શબ્દોની સોનેરી પળોની સહેલગાહ બની સોનેરી સંગત

બાદલ રમેશચંદ્ર લખલાણી Wednesday 30th September 2026 06:06 EDT
 
 

સમાજના વિભિન્ન રંગો સાથે આપની સમક્ષ રજૂ થતો ગુજરાત સમાચારનો ખાસ ઝૂમ કાર્યક્રમ સોનેરી સંગતનો 90મો અધ્યાયે શબ્દોથી રમતા શબ્દજાદુગરોને જીવતા કરી દીધા. આ કાર્યક્રમમાં યોજાયેલી કાવ્યગોષ્ઠિએ માત્ર કવિવક્તાઓને જ નહીં, શ્રોતાઓને પણ ડોલાવી દીધા હતા. શબ્દોની આ સફરમાં મુખ્ય વક્તા હરીશભાઈ વ્યાસે અનેક કવિઓની ઊર્મિભરેલી રચનાઓ રજૂ કરી અને તેના ભાવ પણ દર્શાવ્યા, જેની સાથે ભારતીબહેન પંકજ વોરાએ પોતાની સંવેદનાઓને કાવ્યસ્વરૂપ આપ્યું. કાવ્યરસના આ મધુર સંગમમાં આપણી સંસ્કૃતિ અને લાગણીઓનો પણ અનોખો સૂર રેલાતો જોવા મળ્યો.
કાર્યક્રમનું સંચાલન કરતાં કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહે કહ્યું કે, નીતિશતકમાં કવિ ભર્તૃહરિએ કહ્યું છે કે, સાહિત્ય, સંગીત અને કલાનો આસ્વાદ મનુષ્ય જ માણી શકે છે, આ આસ્વાદથી વંચિત મનુષ્ય પૂંછડાં અને શિંગડાં વગરના પશુ જેવો જ છે. વેદના અને સંવેદના કવિતાનું હાર્દ છે, તો શૃંગાર, વિયોગ, વીરતા, રિસામણાં - મનામણાં, પશ્ચાતાપ, સંબંધોની મીઠાશ – કડવાશ, પ્રેમ, ઇશ્વર, પ્રકૃતિ આ તમામ વિષયોની વિવિધતામાં કવિની સર્જનશક્તિ ખીલી ઊઠે છે અને હૃદયની ઊર્મિઓને વાચા પ્રાપ્ત થાય છે. આખરે લાગણીઓ અને શબ્દોના સહારે સર્જાય છે કવિતા.
કાર્યક્રમમાં આગળ જતાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નાટ્યવિભાગના નિવૃત્ત પ્રાધ્યાપક, નાટ્યશાસ્ત્રના સાધક અને દિગ્દર્શક હરીશભાઈ વ્યાસ દ્વારા સુંદર કાવ્યમંચન કરાયું, જેમણે સોળે સંસ્કાર, વંદે માતરમ્, સંત સુરદાસ જેવાં અનેક નાટકોનું સર્જન પણ કર્યું છે. હરીશભાઈએ કહ્યું કે,
કવિ વ્યવહારની ધૂળમાં રચોટાયેલા વર્ણને કવિ કવિતામાં પ્રયોજન કરીને સ્વર્ણ બનાવી દે છે. ‘મિત્ર મારા પ્રાસ સઘળા કોશમાં પણ હોય છે, અડકું હું તો જ ઊપજે અર્થ.’ કવિ જ્યારે કોઈ રજૂઆત કરે ત્યારે કાં તો હૃદયમાંથી આહ નીકળે, કાં વાહ નીકળે. આહ અને વાહ ભાવક સુધી પહોંચાડનાર એ કવિ. કવિતા માટે બીજી પણ એક સુંદર પંક્તિ છે, ‘નીરખું અને નીચોવું, નિતારું જબાનમાં, આ આંખની ચમકને કહી જાઉં કાનમાં.’ અહીં નિરીક્ષણ જુદું છે. એ બ્રહ્માનંદ સહોદરાનંદ આપનાર છે. એનું નિરીક્ષણ સૂક્ષ્મ છે, એને નિરખીને એ નિચોવે છે- પૃથક્કરણ કરે અને પછી જબાન દ્વારા નિતારે. બીજી પંક્તિ ‘આ આંખની ચમકને કહી જાઉં કાનમાં’ એટલે કે કવિએ જગતને જોતી વખતે પોતાની આંખોમાં જે વિસ્મય, પ્રેમ કે ચમક અનુભવી હતી, તેને તે બહુ જ સહજતાથી, જાણે કોઈ રહસ્યની વાત કહેતા હોય તેમ વાચક કે શ્રોતાના કાનમાં - તેમના હૃદય સુધી પહોંચાડી દે છે.
