વણિક એસોસિએશન યુ.કે.દ્વારા ‘ઓરગન ડોનેશન વીક’ની ઝૂમ ઉજવણી ‘ઓરગન ડોનેશન’ અને ‘ટ્રાન્સપ્લાન્ટેશન’વિષય પર માહિતિપ્રદ વાર્તાલાપ

-જ્યોત્સના શાહ Wednesday 30th September 2026 07:46 EDT
 
 

૨૩ સપ્ટેમ્બર’૨૬ના રોજ વણિક કાઉન્સિલ યુ.કે.એ બોલ્ટન હિન્દુ કાઉન્સિલના સહયોગથી “ઓરગન ડોનેશન વીક’’ નિમિત્તે એક ઝૂમ મીટીંગનું આયોજન કર્યું હતું. ૬૦ મિનિટના એ સેમિનારમાં “ઓરગન ડોનેશન’ અને ‘ટ્રાન્સપ્લાન્ટેશન’વિષય આધારિત વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. સૌ પ્રથમ સૌનું સ્વાગત વણિક એસોસિએશનના ચેર શ્રી મનહરભાઇ મહેતાએ કર્યું. જીવનના નવ દાયકાને આરે પહોંચેલા મનહરભાઇની સમાજસેવા સરાહનીય છે.
આ વાર્તાલાપના પ્રથમ વક્તા ઓનરરી સિનીયર લેકચરર, કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ, કિંગ્સ કોલેજના ડો સપના શાહ હતાં. તેમણે આપણા શરીરમાં કિડનનીની ભૂમિકા અંગે જણાવતાં કહ્યું કે, તે આપણા અવયવોના કચરાનો નિકાલ કરે છે. ફ્લુઇડ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સની સમતુલા જાળવે છે, બ્લડ પ્રેશરનું નિયંત્રણ કરે છે અને રક્તકણો તેમજ વિટામીન ડી નું ઉત્પાદન કરવાનું કામ કરે છે.
કિડની જ્યારે ૧૫ % કામ કરવાનું બંધ કરી દે ત્યારે ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય ડાયાલીસીસ બાદ લેવાય છે. બધા જ કિડની રોગથી પીડાતાને એ કરવાની જરૂર નથી હોતી. એના વિકલ્પોમાં હિમોડાયાલીસીસ અને પેરેટોનીઅલ ડાયાલીસીસનો સમાવેશ થાય છે. ટ્રાન્સપ્લાન્ટ પહેલા થતા પરીક્ષણમાં લેનારની ફિટનેસ બધી જ દ્રષ્ટિએ તપાસાય છે; ખાસ કરીને હ્દયની તંદુરસ્તી. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે દાતા જીવંત યા મૃત વ્યક્તિ હોઇ શકે છે. જીવંત હોય તો વારંવાર ડાયાલીસીસ નિવારી શકાય છે અને એનું આયુ દીર્ધ હોઇ શકે છે. કિડની દાતાની સલામતિનો પણ પૂરેપૂરો ખ્યાલ રખાય છે. ઝીણવટ પૂર્વક બધા જ પાસાંઓની તપાસ થાય છે. જેમાં સર્જરીનો ખતરો કે લાંબા સમય સુધી કિડની રોગ થવાની શક્યતા નહિંવત્ રહે છે.
કિડનીની અછત રાષ્ટ્રવ્યાપી છે. ખાસ કરીને લઘુમતિ કોમમાં એ વધુ છે. યુ.કે.ની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત કરતા ત્રીજા ભાગના જીવંતદાતા છે. કિડની રીજેક્શનના કેસીસનો દર નીચો છે અને આધુનિક ટ્રીટમેન્ટથી એ મેનેજ કરી શકાય છે.
બીજા વક્તા શ્રી જશવંત દોશી, નવનાત વણિક એસોસિએશનના પ્રમુખે એમના ભાઇ મુકેશ દોશીના ઓરગન ડોનેશનની વાત કહેતા જણાવ્યું કે, એમના ચક્ષુ દાનથી બે જણને દ્રષ્ટિ મળી. તેમણે સમાજમાં સૌને અરજ કરી કે, પોતાના અવયવ દાન વિશે રજીસ્ટ્રેશન કરાવવાથી બીજાને જીવત દાન મળતું હોય તો એના જેવું બીજું કયું પુણ્ય હોઇ શકે? આ કાયદો નિ:સ્વાર્થ અને જીવનમાં બદલાવ લાવી શકે તેવો ઉપકારી છે. કૃપા કરી અવયવ દાનને પુષ્ટિ આપો.
