ભારત અંતરીક્ષમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે

સંક્ષિપ્ત સમાચાર

Wednesday 28th January 2026 05:48 EST
 
 

ઇસરોએ અવકાશમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન ભારતીય અંતરીક્ષ સ્ટેશન (BAS)નો પાથો નાખવાની કામગીરી શરૂ કરી છે. તેના પ્રોજેક્ટમાં સામેલ થવા માટે દેશના ઉદ્યોગક્ષેત્ર અને જાણીતી અનુભવી કંપનીઓને આમંત્રણ અપાયું છે.

• ઓપરેશન સિંદૂરનું નિવેદન પાર્ટીલાઇનમાં જ આપ્યુંઃ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ઓપરેશન સિંદૂર મુદ્દે દૃઢ વલણ અપનાવ્યું હતું. ઓપરેશન સિંદૂરના પક્ષમાં આજેપણ તેઓ પશ્વાતાપ વિના પોતાના વલણ પર તેઓ કાયમ છે. હાલમાં અટકળો ચાલી રહી છે કે પક્ષના નેતૃત્વ સાથે તેમનો મતભેદ છે.

• પંજાબમાં રેલવેટ્રેક પર વિસ્ફોટઃ પ્રજાસત્તાક દિન પહેલાં પંજાબના ફતેહગઢ સાહિબના સરહિંદમાં રેલવેલાઇન પર જોરદાર વિસ્ફોટ થવાના કારણે ગુડ્સ ટ્રેનના એક એન્જિનને નુકસાન થયુંુ હતું, જેમાં લોકો પાઇલટ ઘવાયો છે. વિસ્ફોટ માટે RDXનો ઉપયોગ કરાયો હોવાની તપાસ ચાલી રહી છે.

• છત્તીસગઢના પૂર્વ સીએમ સામે કેસ ચાલશેઃ 2017ના પોર્નોગ્રાફિક વીડિયો કેસમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને આપવામાં આવેલા ડિસ્ચાર્જને સીબીઆઇની એક ખાસ કોર્ટે રદ કરી દીધો છે. બઘેલ હવે ટ્રાયલનો સામનો કરશે. આ કેસમાં પૂર્વ મંત્રી રાજેશ મુનાતનો સમાવેશ થાય છે. કોર્ટે બઘેલ અને અન્ય આરોપીઓની અપીલ ફગાવી દીધી હતી.

• છત્તીસગઢમાં 10 ટનના પુલની ચોરીઃ છત્તીસગઢના કોરબા શહેરમાં ચોરોએ 70 ફૂટ લાંબા અને 5 ફૂટ પહોળા પુલની ચોરી કરી લીધી. 4 દસકા જૂનો પુલ ગાયબ થઈ જતાં પોલીસને જાણ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આખો પુલ લોખંડથી બનેલો હોવાથી તેની રાતોરાત ચોરી કરી લેવાઈ છે.

• ભારતે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ઘટાડીઃ અમેરિકાએ ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદતાં ભારતીય કંપનીઓએ હવે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ઓછું કર્યું છે અને નવા સ્રોતો શોધાઈ રહ્યાં છે. એક અહેવાલ અનુસાર ભારતે 2 વર્ષ પછી ગુયાના પાસેથી કાચા તેલની પહેલી શિપમેન્ટ લીધી છે.

• ખામેનેઈ બંકરમાં ઉતરી ગયાઃ અમેરિકાના સંભવિત હુમલાના સંકટને જોતાં આયતુલ્લાહ અલી ખામેનેઈ ભૂગર્ભમાં આવેલા બંકરમાં ઉતરી ગયા છે. ખામેનેઈના ત્રીજા પુત્ર મસૂદ ખામેનેઇએ પિતાના કાર્યાલયના દૈનિક કામકાજને જોવાનું શરૂ કરી દીધું છે.

• બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુને સળગાવાયોઃ નરસિંદી જિલ્લામાં એક હિન્દુ યુવકને જીવતો સળગાવીને હત્યા કરી દેવાઈ. શુક્રવારે રાત્રે એક દુકાનની અંદર 25 વર્ષીય ચંચલ ચંદ્ર ભૌમિકનો સળગેલો મૃતદેહ મળી આવ્યો હતો.

• પાકિસ્તાની ક્રિકેટર્સે પોન્ઝી સ્કીમમાં રૂ. 100 કરોડ ગુમાવ્યાઃ પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમ, મોહંમદ રિઝવાન અને ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી સાથે પોન્ઝી સ્કીમ દ્વારા લગભગ રૂ. 100 કરોડ પાકિસ્તાની રૂપિયાની છેતરપિંડી થઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આ મામલે તપાસ શરૂ કરી છે.

• યુનુસ બાંગ્લાદેશને આતંકની આગમાં ધકેલી રહ્યા છેઃ શેખ હસીનાએ દિલ્હીથી બાંગ્લાદેશની વચગાળાની સરકાર અને વિરોધીઓને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, હત્યારા અને ફાસીવાદી મોહંમદ યુનુસ બાંગ્લાદેશને આતંકની આગમાં ધકેલી રહ્યા છે.

• પાકિસ્તાનના રક્ષામંત્રી દ્વારા નકલી ‘પિત્ઝા હટ’નું ઉદઘાટનઃ પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે સિયાલકોટ કેન્ટોન્મેન્ટમાં પિત્ઝા હટ બ્રાન્ડના નામે ચાલતા એક આઉટલેટનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ થોડા કલાકોમાં જ પિત્ઝા હટ કંપનીએ જાહેરાત કરવી પડી કે, આ આઉટલેટ ‘નકલી’ છે.

• જાપાનના વડાપ્રધાન તકાઇચી સંસદ ભંગ કરીઃ જાપાનના વડાપ્રધાન સાને તકાઇચીએ શુક્રવારે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ (નીચલા ગૃહ)નું વિસર્જન કર્યું અને 8 ફેબ્રુઆરીએ નિર્ધારિત સમય પહેલાં સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી હતી. નિયમિત સંસદીય સત્રની શરૂઆતમાં આ વિસર્જન લગભગ 60 વર્ષમાં આ પ્રકારનું પ્રથમ ઉદાહરણ છે.


comments powered by Disqus