હેરોમાં ‘કાન્તાની વાણી-સુખી જીવનની જડીબુટ્ટી’ પુસ્તકનું દબદબાભેર લોકાર્પણ

- કોકિલા પટેલ Wednesday 27th May 2026 06:04 EDT
 
 

ગુજરાતી પાઠ્ય પુસ્તકોમાં આપણે ગુજરાતના મહાકવિ ન્હાનાલાલ કવિની કવિતાઓ શીખ્યા છીએ અને સવારની પ્રાર્થનાઓમાં પણ ગાઇ ચૂક્યા છીએ. એ મહાકવિ ન્હાનાલાલનાં દોહિત્રી કાન્તાબેન પ્રભાકાન્ત પટેલથી મોટા ભાગના વાંચકો પરિચિત છે જ. યુગાન્ડાના કંપાલા અને મ્બાલેની પ્રાયમરી સ્કૂલમાં મિસ દવે તરીકે જાણીતાં કાન્તાબેન દવેના હાથ નીચે ઘણા વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવ્યું છે. આ કાન્તાબેન સાથે એમના વિદ્યાર્થી પ્રભાકાન્ત પટેલને ૬૦ વર્ષ પહેલાં પ્રેમ થઇ જતાં બન્ને જણ ૪૯ વર્ષ પહેલાં લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. કાન્તાબેન અને પ્રભાકાન્તભાઇ વચ્ચે ૧૮ વર્ષનો તફાવત હોવા છતાં આ પ્રણય બેલડી લગ્નજીવન દરમિયાન માંડ ૧૫ દિવસ જુદા રહ્યા હશે. એ માટે પ્રભાકાન્તભાઇ કહે છે કે પતિ-પત્ની બન્નેને એકબીજા માટે આદર, માન હોય અને જે તે સંજોગોમાં જતું કરવાની ભાવના હોય, ‘ફરગીવ' અને ફરગેટ' શબ્દને આત્મસાત કરી લીધો હોય તો દાંમ્પત્યજીવન સંગાથ અને સંગાથીનું સુખ અમાપ હોય છે.
ચારેક વર્ષ પહેલાં કાન્તાબેન પટેલે આપણા વચ્ચેથી ચિરવિદાય લઇ પ્રભુશરણે ચાલ્યાં ગયાં છે. પ્રભાકાન્તભાઇએ જીવનસાથી કાન્તાબેનની દૈહિક વિદાયને ભૂલ્યા વગર કાન્તાબેનની પ્રેમાળ યાદમાં જીવન ઉપયોગી વાંચન પ્રસાર કરવાની પ્રવૃત્તિ ચાલુ રાખીને કાન્તાબેનની સ્મૃતિને અખંડ રીતે જીવંત રાખી છે. કાન્તાબેન દેહથી આપણી વચ્ચે નથી પણ તેમના વિચારો થકી તેઓ જીવંત છે. એમના પતિશ્રી પ્રભાકાન્તભાઇએ "કાન્તાનું લખાણ વિખેરાઇ ના જાય" એ માટે જીવન ઉપયોગી વાંચન પ્રસાર કરવાની તેમની ગમતી પ્રવૃત્તિને ચાલુ રાખી કાન્તાબેન આપણી સાથે જ છે તેનો અહેસાસ કરાવે છે. કાન્તાબેનની યાદમાં પ્રભાકાન્તભાઇએ ૨૦૨૨માં 'in Loving Memory of’ કેલેન્ડર પ્રકાશિત કર્યું ત્યાર પછી ૨૦૨૪માં "કાન્તાની ડાયરી"નું સર્જન કર્યું. કાન્તાબેને વિવિધ વિષયો ઉપર ઘણાં પ્રવચનો આપેલાં એનું સંકલન કરી 'સુખી જીવનની જડીબુટ્ટી - કાન્તાની વાણી' પુસ્તક પ્રકાશિત કર્યું. જેનું "ગુજરાત સમાચાર' તથા એશિયન વોઇસ'ના નેતૃત્વ હેઠળ પ્રભાકાન્તભાઇ પટેલે ગયા રવિવાર, ૧૭ મે, ૨૦૨૬ના રોજ "વાણી વંદના" કાર્યક્રમ હેઠળ ભવ્ય સમારોહ યોજીને "કાન્તાની વાણી" પુસ્તકનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું.
