ઢાકાઃ બાંગ્લાદેશમાં લઘુમતીની સુરક્ષાને મુદ્દે એક વધુ ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. મયમનસિંહ જિલ્લાના બેગુનબાડી વિસ્તારમાં એક હિન્દુ વ્યક્તિનો મૃતદેહ નહેરમાં તરતા ડ્રમમાંથી મળ્યો છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ 50 વર્ષના નિરંજન ચંદ્ર સૂત્રધાર તરીકે થઈ છે. તેઓ મયમનસિંહના અઠારબારી ઇમારત વિસ્તારમાં ભાગીદારીમાં ઝવેરાતની દુકાન ચલાવતા હતા. બાંગ્લાદેશ મીડિયાના અહેવાલ મુજબ નિરંજનની હત્યા કોણે કરી, હત્યાનો હેતુ શો હતો? તે મુદે પોલીસ હજી સુધી કંઈ શોધી શકી નથી. આ કેસમાં હજી કોઈની ધરપકડ નથી થઈ.
મોડલ પોલીસ મથકના અધિકારી ઓસી મુહમ્મદ શિબિરૂલે જણાવ્યું કે, મૃતકના માથામાં અને છાતી પર ધારદાર હથિયારનાં નિશાન મળ્યાં હતાં. પોલીસનું માનવું છે કે મૃતદેહને ડ્રમમાં નાખીને નહેરમાં નાખતા પહેલાં જ નિરંજનની હત્યા કરાઈ હતી.
મૃતદેહના પેન્ટના ખિસ્સામાંથી હિન્દુ કો.ઓપરેટિવ ક્રેડિટ યુનિયન લિમિટેડનું ટોકન મળી આવ્યું હતું. તે ટોકનના આધારે સંસ્થાનો સંપર્ક કરતાં પોલીસ મૃતકની ઓળખ કરી શકી હતી.
