બેંગલુરુઃ કલ્પનાશીલ નેતૃત્વ અને આધ્યાત્મિક જ્ઞાનનો ઐતિહાસિક સંગમ સ્વરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર શાંતિ, કલ્યાણ અને સેવાના 45 વર્ષની વૈશ્વિક ઉજવણી તેમજ ગુરુદેવના 70મા જન્મદિનની ઉજવણી નિમિત્તે ધ આર્ટ ઓફ લિવિંગ ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે સામેલ થયા હતા. આ સીમાચિહ્ન ઉજવણીમાં શાંતિ, સાર્વત્રિક કલ્યાણ અને નિઃસ્વાર્થ માનવસેવાની સહભાગી કલ્પનાથી સંકળાયેલા વિશ્વના મહાનુભાવો એકત્ર થયા હતા.
ધ આર્ટ ઓફ લિવિંગ ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે એક મહિના લાંબા આંતરરાષ્ટ્રીય મેળાવડામાં 182 દેશોમાંથી લોકો હાજરી આપવા ઉમટ્યા હતા. આ ઉજવણીમાં વિશ્વનેતાઓ, ડેલિગેટ્સ, રાજદ્વારીઓ, પોલિસીમેકર્સ, શિક્ષણવિદો, એન્ટ્રેપ્રીન્યોર્સ, સિવિલ સર્વન્ટ્સ અને નાગરિક સમાજના અગ્રણીઓ તેમજ ખેડૂતો અને આર્ટ ઓફ લિવિંગના પરિવર્તનકારી કાર્યક્રમ થકી પુનર્વસન થયેલા જેલના કેદીઓ સહિત વૈશ્વિક સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણીમાં ઉપસ્થિત લોર્ડ ઉદય નાગારાજુએ જણાવ્યું હતું કે,‘ ધ આર્ટ ઓફ લિવિંગ દ્વારા દાયકાઓથી હાથ ધરાયેલા પરિવર્તનકારી કાર્યથી હું ભારે પ્રભાવિત થયો છું. આશ્રમ શાંતિની શક્તિશાળી ભાવના અને માનવતાની સેવાનું પ્રતિબિંબ દર્શાવે છે.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સામૂહિક કલ્યાણના કાયમી સ્થાન તરીકે કલ્પના કરાયેલા ધ્યાન, શાંતિ અને ઉપચારના નવા ભવ્ય આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ‘ધ્યાન મંદિર’નું ઉદ્ઘાટન કર્યું હતું. નવા ધ્યાનસ્થળનો ઉલ્લેખ કરતા વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે,‘ ધ્યાન મંદિર આગામી પેઢીઓના હજારો લોકો માટે શાંતિ અને સાંત્વનાનું કેન્દ્ર બની રહેશે.’ વડા પ્રધાન મોદીએ આ ઉદ્ઘાટન ઉપરાંત, દ આર્ટ ઓફ લિવિંગ દ્વારા આગામી વર્ષ માટે રાષ્ટ્રવ્યાપી સેવાના નવ ઈનિશિયેટિવ્ઝ પણ લોન્ચ કર્યા હતા. સંસ્થાના આ ઈનિશિયેટિવ્ઝમાં એકીકૃત ગ્રામ વિકાસ માટે રુરલ સ્માર્ટ વિલેજ સેન્ટર્સ; સંસ્થા દ્વારા સઘન વનીકરણના વિસ્તરણ મિશન ગ્રીન અર્થનો આગામી તબક્કો; આરોગ્યસંભાળ, શિક્ષણ અને જીવનનિર્વાહ પર કેન્દ્રિત ટ્રાઈબલ વેલ્ફેર મિશન; ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અને બાળવિકાસ કાર્યક્રમ; કચડાયેલા સમુદાયો માટે મફત શિક્ષણ; સ્વ અને સમાજ માટે યુવા સશક્તિકરણ; મહિલા સશક્તિકરણ અને એન્ટ્રેપ્રિન્યોરશિપ; 60,000 કેદીઓના લાભાર્થે જેલસુધારણા કાર્યક્રમનું વિસ્તરણ; અને અંતરિયાળ વિસ્તારોમાં ગુણવત્તાપૂર્ણ આરોગ્યસંભાળ પૂરી પાડવા નવ ટેલિમેડિસિન્સ કેન્દ્રોનો સમાવેશ થાય છે.
વડા પ્રધાન મોદીને આવકારતા આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે તાજેતરના વર્ષોમાં ભારતે નિહાળેલા પરિવર્તન અને સમગ્ર દેશમાં ઉભરેલી આત્મશ્રદ્ધાની ભાવના વિશે ઉષ્માસભર વાત કરી હતી. ગુરુદેવે જણાવ્યું હતું કે,‘ તમે દેશ અને વિશ્વમાં શાંતિ લાવવા માટેના પગલાં લીધા છે. આજે માતા ભારતી અને ભારતના લોકો ગર્વ સાથે ચાલી રહ્યા છે કારણકે તમે ભારતને નવા સ્તર પર લઈ ગયા છો.’