હેરોના 'સંગત' એડવાઇઝ સેન્ટરમાં બપોરે ૪.૦૦ થી ૭.૦૦ દરમિયાન યોજાયેલા લોકાર્પણ સમારોહના મુખ્ય અતિથિ વિશેષ લોર્ડ ભીખુભાઇ પારેખ, ગુજરાત સમાચાર, એશિયન વોઇસના તંત્રીશ્રી સી.બી. પટેલ, બ્રેન્ટ બરોના કાઉન્સિલર હર્ષદભાઇ પટેલ, સંગત એડવાઇઝ સેન્ટરના કાન્તિ નાગડા, પ્રભાકાન્તભાઇ પટેલ તેમજ કાન્તાબેનના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વેમ્બલી સ્થિત સંગીત વિશારદ મીના ત્રિવેદીના સુમધુર કંઠે કાન્તાબેનના દાદાશ્રી મહાકવિ ન્હાનાલાલની રચના "અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યેતું લઇ જા, અને 'આ વસંત ખીલે શત પાંખડી હરિ આવોને' પ્રાર્થના સાથે કાર્યક્રમનો આરંભ થયો. ત્યારબાદ એશિયન પબ્લીકેશન ગ્રુપ, યુ.કે.ના હેડ ઓફ ઓપરેશન પૂજા રાવલે સૌનું સ્વાગત કરતાં જણાવ્યું કે, ‘ગુજરાત સમાચાર તથા એશિયન વોઇસની એક આગવી પરંપરા રહી છે કે આપણા સમૃધ્ધ ગુજરાતી સાહિત્યની ઉજજવળ પરંપરાને ઉજાગર કરવા સતત પ્રયત્નશીલ રહેવું. આજે પ્રભાકાન્તભાઇએ એમના પ્રિય પત્ની કાન્તાની પ્રભાવશાળી વાણીને સુખી જીવનની જડીબુટ્ટી તરીકે પ્રકાશિત કરી સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ આપી છે. આ સ્વર્ણિમ અવસરના ભાગીદાર થતાં આપ સૌનું સ્વાગત કરતાં હર્ષની લાગણી અનુભવું છું.’
 ગુજરાત સમાચારના કન્સલ્ટીંગ એડિટર કોકિલા પટેલે કાર્યક્રમનું સંચાલન કરતાં પહેલાં 'કાન્તાની વાણી'ના સંપાદક પ્રભાકાન્ત પટેલ જેઓ નાદુરસ્ત તબિયતને કારણે બોલીને એમના મનોભાવ રજૂ કરી શકે એમ ના હતા એટલે પ્રભાકાન્તે સ્વલિખિત પત્ર વાંચીને રજૂઆત કરી કે, વહાલા સ્વજનો, 'સુખી જીવનની જડીબુટ્ટી 'કાન્તાની વાણી' પુસ્તક તમારા સુધી પહોંચતા કરવાના આ અવસરે હર્ષની લાગણી અનુભવું છું. કાન્તાને લખવાનો શોખ છેક નાનપણથી જ હતો. જાહેર સમારંભમાં, પ્રાઇવેટ ગેટ-ટુ ગેધર હોય, કોઇના લગ્ન કે મેરેજ એનિવર્સરીમાં કે અન્ય કોઇ જગ્યાએ કાન્તાએ આપેલા અનેક પ્રવચનો વિવિધ વિષયો ઉપર આપ્યા તે માટે કાન્તા પૂર્વ તૈયારી ખુબ કરતી. તેના પોઇન્ટ બનાવતી. એ બધા પ્રવચનોનું સંકલન કરી ૨૦૨૬માં "કાન્તાની વાણી" આપ સહુ સુધી પહોંચાડવાનો મારા હૈયે ગૌરવ સાથે આનંદ છે." પ્રભાકાન્તના ભાવ પ્રગટ બાદ વેમ્બલી સ્થિત સ્વરકિન્નરી મીના ત્રિવેદીએ મધુર કંઠે મહાકવિ ન્હાનાલાલ રચિત "ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ" કાવ્ય રજૂ કર્યું ત્યારે સૌ કોઇ લાગણીસભર બની ગયા હતા.
