પડવું અને હારવું - બંને એક ચીજ નથી

આજે હું તમને એક નાનો પ્રશ્ન પૂછવા માગું છું. જો પડવું એટલે જ હારવું હોત, તો દુનિયામાં કોઈ બાળક ચાલતાં શીખ્યું હોત?

- ભારતી પંકજ Wednesday 30th September 2026 07:21 EDT
 
 

થોડી ક્ષણ માટે એ દૃશ્ય આંખો સામે લાવો. નાનકડું બાળક ઊભું થાય છે. એક ડગલું ભરે છે. પડી જાય છે. ફરી ઊભું થાય છે. ફરી પ્રયત્ન કરે છે. તેની આંખોમાં આંસુ આવે, છતાં તેની અંદર એક અજાણી જિદ્દ જીવંત રહે છે. તેને ‘હું હારી ગયો’ એવો વિચાર આવતો જ નથી. જીવનની સૌથી મોટી શીખ કદાચ આપણે બાળપણમાં જ મેળવી લઈએ છીએ, પરંતુ મોટા થતાં તેને ભૂલી જઈએ છીએ.
આજે નોકરીમાં નિષ્ફળતા મળે, ધંધામાં ખોટ આવે, સંબંધોમાં તિરાડ પડે કે કોઈ સ્વપ્ન અધૂરું રહી જાય, ત્યારે ઘણીવાર આપણે ઉતાવળમાં કહી બેસીએ છીએ - ‘હું હારી ગયો’.
પણ ખરેખર શું આપણે હાર્યા હોઈએ છીએ?
જરા કોઈ સફળ વ્યક્તિને નવા નયને જોઈએ. આપણે તેની સફળતા જોઈએ છીએ, પરંતુ તેની સફર નથી જોતાં. કદાચ કોઈ એવી નિષ્ફળતા હશે, જેની કોઈને ખબર નથી. કદાચ કોઈ એવી રાત હશે, જ્યારે તે એકલો હતો. કદાચ કોઈ એવો દિવસ હશે, જ્યારે બધું સમાપ્ત થઈ ગયું છે એવું તેને પણ લાગ્યું હશે.
અને કદાચ... એ જ દિવસે તેણે પોતાની જાતને નવી રીતે ઓળખી હશે.
જાપાનમાં એક અદ્ભૂત કળા છે - કિન્ત્સુગી (Kintsugi). ત્યાં તૂટેલા વાસણને ફેંકી દેવામાં આવતું નથી. તેની તિરાડોને સોનાથી ભરીને ફરી જોડવામાં આવે છે. પરિણામે તે પહેલાં જેવું રહેતું નથી; પહેલાં કરતાં વધુ અનોખું અને વધુ કિંમતી બની જાય છે. તેની તિરાડો તેની શરમ નથી રહેતી, તેની ઓળખ બની જાય છે.
વિચાર આવે છે...
શું માણસનું જીવન પણ આવું ન હોઈ શકે?
શું કેટલીક નિષ્ફળતાઓ આપણને તોડી નાખવા માટે નહીં, પરંતુ આપણને વધુ પરિપક્વ, વધુ સંવેદનશીલ અને વધુ માનવી બનાવવા માટે આવે છે?
હવે એક નાનકડી વિનંતી...
થોડી ક્ષણ માટે આ લેખને બાજુ પર મૂકી દઈએ અને પોતાના જીવન તરફ નજર કરીએ. શું એવી કોઈ ઘટના આજે પણ યાદ છે, જે દિવસે લાગ્યું હતું કે હવે બધું પૂરું થઈ ગયું? તે દિવસે કદાચ આપણે રડ્યાં હતાં. કદાચ કોઈને કંઈ કહ્યું નહોતું. કદાચ બહારથી હસતા રહ્યા, પરંતુ અંદરથી તૂટી ગયા હતા.
આજે, વર્ષો પછી, એ જ ઘટનાને ફરી યાદ કરીએ.
શું ખરેખર એ દિવસ માત્ર દુઃખનો દિવસ હતો? કે પછી એ જ દિવસે જીવને આપણને કંઈક એવું શીખવ્યું, જે કોઈ પુસ્તક શીખવી શક્યું ન હોત?
કદાચ ધીરજ...
કદાચ નમ્રતા...
કદાચ સંબંધોની સાચી કિંમત...
અથવા કદાચ એ સમજણ કે માણસ પોતાની કલ્પના કરતાં ઘણો વધારે મજબૂત હોય છે.
ઘણીવાર જીવનને પાછળ વળીને જોઈએ ત્યારે સમજાય છે કે જેને આપણે અંત માન્યો હતો, તે તો એક નવા અધ્યાયની શરૂઆત હતી. અને કદાચ એ જ કારણ છે કે આજે ફરી એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે... માણસ બહારની દુનિયા સામે હારે છે કે પોતાની અંદરની વાત સાંભળવાનું બંધ કરે ત્યારે?
બહારની દુનિયા ક્યારેક આપણને રોકી શકે છે, ધીમા પાડી શકે છે, કસોટીમાં મૂકી શકે છે. પરંતુ જ્યાં સુધી આપણે પોતાની અંદરની વાત સાંભળતા રહીએ છીએ, ત્યાં સુધી આશાનો દીવો બુઝાતો નથી. કદાચ એટલે જ...
પડવું એ જીવનની ઘટના છે; પરંતુ હારવું એ પોતાના વિશે આપેલો નિર્ણય છે.
આજે રાત્રે, સૂતા પહેલાં, તમારા જીવનની એક એવી ઘટના યાદ કરજો, જેને તમે ક્યારેક તમારી સૌથી મોટી હાર માની હતી.
પછી પોતાને માત્ર એક જ પ્રશ્ન પૂછજો...
શું ખરેખર હું હાર્યો હતો?
કે જીવન મને કંઈક નવું શીખવી રહ્યું હતું?
જો જવાબમાં એક ક્ષણ માટે પણ મૌન ઉતરે...
તો કદાચ એ જ મૌનમાં એક નવી શરૂઆત છુપાયેલી હશે.
કદાચ જીવને તમને હરાવ્યા નથી.
તેણે તો તમારી અંદરની અજાણી શક્તિ સાથે તમારો પરિચય કરાવ્યો છે.
અને કદાચ... તેથી જ ચાલો, આજે એકવાર જીવનને નવા નયને જોવાનો પ્રયત્ન કરીએ.


comments powered by Disqus