ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તની વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે આક્રોશ અને કટાક્ષમાં જન્મેલી કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ બેરોજગારોના અપમાનને જેન-ઝી માટે ગૌરવના પ્રતીકમાં તબદિલ કરી દીધું છે. એઆઇ દ્વારા તૈયાર કરાયેલા શૂટ અને ટાઇ પહેરેલા વંદાએ ભારતમાં એ કામ કરી બતાવ્યું જેના માટે પરંપરાગત વિરોધ પક્ષો વર્ષોથી સંઘર્ષ કરી રહ્યાં છે.
હવે પોતાને બેરોજગારોનો અવાજ જાહેર કરનારી સીજેપીના આ અસાધારણ ઉદયથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. શું મીમ આધારિત આ ચળવળ ખરેખર ભારતીય રાજકારણને નવું સ્વરૂપ આપવામાં સફળ થઈ શક્શે?
એક વાત તો સ્વીકારવી રહી કે સીજેપીએ તેની સ્થાપનાના એક અઠવાડિયા કરતા ઓછા સમયમાં ભારતના યુવાનોમાં પ્રવર્તી રહેલા અસંતોષને ઉજાગર કરી દીધો છે. ભારત એક ઝડપથી વિકસતું અર્થતંત્ર હોવા છતાં વધી રહેલી મોંઘવારી, બેરોજગારી અને નીટ-યુજી પેપર લીક જેવી સિસ્ટમની નિષ્ફળતાના કારણે લાખો – કરોડો ભારતીય યુવા હતાશામાં ગરકાવ થયા ત્યારે જ સોશિયલ મીડિયા પર મજાક-મજાક અને કટાક્ષમાં રચાયેલી આ પાર્ટી જાણે કે તેમનો આક્રોશ પ્રગટ કરવાનું માધ્યમ બની રહી છે. હવે આ રાજકીય મંચ વાસ્તવિકતાની એરણ પર કેટલો સફળ રહે છે તે જોવાનું રહ્યું. પ્રારંભે આ રાજકીય મંચે નીટ પેપર લીક મામલામાં ભારતના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી એવો સંકેત આપ્યો છે કે તે ફક્ત મજાક અથવા તો કટાક્ષ પુરતો મર્યાદિત નથી. આમ જોવા જઇએ તો સીજેપીએ ઉપેક્ષિત અને અન્યાયની લાગણી અનુભવી રહેલી યુવાપેઢીને એક ડિજિટલ માઇક્રોફોન ઉપલબ્ધ કરાવ્યું છે. જોકે સોશિયલ મીડિયાના યુગમાં વાયરલ થવું અને લાંબાગાળાનો રાજકીય વિકલ્પ બનવું બંને અલગ અલગ બાબત છે. બંને વચ્ચે મોટું અંતર પણ રહેલું છે અને તેને પાર કરવું કોઇપણ ડિજિટલ આંદોલન માટે ઘણું મુશ્કેલ હોય છે. રાજકીય મોરચો ફક્ત આક્રોશના આધારે સફળ થઇ શક્તો નથી. આ મોરચા સામે પણ અસંખ્ય પડકારો છે. એક રીતે તો આ આક્રોશનો માતેલો સાંઢ જ છે જે કોઇપણ દિશામાં જઇ શકે છે. યોગ્ય માળખાકીય સંરચનાના અભાવમાં આ માતેલો સાંઢ ક્યારે ધરાશાયી થઇ જાય તે કોઇ કહી શકે નહીં કારણ કે આ મોરચા પાસે જમીની સ્તર પર કોઇ માળખુ જ ઉપલબ્ધ નથી. સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા માટે કટાક્ષ ઉત્તમ છે, પરંતુ તેને સંસ્થાકીય માળખામાં તબદિલ ફેરવવું ખૂબ મુશ્કેલ છે. ફક્ત ઓનલાઇન આક્રોશથી સ્થાનિક કે રાજ્ય સ્તરની ચૂંટણી લડી શકે તેવા કાર્યકર્તાઓનું સંગઠન ઊભું કરી શકાતું નથી.
જો સફળતાનો માપદંડ દેશના રાજકીય વિમર્શ અને ચર્ચાની દિશા બદલવાનો હોય, તો આ વંદા અત્યારે તો જીતી ગયા છે. તેમણે દેશને તેના યુવાનોની બેરોજગારીની કડવી વાસ્તવિકતા સામે જોવા માટે મજબૂર કર્યો છે. તેમ છતાં ઇન્ટરનેટ પેરોડી દ્વારા કેટલો બદલાવ શક્ય છે તે એક મોટો સવાલ છે તો બીજીતરફ આ આંદોલને ભારતના બેરોજગાર યુવાનોને અવાજ ઉઠાવવા માટે એક મંચ પૂરો પાડ્યો છે તે પણ એક વાસ્તવિકતા છે. નેપાળ અને બાંગ્લાદેશમાં યુવાનોએ ભ્રષ્ટાચારી રાજનેતાઓની હકાલપટ્ટીમાં મોટો ભાગ ભજવ્યો અને તેમાં સોશિયલ મીડિયાની મહત્વની ભુમિકા રહી. હવે જોવાનું એ રહે છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂ થયેલું આ આંદોલન વાસ્તવિકતાની એરણ પર કેટલું ખરું ઉતરે છે.