આગળ જતાં હરીશભાઈએ નરસિંહ મહેતાની રચના ‘હળવે-હળવે મારે મંદિર આવ્યા રે’, ‘ભોળી રે ભરવાડણ હરિને વેચવાને હાલી રે’, કલાપીની રચના ‘ફૂલ વીણ, સખે! ફૂલ વીણ, સખે!’નું મંચન કર્યું હતું. આ સાથે મરીઝની ‘જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીઝ’, ઉમાશંકર જોશીની ‘અમે સૂતા ઝરણાને જગાડ્યું’, મકરંદ દવેની ‘ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ,ને ગમતાંનો કરીએ ગુલાલ’, આદિલ મન્સૂરીની ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’, રાજેન્દ્ર શુક્લની ‘મનને સમજાવો નહીં કે...’, મનોજ ખંડેરિયાની ‘મને શબ્દો મળ્યા તારે નગર જાવા’, જગદીશ જોશીની ‘ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં...’
માધવ રામાનુજની ‘એક એવું ઘર મળે આ વિશ્વમાં, જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું’ અને નરેન્દ્ર મોદીની ‘પૃથ્વી આ રમ્ય છે, આંખ આ ધન્ય છે’ રચનાનો સુંગર આસ્વાદ કરાવ્યો હતો.
હરીશભાઈના કવિતા મંચન બાદ કવિયત્રી ભારતીબહેને પોતાના પાંચ ભાવ દર્શાવતી ‘મારી કવિતા સૂરજની જેમ...’ અને આજની ભારતી નામથી લખેલી ‘તમારું મળી જાવું’ કવિતા રજૂ કરી, જેમાં તેમની સ્વની ખોજ, પરદેશી ભારતવાસી, ડાયસ્પોરિક સંવેદના, નારી સંવેદના અને કૃતજ્ઞતાના ભાવ ઊડીને આંખે વળગ્યા.
શૈશવકાળમાં મારી માતાની બોલીએ મને ભાષા આપી, જીવનસાથી પંકજે સાહિત્ય સાથે મારી ઓળખ કરાવી, ગુજરાત સમાચાર, કવિ સંમેલનો અને અનેક વડીલ સાહિત્યકારોના સ્નેહે આ સફરને દિશા આપી. આમ મારી કવિતા માત્ર શબ્દો નથી, મારી ઓળખની શોધ છે. વતનથી દૂર જીવેલી સંવેદના છે, સ્ત્રી તરીકેની આંતરિક યાત્રા છે અને જીવને શીખવેલા નાના-નાના પડાવ છે. આખરમાં જગદીશભાઈ દવેએ તેમની સુંદર કવિતા ‘ઢળતી સાંજ, તુલસીક્યારે પ્રગટતો ઘીનો દીવો’ રજૂ કરી હતી. જે બાદ સંપાદક-તંત્રી સી.બી. પટેલે આભારવિધિ કરતાં કહ્યું કે, હરીશભાઈ તમે આજે આ સુંદર કવિતાઓ દ્વારા અમને તમારા સ્નેહરસમાં તરબોળ કર્યા છે, તો ભારતીબહેને પણ રંગ જમાવ્યો.
(સંપૂર્ણ કાર્યક્રમ જોવા અમારી YouTube ચેનલની મુલાકાત લેવાનું ભૂલશો નહીં,
જેનો ક્યુઆર કોડ નીચે આપેલો છે)


comments powered by Disqus