શ્રાવણ સાથે જ પર્વો-તહેવારોની હારમાળા શરૂ થઇ ગઇ છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, પર્યુષણ, ગણેશોત્સવ, શ્રાદ્ધપર્વ પૂરું થયે નવરાત્રિ આવશે અને છેક દિવાળી સુધી ઉમંગ-ઉલ્લાસનો દબદબો જળવાશે. સતત ભાગદોડભરી જિંદગી, વર્કપ્રેશર, ટેન્શન અને અતિશય વ્યસ્તતાભર્યા રોજબરોજના માહોલમાં તહેવારોની ઉજવણી પોતાની સાથે ઉમંગ ઉપરાંત ઉજવણીનો થાક પણ લઈને આવે છે. થાકથી બેચેની, શારીરિક પીડા અને ક્યારેક બીમારી પણ આવી જતા હોય છે. શરીરનો થાક સૌથી કોઈ જગ્યાએ વરતાતો હોય તો એ આપણી આંખો છે. એટલે જ તહેવારોના દિવસોમાં આંખો સાવ ઢીલી થઈ જતી હોય છે. ક્યારેક આંખોમાંથી પાણી પણ નીકળતું હોય છે. તહેવારોની મોસમમાં મહિલાઓ હંમેશા વ્યસ્ત રહે છે. ઘરની સફાઈ હોય, ખરીદી હોય કે વિવિધ તહેવારોના વ્યંજન-વાનગી બનાવવાના હોય, આ કાર્યો સવારથી રાત સુધી ચાલે છે. અતિશય વ્યસ્તતા મહિલાઓની ત્વચા અને સ્વાસ્થ્ય પર અસર કરે છે. ઊંઘનો અભાવ અને સતત કામ કરવાથી આંખોમાં સોજો - થકાવટ આવે છે. થાકેલી આંખો તમારા ફેસ્ટિવલ લુકને બગાડી શકે છે. અહીં તમને આંખની થકાવટ દૂર કરવાના બે એકદમ હાથવગા અને સરળ ઉપાય સૂચવ્યા છે, જેના દ્વારા તમે આંખોનો થાક દૂર કરી શકો છો.
કાકડીની સ્લાઇસ
શા માટે? કારણ કે કાકડીમાં 95 ટકા પાણી હોય છે, તે આંખોની આસપાસની ત્વચાને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે. તમે તેનો ઉપયોગ આંખોનો થાક ઉતારવા માટે કરી શકો છો. પ્રથમ, કાકડીની પાતળી સ્લાઇસ કાપીને રેફ્રિજરેટરમાં ઠંડી થવા મૂકી દો. હવે લાંબા થઇને સૂઇ જાવ અને આ ઠંડી સ્લાઈસને તમારી બંધ આંખો પર પંદરેક મિનિટ માટે મૂકો. કાકડીનું હાઇડ્રેશન અને ઠંડક રક્તવાહિનીઓને સક્રિય કરે છે, જે ડાર્ક આઇ સર્કલ્સને હળવા કરી શકે છે.
ટી બેગ થેરપી
આંખનો થાક અને સોજો ઘટાડવા માટે તમે ટી બેગનો પણ ઉપયોગ કરી શકો છો. સૌપ્રથમ, વપરાયેલી ટી બેગને ગરમ પાણીમાં પલાળી રાખો. પછી તેને રેફ્રિજરેટરમાં રાખીને 10 મિનિટ માટે ઠંડી થવા દો. હવે આ ઠંડી ટી બેગને હળવા હાથે દબાવીને નીતારી લો અને તમારી બંધ આંખો પર 10 થી 12 મિનિટ માટે મૂકો. આ ઉપાય આંખોમાં બળતરા, લાલાશ અને સોજો ઘટાડશે અને થાકેલી આંખોને રિલેક્સ કરશે.
સાથે આટલું ધ્યાન અવશ્ય રાખો
આ બેમાંથી કોઇપણ વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં, તમારા ચહેરા અને આંખોને સાદા પાણીથી સારી રીતે ધોઈ લો. પછી, કાકડી અથવા ટી બેગ પર બરફ જામી ગયો હોય કે તે વધુ પડતા ઠંડા થઇ ગયા હોય તો ઠંક થોડીક ઓછી થવા દો કારણ કે વધુ પડતું ઠંડુ પાણી વાપરવાથી તમારી ત્વચાને નુકસાન થઈ શકે છે. તમારી આંખોને સંપૂર્ણ આરામ આપવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા કાકડી સ્લાઇસ કે ટી બેગનો ઉપયોગ કરો.
આ ઉપચાર આંખોનો થાક અને અસ્વસ્થતા ઘટાડે છે, અને તે તમને આરામ અનુભવવામાં પણ મદદ કરે છે.

