મુંબઇઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 2026ની સિઝન પૂર્ણતાને આરે છે ત્યારે પ્લે ઓફ માટેના ચાર સ્થાન નક્કી થઈ ગયા છે. ગઈ વખતની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લે ઓફમાં મોખરાનું સ્થાન ધરાવે છે અને તે મંગળવારે બીજા ક્રમની ગુજરાત ટાઇટન્સ સામે ટકરાઇ હતી તો બાકીની બે ટીમમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદનો સમાવેશ થાય છે. આ બંને ટીમ એલિમિનેટર મેચમાં સામસામે રમશે. આમ પ્લે ઓફમાં પ્રવેશનારી ચારેય ટીમ બે દિવસમાં રમશે અને ત્યાર બાદ હારનારી ટીમ બુધવારે જીતનારી ટીમ સામે રમીને ફાઈનલમાં પ્રવેશવાનો દાવો કરશે.
આ વખતની આઈપીએલની ખાસ વાત એ રહી કે અગાઉ એક થી વધારે વાર ચેમ્પિયન બનેલી મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ કે કોલકાતા નાઇટ રાઇડર્સ આ વખતે પ્લે ઓફ સુધી પણ પહોંચી શકી નથી. તેથી પણ રસપ્રદ બાબત એ છે આ વખતે હવે ચેમ્પિયનશિપ માટે દાવેદાર રહી ગયેલી ચારમાંથી એકેય ટીમ ટાઇટલથી વંચિત રહેલી નથી. આથી પણ વધુ સામ્યતા એ છે કે આ વખતની પ્લે ઓફમાં પ્રવેશનારી ચારેય ટીમ એક એક વાર ટાઈટલ જીતી છે. તેનો અર્થ એ થયો કે આ ચાર પૈકીની બે ટીમ ફાઈનલમાં રમનારી છે અને તેમાંથી જે ટીમ જીતશે તે બીજી વાર આઇપીએલ ટ્રોફી જીતશે.
આઈપીએલમાં અત્યાર સુધી ચેન્નાઈસુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સનો ઈજારો હતો. જે છેલ્લી બે સિઝનથી તૂટી ગયો છે. આ બંને ટીમ અત્યારે તેમનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે રમી રહી છે. દર વખતે તેઓ પ્લે ઓફમાં સ્થાન માટે સંધર્ષ કરતા જોવા મળી રહ્યા છે.
અત્યાર સુધીની આઈપીએલના ઇતિહાસમાં પર નજર કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સ દસ વાર ફાઇનલમાં પ્રવેશી છે જેમાંથી તેણે પાંચ વાર ફાઈનલ જીતીને ટાઈટલ જીત્યું હતું તો મુંબઈ ઇન્ડિયન્સે છ ફાઈનલ રમીને પાંચ વાર વિજય હાંસલ કર્યો હતો. આમ મુંબઈની ટીમ ફાઇનલમાં પહોંચે તો તેની જીતવાની શક્યતા વધી જતી હોય છે. કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર ચાર-ચાર વાર ફાઈનલમાં રમ્યા હતા જેમાં કોલકાતાએ ત્રણ અને બેંગલોરે એક ફાઈનલ જીતી હતી, પોતાની પાંચમી સિઝન રમી રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમ બે વાર ફાઈનલ રમી છે અને તેમાં એક વાર તેણે ટ્રોફી જીતી છે. રાજસ્થાન રોયલ્સનું પણ આમ જ છે. બે ફાઈનલ અને એક જીત. સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રણ વાર ફાઈનલ રમ્યું છે અને તેમાં તે એક વાર જીત્યું છે.

