મેં એક બિલાડી પાળી’તી...

DNA ટેસ્ટમાં નવી પ્રજાતિ મળી

Wednesday 30th September 2026 07:34 EDT
 
 

લા પાઝ (બોલિવિયા)ઃ આપણે સહુએ બાળપણમાં એક બાળગીત બહુ ગાયુ છેઃ ‘મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે...’ બોલિવિયામાં તો આ ગીત ગવાતું હશે કે કેમ તે આપણે નથી જાણતા, પરંતુ અહીંના એક સ્થાનિક પરિવારે પણ કંઇક આવી જ લાગણી સાથે બિલાડીનું બચ્યું પાળ્યું હતું અને બહુ લાડકોડપૂર્વક ઉછેર્યું હતું. જોકે હવે આ DNA તપાસમાં ખુલ્યું છે કે આ તો બિલાડીની તદ્દન નવી પ્રજાતિ છે, જેના વિશે અત્યાર સુધી સહુકોઇ અજાણ હતા.
વૈજ્ઞાનિકોએ 100 વર્ષ કરતાં પણ લાંબા અરસા બાદ આ નવી પ્રજાતિ શોધી છે. આ બિલાડી દેખાવમાં હિંસક દીપડા જેવી લાગે છે પરંતુ તેનું વજન સામાન્ય પાલતુ બિલાડી કરતાં પણ ઓછું છે. સાઉથ અમેરિકાના દેશ બોલિવિયાના કૂચના જંગલો (યુન્ગાસ ફોરેસ્ટ)માંથી મળી આવેલી આ પ્રજાતિને વૈજ્ઞાનિકોએ ‘લિયોપાર્ડસ તિલકાયો’ નામ આપ્યું છે. માથાથી પૂંછડી સુધી માત્ર 18 ઇંચની લંબાઇ ધરાવતી આ બિલાડીના શરીર પર દીપડા જેવા મોટા ડાઘ છે, ગોળ કાન છે અને લાંબી મૂછો છે.
વર્ષ 2017માં એક સ્થાનિક વ્યક્તિને આ બિલાડીનું બચ્ચું મળ્યું હતું, જેને તે ઘરે લઇ ગયો. પરિવારે તેને સામાન્ય બિલાડી સમજીને પાળ્યું હતું અને બાદમાં એનિમલ સેન્ચ્યુરીને સોંપ્યું હતું. વન્યજીવના નિષ્ણાતોને તે સામાન્ય બિલાડી કરતાં કંઇક અલગ જણાઇ. આ પછી વિજ્ઞાનીઓએ તેના ડીએનએ અને જીનોમની તપાસ કરતાં આશ્ચર્યજનક ખુલાસો થયો કે આ કોઈ ઉપ-પ્રજાતિ નથી, પરંતુ આજથી આશરે 14 લાખ વર્ષ પહેલાં પોતાના અન્ય સંબંધીઓથી અલગ થયેલી એક સંપૂર્ણ નવી પ્રજાતિ છે.


comments powered by Disqus