કાન્તાબેનની "વાણી વંદના"ના આ આનંદ અવસરમાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ કાન્તાબેનના તમામ ચાહકોનું અભિવાદન કરતાં કોકિલા પટેલે જણાવ્યું કે, ગુજરાત સમાચાર તથા એશિયન વોઇસ દ્વારા આયોજિત 'વાણીવંદના'ના આ કાર્યક્રમમાં ''સુખી જીવનની જડીબુટ્ટી , કાન્તાની વાણી પુસ્તકના લોકાર્પણ સાથે સાથે તેમની જીવનયાત્રા, તેમના સંઘર્ષ, તેમને માણેલું જીવન, તેમને જાણેલું જીવન વિશે ઉપસ્થિત મહાનુભાવો રજૂઆત કરશે. કાન્તાબહેને તેમના આનંદિત જીવન સફર વિશે તેમના પ્રથમ પુસ્તક "વીણેલા ફૂલ"માં વર્ણન કર્યું છે, તેમના દ્વિતીય પુસ્તક સ્મૃતિના સરોવરમાં તેમના પરિવાર અને ગુજરાતી સાહિત્યના મોભી ગુજરાતના મહાકવિ તેમના દાદાજી ન્હાનાલાલની જીવન સફર વિશે લખ્યું છે, તેમનું ત્રીજુ પુસ્તક 'કાન્તાની ડાયરી"માં તેમના ચિંતન, મનનના લખાણથી ભરેલી બે ડાયરીમાંથી સંકલન કરી તેમના પતિશ્રી પ્રભાકાન્તભાઇએ પ્રકાશન કર્યું છે.
વાણી વંદના કાર્યક્રમ હેઠળ આપણે કાન્તાની વાણીનું લોકાર્પણ કરવા જઇ રહ્યા છીએ ત્યારે સભામાં ઉપસ્થિત કેટલાક આમંત્રિતોને કાન્તાબહેન સ્વભાવે કેવા હતા, એમનું વ્યક્તિત્વ કેવું હતું એવો પ્રશ્ન થાય? કાન્તાબેન પ્રભાકાન્તભાઇ સાથે મારે પાંત્રીસેક વર્ષથી માત્ર પરિચય જ નહીં પણ ઘર જેવો સંબંધ. કાન્તાબેન પોતે ઉત્સાહથી ભરપૂર જીવ. કોઇ વ્યક્તિ નિરાસા કે હતાશાની પળોમાં મળે તો એ રિચાર્જ થઇ જાય તેવી એમની પોઝીટીવ ઉર્જા. મહાકવિ ન્હાનાલાલની છત્રછાયા હેઠળ ઉછરેલા કાન્તાબેનમાં સંવેદનશીલ અને વિચારશીલતા બન્ને સાથોસાથ મહોરી રહ્યાં હતાં. કાન્તાબેન એટલે જીવન ઘડતરમાં કામ આવે એવી વાતો દ્વારા અનેકને પ્રેરક બનનારાં સન્નારી. યુગાન્ડાના કંપાલા અને મ્બાલેમાં શૈક્ષણિક કારકિર્દી દરમિયાન તેમણે સાંસ્કૃતિક અને નાટયક્ષેત્રે પ્રસંશનીય અનુદાન પ્રદાન કર્યું છે. કાન્તાબેન ૯૫ વર્ષની ઉંમરે હતાં ત્યારે તેમના દાદાજીની સ્મૃતિને તાદ્રશ્ય કરતું પુસ્તક સ્મૃતિના સરોવરની ભેટ આપી નિવૃત થઇને નિરસ જીવન જીવનારાઓને હકારાત્મક મનોવલણ રાખવાનો સંદેશ આપ્યો છે. તેઓ આયુષ્યના છેલ્લા દિવસો સુધી સક્રિય રહ્યાં, અવસાન પામ્યા એના એક વીક પહેલાં પણ તેઓ કાર્યરત રહ્યાં એવાં કર્મનિષ્ઠ હતાં. કાન્તાની વાણી પુસ્તકને તમે કાળજી પૂર્વક વાંચી જશો તો તમારા જીવનમાં કૌટુંબિક સંબંધો એ સૌ માટે નવો આદર, નવા પ્રેમ જાગશે. જીવનના રહસ્યોનો તાગ પામી જીવતરને ધ્યેયલક્ષી બનાવવામાં 'કાન્તાની વાણી' પુસ્તક તમને માર્ગદર્શક બનશે.
પોર્ટસમથથી ખાસ અતિથિ વિશેષ તરીકે પધારેલા લોર્ડ ભીખુભાઇ પારેખે જણાવ્યું કે, 'દરેક લેખનનો હેતુ જુદો જુદો હોઇ શકે. કોઇ મનોરંજન કરાવે, કોઇ માહિતી આપે તો કેટલુંક લખાણ જીવન વિદ્યા કે જીવન જીવવાનો અભિગમ આપી જાય.'કાન્તા વાણી - જીવન જીવવાની જડીબુટ્ટી' પુસ્તક અને દાદાજી મહાકવિ ન્હાનાલાલની સ્મૃતિ તાજી કરતું કાન્તાબેન લિખિત પુસ્તક "સ્મૃતિના સરોવર" અને પ્રભાકાન્તના સથવારે જીવન સફરની યાદો રૂપી પુષ્પોને એકત્રિત કરતું "વીણેલાં ફૂલ" પુસ્તક મેં જોયાં, વાંચ્યા અને એમાંથી કાન્તાબેન અને પ્રભાકાન્તનો મને પરિચય થયો. ‘કાન્તાની વાણી' પુસ્તકમાં ખરેખર કાન્તાબેનના જીવનના ઉમદા વિચારો પ્રદર્શિત કરે છે.’
કાન્તાબેન અને પ્રભાકાન્ત સાથે વર્ષોથી ઘરોબો ધરાવતા ગુજરાત સમાચારના તંત્રી શ્રી સી.બી.પટેલે જણાવ્યું કે, 'કાન્તાબેન અને પ્રભાકાન્ત સાથે મારે વર્ષોનો સંબંધ. આ એક યુનિક દંપતિ કહી શકાય. ‘૭૦ના દાયકામાં પરિવાર અને સમાજનો વિરોધ હોવા છતાં લગ્ન કરી ૪૯ વર્ષ આનંદમયી સહજીવન માણ્યું. નોકરી, વ્યવસાય, ફરજરૂપે થયેલી કુટુંબ સેવા અને સમાજઋણ રૂપે જનસેવામાં આ દંપતિએ પ્રસંશનીય સેવા અદા કરી છે. ગુજરાતની જરૂરતમંદ સંસ્થાઓને માતબર સેવા અપર્ણ કરી છે. પ્રભાકાન્તના માતુશ્રી ચંચળબા અલ્જાઇમરથી પીડાતાં હતાં ત્યારે કાન્તાબેન પ્રભાકાન્તે પોતાની ફરજ સમજી સાસુમાની ખૂબ કાળજી રાખી હતી.લંડનમાં યોજાતા સાંસ્કૃતિક, સામાજીક કે ધાર્મિક કાર્યક્રમો અથવા કોઇની પ્રાઇવેટ પાર્ટીઓ હોય તેમાં આ દંપતિ અચૂક હાજરી આપતા એટલું જ નહિ પણ બન્ને well dress તૈયાર થયેલા હોય'.
