બ્રિટનમાં નેટ માઈગ્રેશનમાં ઘટાડો અર્થતંત્ર માટે વિનાશકારી સાબિત થશે

Wednesday 27th May 2026 05:38 EDT
 

વર્ષ 2025માં કોરોના રોગચાળાના સમયગાળાને બાદ કરતાં 2012 પછી બ્રિટનમાં નેટ માઈગ્રેશન સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું હોવાના સત્તાવાર આંકડા જાહેર થયા છે. વર્ષ 2023 પછી નેટ માઇગ્રેશનમાં બોલી ગયેલો મોટો કડાકો અગાઉની કન્ઝર્વેટિવ સરકાર દ્વારા શરૂ કરાયેલી અને વર્તમાન લેબર સરકાર દ્વારા ચાલુ રાખવામાં આવેલી કડક નીતિઓનું પરિણામ છે. તેના કારણે યુકે આવતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની સંખ્યામાં 20 ટકા, સ્કીલ્ડ વર્કર્સની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. તે ઉપરાંત મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ અને સ્કીલ્ડ વર્કર્સ વતનના દેશો તરફ પ્રયાણ કરી ગયાં છે.
યુકેમાં છેલ્લા કેટલાક વર્ષોથી માઇગ્રેશન અને ઇમિગ્રેશન રાજનીતિના કેન્દ્રવર્તી મુદ્દા રહ્યાં છે. રિફોર્મ યુકે જેવી પાર્ટી તો ઇમિગ્રેશનના મુદ્દા પર જ કામ કરી રહી છે. એક પછી એક સરકારોની આકરી નીતિઓએ નેટ માઇગ્રેશન ઘટાડવાના રાજકીય વચનો પૂરા કર્યાં છે પરંતુ તેના કારણે યુકેના અર્થતંત્ર પર જે ગંભીર અસર થઇ રહી છે તે અંગે આંખ આડા કાન કરી શકાય તેમ નથી. નીતિગત ફેરફારો અને બ્રેક્ઝિટ પછીના ઇમિગ્રેશન માળખાએ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ, વિદેશી સ્કીલ્ડ વર્કર્સના આગમનને નોંધપાત્ર રીતે ધીમું કરવાનું શરૂ કર્યું છે ત્યારે આ ચર્ચાને વૈચારિક વલણોમાંથી બદલીને તાત્કાલિક કઠોર આર્થિક વાસ્તવિકતા તરફ વાળવી પડશે.
ઘટેલા નેટ માઇગ્રેશનના કારણે સૌથી પહેલાં તો યુકેમાં લેબર શોર્ટેજ તીવ્ર બની છે. યુકે વર્ષોથી કૃષિથી માંડીને હોસ્પિટાલિટી, હેલ્થકેરથી માંડીને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ઇમિગ્રન્ટ્સના પ્રવાહ પર નિર્ભર રહ્યો છે. નેટ માઇગ્રેશનમાં ઘટાડાના કારણે કર્મચારીઓની પડી રહેલી ખોટ સ્થાનિક કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ભરપાઇ થઇ શક્તી નથી. કામદારોની અછત વ્યવસાયોને ઓટોમેશનમાં રોકાણ કરવા અને ઉત્પાદકતા વધારવા મજબૂર કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ઓટોમેશન તરફ વળવા સમય અને મોટા મૂડીરોકાણની જરૂર પડે છે. ફુગાવા અને ઊંચા વ્યાજદરોથી પહેલેથી પરેશાન એવા નાના અને મધ્યમકદના ઉદ્યોગો પાસે આ પ્રકારના સંસાધનો બિલકુલ નથી.
ઘટતું નેટ માઇગ્રેશન સરકારી તિજોરી માટે પણ ગંભીર ચિંતાનો વિષય છે. ઇમિગ્રન્ટ કામદારો યુવાન, સ્વસ્થ અને કરવેરો ચૂકવનારા હોય છે. પોતાના દેશમાં શિક્ષણ પુરુ કરીને આવેલા ઇમિગ્રન્ટ્સ તાત્કાલિક બ્રિટનના લેબર માર્કેટની અછત પૂરવામાં અત્યંત મહત્વની ભુમિકા ભજવે છે અને આવકવેરા તથા નેશનલ ઇન્સ્યોરન્સમાં સીધો ફાળો આપે છે. આજે જ્યારે જાહેર સેવાઓને ઐતિહાસિક સ્તરના ભંડોળની જરૂર છે ત્યારે સરકારે હેલ્થકેર, પેન્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વર્તમાન સ્તરને જાળવી રાખવા માટે કરવેરામાં વધારો કરવો પડી રહ્યો છે અથવા તો ઉછીના નાણા પર આધારિત થવું પડી રહ્યું છે.
સરકાર આજે સ્થાનિક બેરોજગાર યુવાઓને લેબર માર્કેટમાં લાવવા હવાંતિયા મારી રહી છે. તેઓ તાલીમ લઇને જોબ માર્કેટમાં પ્રવેશે તે માટે જાત જાતના પ્રલોભનો પણ આપી રહી છે તેમ છતાં સ્થાનિક બેરોજગારો તાલીમ પ્રાપ્ત કરીને નોકરી કરતા થશે તેવા કોઇ સંકેત જોબ માર્કેટમાં હાલ દેખાતા નથી. 16થી 24 વર્ષના યુવાનોમાં બેરોજગારીનો દર 16 ટકા કરતાં વધુ એટલે કે દાયકાની ટોચની સપાટી પર પહોંચી ગયો છે. સ્થાનિક યુવાનો જોબ માર્કેટમાં પ્રવેશી રહ્યાં નથી ત્યારે ઘટેલા ઇમિગ્રેશનના કારણે કામદારોની અછત વધી રહી છે અને તેની સીધી નકારાત્મક અસર દેશના આર્થિક વિકાસ પર પડી રહી છે. સરવાળે નેટ માઇગ્રેશનમાં ઘટાડો બ્રિટિશ અર્થતંત્ર માટે નુકસાનકારક જ પૂરવાર થવાનો છે. આર્થિક તાણ અનુભવી રહેલી યુનિવર્સિટીઓ માટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની ઘટતી સંખ્યા ચિંતાજનક છે તો વિવિધ સેક્ટરમાં સ્કીલ્ડ વર્કર્સનો અભાવ અર્થતંત્રને બ્રેક મારવા માટે પુરતો છે. બ્રિટન હંમેશા ઇમિગ્રન્ટ વર્કર્સ પર નિર્ભર રહ્યો છે તે વાસ્તવિકતા નકારી શકાય તેમ નથી.


comments powered by Disqus