સંયુક્ત રાષ્ટ્રઃ ભારતે શનિવારે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં આતંકવાદ મુદ્દે મગરનાં આંસુ સારતાં પાકિસ્તાનને કડક શબ્દોમાં ઝાટકી નાખ્યું હતું. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે સાફ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, આતંકવાદ મુદ્દે ભારતની ઝીરો ટોલરન્સ નીતિ હતી, છે અને રહેશે. પાકિસ્તાન તરફ ઈશારો કરીને તેમણે કહ્યું કે, સતત આતંક ફેલાવતા દેશ દ્વારા આતંકવાદને સામાન્ય મુદ્દો ગણાવીને તેનાં પરિણામોથી બચવાની દલીલો કરાઈ રહી છે, જે ટકી શકે તેમ નથી.
જયશંકરે યુએનમાં આંતરરાષ્ટ્રીય જળમાર્ગથી પસાર થતાં કોમર્શિયલ જહાજ તેમજ નાવિકોને ટાર્ગેટ બનાવવાનું ક્યારેય સ્વીકાર્ય નથી તેમ ભારપૂર્વક કહ્યું હતું. તેમણે વિશ્વના નેતાઓ સમક્ષ કહ્યું કે, ક્યારેય અંત ન આવે તેવા યુદ્ધને બદલે વિશ્વના દેશોએ હવે ઘર્ષણ ખતમ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ગલ્ફના દેશોમાં ચાલતી તંગદિલી અંગે તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટ પર ભારતના નાવિકો પરના હુમલા ચલાવી લેવાશે નહીં.