કાઉન્સિલર હર્ષદભાઇ પટેલે જણાવ્યું કે, ‘હું કાન્તાબેન અને પ્રભાકાન્તનો વર્ષોથી પરિચિત છું. પ્રભાકાન્ત અમારા સત્તાવીશ પાટીદાર સમાજના પાળજના મૂળવતની છે. શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટના લાભાર્થે યોજાયેલ નૃત્યનાટિકાઓ 'કુંવરબાઇનું મામેરૂ', નરસૈયો ભક્ત હરિનો' એમાં કાન્તાબેન ભાગ લેનાર દિકરીઓને ખૂબ પ્રોત્સાહિત કરતાં એટલું જ નહિ કલાકાર માટે કોઇ અલંકાર કે ડ્રેસ સજાવટમાં અડચણ ઉભી થાય તો કાન્તાબેન ખૂબ મદદરૂપ થતાં. કાન્તાબેન યુગાન્ડામાં ગરબાના ઘડા જાતે પેઇન્ટ કરતાં. એજ રીતે એમની સાડીઓ અને પ્રભાકાન્તની ટાઇ ઉપર સુંદર પેઇન્ટીંગ કરતાં. એમાંની એક ટાઇ મને ભેટ આપી છે એ સંભારણા રૂપી ટાઇ હું આજે પહેરીને આજના કાર્યક્રમમાં આવ્યો છું.આ ઉપરાંત નૃત્યનાટિકાનું કોમ્પેરીંગ પણ કરતાં.’ ભારતીબેન પંકજ વોરાએ એમના વકતવ્યમાં કહ્યું કે, ‘આજે આપણે માત્ર એક પુસ્તકના વિમોચન માટે ભેગા થયા નથી.આજે આપણે એક એવા દાંપત્યના સાક્ષી બની રહ્યા છીએ,જ્યાં શબ્દો માત્ર લખાયા નથી — જીવાયા છે. પ્રભાકાંતભાઈ અને સ્વર્ગસ્થ કાન્તાબેનનો સંબંધ એવો લાગે છે કે જાણે એમનો મેળ ઉપરથી જ લખાઈ આવ્યો હોય. એ જ ભાવને સ્પર્શતી મારી એક પંક્તિ આજે યાદ આવે છે: “તું મને ન મળત તો હું મને કેમ કળત?તું મને ન મળત તો સપના મારા ક્યાં ફળત?” આજે “કાન્તાની વાણી — સુખી જીવનની જડીબુટ્ટી”ના વિમોચન પ્રસંગે આ પંક્તિઓ વધુ અર્થસભર લાગે છે. કાન્તાબેન જ્યારે Ugandaના Kampala શહેરમાં આવ્યા, ત્યારે તેઓ કવિશ્રી નાનાલાલ દવેના પૌત્રી તરીકે શબ્દોની પરંપરા, સંસ્કાર અને સંવેદનાનો વારસો લઈને આવ્યા હતા. મને આજે પણ યાદ છે —1965માં Kampalaના એક ભવ્ય હોલમાં મેં તેમને પ્રથમવાર જોયા હતા. તેઓ નાટકના એક પાત્રમાં એટલા ઓતપ્રોત થઈ ગયા હતા કે માત્ર અભિનય નહોતો દેખાતો —જીવન બોલતું લાગતું હતું. ત્યારથી લઈને આજ સુધી કાન્તાબેને ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે સતત કાર્ય કર્યું. અને આજે પણ એ દિવો પ્રભાકાંતભાઈ બુઝાવવા દેતા નથી. આ દંપતીએ દામ્પત્યને માત્ર સંબંધ તરીકે નહીં, પણ સહયાત્રા તરીકે જીવ્યું. એટલે “કાન્તાની વાણી — સુખી જીવનની જડીબુટ્ટી” માત્ર પુસ્તક નથી; તે એક જીવનસંગિનીના અનુભવ, સંસ્કાર, લાગણી અને જીવનજ્ઞાનનો વારસો છે.’ ગુજરાત સમાચારના કન્સલ્ટીંગ એડિટર જયોત્સનાબેન શાહે જણાવ્યું કે, ‘આજનો પ્રસંગ 'કાન્તાની વાણી'ના લોકાર્પણ સાથે એમના ગુણાનુવાદનો પણ છે. કાન્તાબેન એક એવી વ્યક્તિ હતાં જેમને મળતાંજ આત્મીય ભાવ જાગે. એમના જીવનના પાસાંઓમાં સૌથી ધ્યાનાકર્ષક હોય તો એમનું દામ્પત્યજીવન. લાખ્ખોમાં એક આવું સહચર્ય જોવા મળે. અમે સ્કૂલમાં ભણતા ત્યારે સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સઘળા કામ… કવિતા ગાતાં એની પ્રતિકૃતિ એટલે એમનું દાંમ્પત્યજીવન. એમનો જન્મ અમદાવાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૨૫ના રોજ માતા વનિતાબા અને પિતા કેશવલાલ દેવરામ દવેને ત્યાં. નાની વયમાં માતાનું છત્ર ગુમાવતાં મોસાળમાં એ જમાનાના ગુજરાતી સાહિત્ય જગતના મહાકવિ ન્હાનાલાલ દલપતરામ અને નાની માણેકબાની છત્રછાયામાં એમનું ઘડતર થયું. એ જમાનામાં કન્યા કેળવણીને સ્થાન નહતું ત્યારે કાન્તાબહેને એમ.એ; બી.એડ સુધીનું શિક્ષણ મેળવેલું. આફ્રિકામાં કંપાલા, મ્બાલેમાં શિક્ષિકા તરીકેની નોકરી કરી. વિકટ સંજોગોમાં ટકવાની હામ સાથે પરંપરા, રૂઢિઓ અને માર્ગમાં આવતા તમામ અવરોધોને પાર કરીને કાન્તાબહેને પ્રભાકાન્ત પટેલ સાથે જીવન સફરનો આરંભ કર્યો હતો. એમના વિદ્યાર્થી પ્રભાકાન્તે લગ્ન કરવાના તેમના માતાપિતાના પ્રસ્તાવને નકારી કહી દીધું હતું કે, “મારે તો મેડમ મિસ દવે ને સાચાવવાના છે. અને ૮ જાન્યુ. ૧૯૭૦ના રોજ કાન્તા મેડમને સમર્પિત પતિ પ્રભાકાન્તે ખુમારીભેર દાંમ્પત્યજીવનને માણ્યું.’ યુગાન્ડાના મ્બાલેની પ્રાયમરી સ્કૂલમાં કાન્તા મેડમના હાથ નીચે શૈક્ષણિક અને કલા સંસ્કૃતિનું ઘડતર થયું છે એવા એક વિદ્યાર્થી જે આજે બ્રાયટનમાં મેડિકલ ડોકટર તરીકે ફરજ બજાવે છે એ ડો. મિલિન્દ જાનીએ જણાવ્યું કે, 'હું ૬-૭ વર્ષનો હતો ત્યારે મ્બાલેની પ્રાયમરી સ્કૂલમાં ભણતો. મારા પિતાશ્રી રસિકલાલ જાની અને કાન્તા મેડમ સહકાર્યકર હતાં. શાળાના દરેક વિદ્યાર્થી ઉપર કાન્તા મેડમ ખૂબ સ્નેહ રાખતાં. મારા શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસમાં કાન્તા મેડમનો બહુ મોટો ફાળો છે એમ કહું તો અતિશયોક્તિ નથી. મને ગુજરાતી ભાષા, સાહિત્ય, વકતૃત્વ, સ્ટેજ પરફોમન્સ, નાટ્ય અભિનય, નૃત્યનાટિકા, રાસગરબા એવી અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તૈયાર કરતાં. મેડમે આપેલી એ તાલીમ આગળ જતાં મારા સર્વવ્યાપી વિકાસમાં વણાઇ ગઇ.