પ્રજાસત્તાક દિનની પરેડઃ લોકતાંત્રિક અને મજબૂત ભારતનું પ્રતીક

Wednesday 28th January 2026 05:21 EST
 

26 જાન્યુઆરીના રોજ યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડનું આઝાદ ભારતના ઇતિહાસમાં અનેરું મહત્વ છે. અગાઉના રાજપથ અને હવે કર્તવ્ય પથ પર યોજાતી આ પરેડ લોકતાંત્રિક ભારત દેશનું પ્રતીક કહી શકાય. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતે પોતાનું બંધારણ સ્વીકાર્યું અને 77 વર્ષથી સમગ્ર દેશનું સંચાલન અને વહીવટ આ બંધારણના આધારે જ થતું રહ્યું. આ પરેડ દ્વારા સમગ્ર વિશ્વને ભારતની મજબૂત લોકશાહી, સૈનિક ક્ષમતા, વૈજ્ઞાનિક સિદ્ધીઓની સાથે સાથે ભારતની વૈવિધ્યતાનો પણ સંદેશ પાઠવવામાં આવે છે.
પ્રજાસત્તાક દિવસની પરેડ દ્વારા સરકાર દ્વારા ભારતની જનતાને પણ દેશની સ્વાયત્તતાનો વિશ્વાસ અપાવવામાં આવે છે. દેશને ખાતરી આપવામાં આવે છે કે જનતા દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા ઘડાતા કાયદાઓ દ્વારા દેશનું શાસન ચલાવવામાં આવે છે. પરેડના આયોજન દ્વારા બંધારણ અને વાણી સ્વતંત્રતા, ન્યાય, સમાનતા જેવા આદર્શોને દેશ દ્વારા સન્માનિત કરાય છે.
પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભારતના સશસ્ત્ર દળોની ક્ષમતાઓનું પ્રદર્શન કરવાનું પણ માધ્યમ બની રહે છે. તેના દ્વારા ભારત પ્રત્યે દુશ્મની સેવતા દેશો સહિત સમગ્ર વિશ્વને સંદેશ પાઠવવામાં આવે છે કે ભારતના સાર્વભૌમત્વ સાથે કોઇ પ્રકારે સમાધાન કરાશે નહીં. પરેડમાં પ્રદર્શિત સૈનિક ક્ષમતા દેશની જનતાને પણ વિશ્વાસ અપાવે છે કે દેશની સરહદો સુરક્ષિત છે. પરેડમાં અર્ધલશ્કરી દળો, પોલીસ અને અન્ય એજન્સીઓનો સમાવેશ દેશની આંતરિક સુરક્ષાની મજબૂતાઇનું પણ પ્રદર્શન બની રહે છે.
પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતાના પણ દર્શન થાય છે. વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા પ્રાદેશિક સંસ્કૃતિ, પરંપરાઓ, તહેવારો અને સિદ્ધીઓની રજૂઆત કરવામાં આવે છે. પરેડમાં તેમના સમાવેશને પગલે દેશમાં સામાજિક, પ્રાદેશિક અને ધાર્મિક એકતાને વેગ મળે છે અને જનતા અન્ય રાજ્યોની સંસ્કૃતિથી અવગત થઇ શકે છે.
પ્રજાસત્તાક દિવસની પરેડ નાગરિકોમાં દેશભક્તિનો સંચાર કરે છે. યુવા પેઢીને રાષ્ટ્રીય પ્રતિકોના સન્માન, બંધારણીય મૂલ્યોને અનુસરવાની પ્રેરણા મળવાની સાથે સાથે દેશના વિકાસમાં સકારાત્મક યોગદાન આપવાનું બળ મળી રહે છે.
ભારત ફક્ત ઉજવણી માટે જ પ્રજાસત્તાક દિવસની પરેડનું આયોજન કરતો નથી. તેના દ્વારા વિશ્વને સંદેશ જાય છે કે દેશનો લોકતાંત્રિક પાયો કેટલો મજબૂત છે. દેશમાં વૈવિધ્યતા છતાં એક તાંતણે બંધાયેલો છે. દેશની સરહદો પર ખરાબ નજર નાખનારને જડબાતોડ જવાબ આપવા માટે દેશ સુસજ્જ છે.


comments powered by Disqus