ત્રીજા વક્તા પ્રો.કૃષ્ણ મેનન, કન્સલ્ટન્ટ લીવર ટ્રાન્સ પ્લાન્ટ અને હીપોટોબિલરી સર્જન છે. તેમણે લીવર ટ્રાન્સ પ્લાન્ટેશનના મેડીકલ, એથીકલ અને સોસીયલ બધા જ પાસાંઓને આવરી લઇ સમગ્ર દ્રષ્ટિએ એની અગત્યતાની માહિતી આપી. લીવર ટ્રાન્સ પ્લાન્ટેશન કઇ પરિસ્થિતિમાં થઇ શકે અને એના પ્રકાર અંગે જણાવતા કહ્યું કે, ક્રોનીક લીવર ડીસીસ, ઓટોઇમ્યુન ડીસઓર્ડર્સ, વાયરલ હીપેટીટીસ, આલ્કોહોલ સંબંધી નુક્શાન, કેટલાક કેન્સર્સ અને એક્યુટ લીવર ફેઇલ્યુઅર. કિડની જેમ આમાં વિકલ્પો હોતા નથી. ફેટી લીવરના કેસીસ વધારે હોય છે. અવયવ દાન કોઇકની જિંદગી માત્ર જ નહિ એના કુટુંબના જીવનમાં પણ બદલાવ લાવી શકે છે એથી એના મહત્વને સ્વીકારવું જોઇએ. સમાપનમાં લીવરની તંદુરસ્તી સાચવવાની સલાહ આપી.
જેમને લીવરનું દાન મળેલ છે એ વિન્સન્ટ વાઇલ્ડીંગે પોતાનો જાત અનુભવ વર્ણવતા કહ્યું કે, મારૂં લીવર એકાએક ફેઇલ થયું એ પહેલા વર્ષો સુધી મારૂં આરોગ્ય સ્થિર હતું. મારું લીવર ફેઇલ થતાં મને હોસ્પીટલમાં દાખલ કરાયો અને થોડા કલાકોમાં જ ડોનર મળી જતાં મને નવજીવન મળ્યું એ માટે હું દાતાનો ખૂબ આભાર માનું છું.
કિરીટ મોદી MBE, જેઓને કિડની દાન મળેલ છે. તેઓ નેશનલ કિડની ફેડરેશનના અને નેશનલ BAMF ટ્રાન્સપ્લાન્ટ એલાયન્સના પ્રમુખ છે. તેમણે એમના વક્તવ્યમાં જણાવ્યું કે, કિડની નિષ્ફળ જવાના કારણે પીડાઇ રહ્યા છે તેમના માટે સમાજનો સપોર્ટ ખૂબ મહત્વનો છે. કિડની સારવાર માટેના બે વિકલ્પોમાં ઘરે અથવા હોસ્પીટલમાં જઇ ડાયાલીસીસ થઇ શકે છે. જીવંત કિડની દાતા મળે એની રાહ જોવી. પોતાની જરૂરિયાત માટેની અપીલ કરતા રહેવું.
નેશનલ ચેરિટીઓની ભૂમિકા વિષે માહિતી આપતાં જણાવ્યું કે, ‘વીલેજ’ ઓફ સપોર્ટ તૈયાર કરો. જેમાં ફેમિલી, હેલ્થકેર પ્રોફેશ્નલ્સ અને પેશન્ટ્સ ગૃપ હોય, તેઓને લઘુમતિ ગૃપના પડકારો અંગે અવાર નવાર માહિતગાર કરતા રહો ને તમારી જરૂરિયાત પર ધ્યાન ખેંચતા રહો. કોમ્યુનિટીમાં એ માટેની જાગ્રતતા કેળવો. અવયવ દાનના વાર્તાલાપો યોજતા રહો. આખરમાં અવયવ દાનની ટકાવારી વધે એ માટેના પ્રયાસો જારી રાખો અને સૌને રજીસ્ટ્રેશન કરવા પ્રેરો.
સમાપન વેળાએ વણિક એસોસિએશનના ચેર શ્રી મનહરભાઈ મહેતાએ QR કોડ સ્કેન કરી NHS ઓરગન ડોનેશન રજીસ્ટરમાં પોતાનું નામ રજીસ્ટર ના કરાવ્યું હોય તો કરવા માટેની અપીલ કરી. આપણે જીવતા જીવત દાન ન આપી શકીએ તો મૃત્યુ બાદ કોઇને જીવત દાન આપવાનું પુણ્ય કમાઇ શકતા હોય તો કેમ ના કરવું?


comments powered by Disqus