વિશ્વંભરી સ્તુતિ - શ્રી ભગવતી સ્તુતિ

Wednesday 30th September 2026 06:57 EDT
 
 

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા,
દુર્બુદ્ધિને દૂર કરી સદ્બુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવદુઃખ કાપો. (1)
ભૂલો પડી ભવરણે ભટકું ભવાની!
સૂઝે નહીં લગીર કોઈ દિશા જવાની;
ભાસે ભયંકર વળી મનના ઉતાપો... મામ્... (2)
આ રંકને ઊગરવા નથી કોઈ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાળ તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો... મામ્... (3)
મા! કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું,
કોને કહું કઠણ યોગ તણો બળાપો... મામ્... (4)
હું કામ, ક્રોધ, મદ, મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી છકેલો,
દોષો થકી દૂષિતના હરી માફ પાપો... મામ્... (5)
ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો... મામ્... (6)
રે, રે ભવાની! બહુ ભૂલ થઈ છે મારી,
આ જિંદગી થઈ મને અતિશય અકારી,
દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો... મામ્... (7)
ખાલી ન કોઈ સ્થળ છે, વિણ આપ પધારો,
બ્રહ્માંડમાં અણુ અણુ મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો... મામ્... (8)
પાપે, પ્રપંચ કરવા, બધી વાતે પૂરો,
ખોટો ખરો, ભગવતી પણ હું તમારો,
જાડ્યાંધકાર દૂર કરી, સદ્બુદ્ધિ આપો... મામ્... (9)
શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે,
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો... મામ્... (10)
શ્રી સદ્ગુરુના શરણમાં રહી યજું છું,
રાત્રિ દિને ભગવતી તુજને ભજું છું,
સદ્ભક્ત સેવક તણા પરિતાપ ચાપો... મામ્... (11)
અંતર વિશે અધિક ઉર્મિ થતાં ભવાની,
ગાઉં સ્તુતિ તવ બળે નમીના મૃડાની,
સંસારના સકળ રોગ સમૂળ કાપો... મામ્... (12)
તારા સિવાય જગમાં નથી કોઈ મારું,
સાચા સગા ભગવતી તુજને સંભારું,
ભજું તને કદાચ ભવપાશ તણા પ્રસંગે,
માગું ક્ષમાથી ત્રિપુરેશ્વરી આ પ્રસંગે... (13)
જેની કૃપાથી ગિરિરાજ ચડે અપંગે,
જેની કૃપાથી ભવસિંધુ તરે સુસંગે,
જેની કૃપાથી વિષ થાય સુધા સમાન,
એવા દયાળુ ભગવતી તુજને પ્રણામ... (14)
અંબા ભવાની જગદંબા કરો સહાય,
આરાસુરી મને સદા તવ ભક્તિ થાય,
હસ્તે ત્રિશુળ ધરીને અસુરો સંહાર્યાં,
સંકટમાંથી નિજ સેવકને ઉગાર્યાં,
હે માત્ ! કેશવ કહે તવ ભક્તિ આપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવદુઃખ કાપો... (15)


comments powered by Disqus