલ ઓડેદરા, ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજીના ડો. મેહુલ સંઘરાજકા, ગ્લોબલ ટ્રાવેલ્સના પારસ મીશ્વરી હાજર રહ્યાં હતાં.
નેશનલ કોન્સોર્ટીયમ ફોર લેન્ગ્વેજીસ એજ્યુકેશનના ડીરેક્ટર, યુ.સી.એલ.ના માનદ્ પ્રોફેસર મુખ્ય વક્તા બર્નાર્ડેટ હોમ્સે એમના વક્તવ્યમાં જણાવ્યું હતું, આપણે અહિં શા માટે એકત્ર થયા છીએ? કારણ, છેલ્લા દાયકામાં ગુજરાતી ભાષા શીખનારોઓની સંખ્યામાં 44% જેટલો ઘટાડો થઈ ગયો છે જે ચિંતાજનક છે. દરેક બાળકે એની માતૃભાષા શીખવી જોઇએ. ભાષા એ જ ઓળખ છે. વ્યક્તિના વિકાસમાં ભાષાનું મહત્વ નોંધપાત્ર હોય છે. બાળકોને કઈ રીતે પોતાની માતૃભાષા શીખવા પ્રોત્સાહિત કરવા એ જ આ પરિષદનો મુખ્ય હેતુ હતો. શિક્ષણને કઇ રીતે વધુ રસપ્રદ બનાવવું જેથી વધુ બાળકો પોતાની માતૃભાષા શિક્ષણમાં રસ લેતા થાય?
એમ.પી. ગેરેથ થોમસે પણ સૌનું સ્વાગત કરતા ગુજરાતી અખબારોની નોંધ લઇ ગુજરાતી ભાષા શિક્ષણને ગૌરવ અપાવવા માતા-પિતા અને શાળાઓ વચ્ચે ભાગીદારી નોંધાવવા પર ભાર મૂક્યો. આ દેશમાં ગુજરાતી શિક્ષણનો 39 વરસનો અનુભવ ધરાવતાં સોનલબહેન શાહે, આપણી ભાષા યુવા પેઢીના હૈયા સુધી કઇ રીતે પહોંચાડવી એની વાત કરતા જણાવ્યું કે, હૈયે હશે તો જ હોઠે આવશે.
આ સાથેજ રાષ્ટ્રીય કવિ-શાયર ઝવેચંદ મેઘાણીના “ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.. " અને ચારણ કન્યા તેમજ કસુંબીનો રંગ સહિત આદિ કવિ નરસિંહ મહેતા, નર્મદ, ઉમાશંકર જોષી, બોટાદકર વગેરેને યાદ કરી આ સમૃદ્ધ સાહિત્યના વારસાની યાદ અપાવતાં કહ્યું કે, જો વ્યક્તિ મટી વિશ્વ માનવ બનવું હશે તો “મારી માતૃભાષાને લઇને જવું છે, ફરવું છે...'ના ભાવ કેળવવા પડશે. આપણા મૂળ અને વારસાના સંવર્ધન માટે ભાષા જ્ઞાનના મહત્વનો સ્વીકાર એ આપણી ફરજ છે. GCSE માં નવી ટેકનીક AI ની ભૂમિકાનો ઉલ્લેખ પણ કરાયો. વધુમાં જણાવ્યું કે, મેઇન સ્ટ્રીમમાં અપનાવાતી પધ્ધતિઓની ગુજરાતી શિક્ષણના શિક્ષકોને પણ ટ્રેનીંગ અપાવાની જરૂર છે જેથી ભાષા શિક્ષણમાં રસ જાગે. આપણી કુટુંબ પ્રથાને યાદ કરતા જણાવ્યું કે, સંયુક્ત કુટુંબોમાં રહેતા ત્યારે દાદા-દાદી કે નાના-નાની સાથે રહેવાથી ભાષા બોલવાની પ્રેક્ટીસ રહેતી અને એમની પાસેથી વાર્તા સાંભળી કે ગીતો ગાઈ સંસ્કાર વારસો મળતો. હવે વિભક્ત કુટુંબો થતાં એ અસંભવ બની ગયું.
શ્રીરૂપ પરીખે AIના માધ્યમથી ગુજરાતી શિક્ષણ માટેના પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી હોવાના કેટલાક પ્રેક્ટીકલ દાખલા દ્વારા કઇ રીતે શીખી શકાશે એની મહત્વપૂર્ણ કામગીરીની ઝલક આપી. ગુજરાતી શબ્દોના અર્થ જાણવા માટે લેકસીકોન, સાર્થ શબ્દકોષ, ટેક્સ્ટ ટુ સ્પીચના ઉપયોગની માહિતી પણ આપી.
લેસ્ટર રેડિયોના શોભાબહેન જોષીએ ગુજરાતી A લેવલ્સના અભ્યાસક્રમના માળખાની રજુઆત કરી હતી. એ તૈયાર કરવામાં તેમજ શિક્ષણમાં એમનું અનુદાન સરાહનીય છે. આ પ્રકારની કોન્ફરન્સ કોમ્યુનિટી અને વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ નીવડે.
તેમણે જણાવ્યું કે હવે ગુજરાત ટ્રેડમાં ઝડપી પ્રગિત કરી રહ્યું છે અને યુ.કે.-ગુજરાતની ટ્રેડ ટ્રીટીમાં પણ ગુજરાતી ભાષા શિક્ષણ મહત્વનું બની રહેશે. સ્મિતી હિંડોચાએ પ્રાથિમક શિક્ષણને રસિક બનાવવાની વિગત પ્રયોગ સહ બતાવી. અનીષ શાહે પણ પોતાની ટેકનીકથી બધાને અવગત કર્યા. છેલ્લે કેટલાક શિક્ષકોએ વાર્તાલાપમાં ભાગ લઇ પોતપોતાના નિરિક્ષણો રજુ કર્યા હતા. આવી કોન્ફરન્સો વારંવાર થાય તો શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ નીવડે એવી લાગણી સાથે સૌ વિખરાયાં. ભોજનની સેવા ગિરિરાજ કેટરર્સના જ્યોતિબહેન અને ગિરિશભાઈ તરફથી આપવામાં આવી હતી.
(તસવીર સૌજન્ય: રાજલ શાહ )


comments powered by Disqus