બેઇજિંગઃ ચીનની સેનાના સૌથી શક્તિશાળી જનરલ ઝાંગ યુશ્યા અને રણનીતિ પ્રમુખ લ્યૂ ઝેનલી હાલ તપાસના ઘેરામાં છે. બંનેની ધરપકડ કરવામાં આવી ત્યારે સત્તાવાર રીતે કહેવાયું હતું કે તેમને ભ્રષ્ટાચાર અને શિસ્તભંગના કેસમાં પકડવામાં આવ્યા છે. સરકારી મીડિયાએ તેને સૈન્ય સુધાર અને સાફસફાઈ અભિયાન તરીકે રજૂ કર્યું હતું. જો કે સમગ્ર દુનિયા જાણે છે કે ચીનમાંથી સત્ય સરળતાથી સામે નથી આવતું. તેવા લોકો જેઓ ચીનના કોમ્યુનિસ્ટ શાસનને છોડીને બહાર નીકળી ગયા છે તેઓ પોતાનાં સૂત્રોના માધ્યમથી બિલકુલ અલગ અને વધારે ખતરનાક તસવીર રજૂ કરી રહ્યા છે.
કેનેડામાં રહેતાં ચીની લેખિકા શેંગ શુએ પણ તે પૈકી એક છે. તેમણે તાજેતરમાં જ પોતાના એક સૂત્રના હવાલાથી જણાવ્યું હતું કે, શી જિનપિંગની સત્તાને ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો, જે નિષ્ફળ રહ્યો હતો. શેંગ શુએ અનુસાર 18 જાન્યુઆરીની સાંજે ઝાંગ યુશ્યા અને લ્યૂ ઝેનલી શી જિનપિંગ વિરુદ્ધ કાર્યવાહીની તૈયારીમાં હતા. તે દિવસે જિનપિંગ પશ્ચિમ બેઇજિંગની જિંગશી હોટેલમાં રોકાવાના હતા. તાજેતરનાં વર્ષોમાં જિનપિંગનું કોઈ નક્કી નિવાસ નથી હોતું. તેઓ દર થોડા દિવસે પોતાની જગ્યા બદલે છે, જેથી કરીને તેમની ગતિવિધિ પર નજર રાખવી મુશ્કેલ થઈ જાય છે અને તે કારણે જ ઝાંગ યુશ્યાને લાગ્યું હતું કે, જિંગશી હોટેલ જ સારી તક છે. યોજના હતી કે તે રાત્રે જ શી જિનપિંગની ધરપકડ કરી લેવામાં આવે અને સત્તાનું સંતુલન બદલી નાખવામાં આવે.
ઝાંગ અને સહયોગીઓને ઝડપી લેવાયા
ઘટનાની તરત બાદ જનરલ ઝાંગ યુશ્યા અને લ્યૂ ઝેનલીની ધરપકડ કરી લેવાઈ હતી. તેમના પરિવારના લોકોની પણ તે રાત્રે જ અટકાયત કરાઈ હતી. બાહ્ય વિશ્વને આ ઘટનાક્રમ વિશે કંઈ જણાવાયું નથી, પરંતુ થોડા દિવસ બાદ જ અચાનક સરકારી જાહેરાત આવી હતી કે ઝાંગ યુશ્યા અને ઝેનલી શિસ્ત અને કાયદાના ગભીર ભંગના આરોપી છે. અહેવાલો અનુસાર આટલી ઝડપથી સાર્વજનિક જાહેરાત આ વાતનો સંકેત હતો કે શી જિનપિંગ સ્થિતિને તરત જ કાબૂમાં હોવાનું બતાવવા માગતા હતા અને કોઈપણ પ્રકારની અફવાને દબાવી દેવા માગતા હતા.