હું ડોકટરના વ્યવસાયમાં ગયો તેમછતાં આ બધી પ્રવૃત્તિઓ મારા જીવનમાં ખીલતી જ રહી. અમે યુ.કે.માં પણ સતત કાન્તા મેડમના સતત સંપર્કમાં રહેતા.’ યુગાન્ડાના કંપાલામાં અનેકવિધ ક્ષેત્રે સક્રિય રહેલા કાન્તિ નાગડા MBEએ જણાવ્યું કે, મેં કાન્તાબેનના હાથ નીચે શિક્ષણ લીધું નથી પણ કંપાલામાં નાટ્યક્ષેત્રે અથવા ગરબા-રાસ સ્પર્ધા કે અન્ય સાંસ્કૃતિક અને સામાજીક પ્રવૃત્તિઓ થતી ત્યારે કાન્તાબેનનો સંપર્ક થતો.” “વાણી વંદના"ના આ કાર્યક્રમ દરમિયાન દરેક વક્તાના વક્તવ્ય વચ્ચે પ્રભાકાન્ત અને કાન્તાબેનને અતિપ્રિય જૂનાં ફિલ્મી ગીતો મીના ત્રિવેદી ખૂબ જ મધૂર સ્વરે રજૂ કરતાં હતાં જેથી સભામાં ઉપસ્થિત સૌ કોઇએ કાર્યક્રમને ભરપૂર આનંદ સાથે માણ્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ પ્રસંગી કેટરર્સના પૂરણપોળી, ખમણ, પૂરી, શાક દાળ,ભાત કઢી સાથે સ્વાદિષ્ટ ભોજનનો રસાસ્વાદ માણ્યો હતો.
‘કાન્તાની વાણી’ પુસ્તક લોકાર્પણ કાર્યક્રમની બોલતી તસવીરો કેમેરામાં ઝડપનાર જાણીતા સાહિત્યરસિક, પત્રકાર શરદભાઇ રાવલનો કોકિલા પટેલે સહ્દય આભાર વ્યક્ત કર્યો હતો. "કાન્તાની વાણી" પુસ્તકનું પ્રકાશન કરનાર મુંબઇના ઉમંગ પબ્લીકેશનના ચંદ્રકાન્ત ખત્રીનો પ્રભાકાન્ત પટલે સહ્દય આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના અંતે લોર્ડ ભીખુભાઇ પારેખે કોકિલા પટેલ અને એમની ટીમને અભિનંદન આપતાં કહ્યું કે,” તમે વક્તાઓની સ્પીચ સાથે આ ૫૦-૬૦ વર્ષ જૂની હિન્દી ફિલ્મી ગીતોનું બહુ સુંદર આયોજન કર્યું એથી ખૂબ મઝા આવી. મીનાબેનના કંઠે રજૂ થયેલા ફિલ્મી ગીતો સાંભળી મને મારો યુવાનીનો ભૂતકાળ તાજો થયો. કોલેજમાં હું હતો ત્યારે અમે આવા જ ગીતો ગાતા. આવા પ્રોગ્રામ કરતા રહેજો’
(Photo Courtsey: Sharad Raval)

‘કાન્તાની વાણી- સુખી જીવનની જડીબુટ્ટી’
પુસ્તક જે કોઇ વાંચક ભાઇ-બહેનોને વાંચવું હોય તેઓએ
પ્રભાકાન્ત પટેલનો સંપર્ક કરવો.
'Kanta ni Vaani’ Book price £5
Please contact: Mr Prabhakant Patel
M: 07769 571305


comments powered by Disqus