યુકે અને અમેરિકાના સંબંધો પર ટ્રમ્પ નામનું ગ્રહણ

Wednesday 28th January 2026 05:22 EST
 

ગ્રીનલેન્ડ, ચાગોસ ટાપુઓ અને અફઘાનિસ્તાનમાં નાટો સૈનિકોની ભુમિકા પર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો અને પગલાંએ યુનાઇટેડ કિંગડમ અને યુએસએ વચ્ચેના સંબંધોને નવા તળિયા પર લાવી દીધાં છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ જે રીતે યુકે સહિત વિશ્વના દેશો સાથે અપમાનજનક વર્તન કરી રહ્યાં છે તે જોતાં બંને દેશ વચ્ચેના દાયકાઓ જૂના સંબંધો અને મિત્રતા પર ગ્રહણ લાગી ગયું છે.
યુકે અને અમેરિકા વચ્ચેના સંબંધો અત્યંત વિશેષ રહ્યાં છે. તેના મૂળ સહિયારા ઇતિહાસ, ભાષા, લોકતાંત્રિક મૂલ્યો, સુરક્ષા અને વેપારમાં સહકારમાં રહેલા છે પરંતુ તાજેતરના વર્ષોમાં અને ટ્રમ્પના બીજીવાર સત્તામાં આવ્યા પછી આ સંબંધો સતત કથળતાં રહ્યાં છે. ટ્રમ્પ અમેરિકાના હિતોને પ્રાથમિકતા આપીને યુકેને પણ વિશ્વના અન્ય દેશોની સાથે એક જ લાકડીથી હાંકી રહ્યાં છે. તેથી મહત્વનો સવાલ એ છે કે શું યુકે અને અમેરિકાની મિત્રતા, ભાગીદારીના વળતા પાણી થઇ
રહ્યાં છે....?
રશિયા-યુક્રેન યુદ્ધમાં ટ્રમ્પનું પુતિન પ્રત્યેનું કુણું વલણ, યુકેની ચાગોસ ટાપુઓ અંગેની સંધિમાં અડિંગો, ગ્રીન લેન્ડ પર કબજો જમાવવાના ટ્રમ્પના ધમપછાડા, નાટો સામે બાંયો ચડાવવી અને નાટોને અપમાનિત કરતા અમેરિકી પ્રમુખનુ વલણ યુકે સાથેના સંબંધોમા કડવાશ વધારી રહ્યા છે.
બ્રેક્ઝિટ પણ એક જટિલ મુદ્દો રહ્યો છે. અમેરિકા સાથેના વેપાર અને વ્યૂહાત્મક સંબંધો મજબૂત બનાવવાના ઇરાદાથી યુકેના શાસકોએ યુરોપિયન સંઘ સાથે છેડો ફાડ્યો હતો પરંતુ હવે બ્રેક્ઝિટ પણ યુકેના ગળામાંનું હાડકું બની ગયું છે અને યુકેને જટિલ રાજદ્વારી સ્થિતિમાં લાવીને મૂકી દીધો છે. ટ્રમ્પે વેપાર મામલામાં ટેરિફ લાદીને યુકેનું નાક દબાવ્યું અને પોતાની શરતોએ વેપાર કરવા મજબૂર કર્યાં અને હવે યુરોપિયન સંઘ સાથે પણ વેપાર કરાર કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છે તે જોતાં એમ લાગી રહ્યું છે કે વોશિંગ્ટનમાં યુકેનો પ્રભાવ હવે પહેલાં જેવો રહ્યો નથી. ટ્રમ્પના વલણને કારણે હવે સ્પષ્ટ બની રહ્યું છે કે યુકે હવે અમેરિકાનો પહેલા જેવો ભાગીદાર દેશ રહ્યો નથી.
હજુ યુકે અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ સંબંધો મજબૂત છે પરંતુ ટ્રમ્પ નાટો માટે પણ પડકારજનક બની રહ્યાં છે. તેઓ સતત યુકે અને નાટોના સાથી દેશો પર સંરક્ષણ બજેટ વધારવા દબાણ કરી રહ્યાં છે. બીજીતરફ યુકે ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. ટ્રમ્પની માગણી પ્રમાણે યુકે તેના સંરક્ષણ બજેટમા વધારો કરવાની હાલ તો ક્ષમતા ધરાવતો નથી. ટ્રમ્પ દ્વારા અપાતી ધમકીઓમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે બંને દેશ વચ્ચેનો સંરક્ષણ સહકાર લાંબા ગાળા સુધી ટકી રહેશે કે કેમ તે પણ એક મહત્વનો સવાલ છે. એકતરફ યુકે અને યુરોપના દેશો રશિયન જોખમનો સામનો કરી રહ્યાં છે ત્યારે ટ્રમ્પ રશિયાના પુતિન સામે આકરું વલણ અપનાવી રહ્યાં નથી. આવી સ્થિતિમાં બંને દેશ વચ્ચેના વિશ્વાસમાં ઘટાડો થઇ રહ્યો છે.
આમ યુકે અને યુએસએ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો હાલ ઘણા પડકારોનો સામનો કરી રહ્યાં છે. એકદમથી એવું કહેવું કે બંને દેશ વચ્ચેના સંબંધ લાંબોસમય ટકી શકે તેમ નથી તે તો યોગ્ય નહી ગણાય પરંતુ તેમાં લૂણો લાગી ચૂક્યો છે તે સ્પષ્ટ છે. બંને દેશ સંસ્થાગત રીતે ગાઢ રીતે સંકળાયેલા છે પરંતુ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા જે રીતે વૈશ્વિક સંસ્થાઓ સાથે છેડો ફાડી રહ્યાં છે તે બાબત યુકે સાથેના સંબંધો પર પણ વિપરિત અસર કરી રહી છે. યુકે અને અમેરિકા વચ્ચે એક ઐતિહાસિક જોડાણ છે પરંતુ તાજેતરના ઘટનાક્રમને જોતાં એમ લાગી રહ્યું છે કે લાંબાગાળાના ઐતિહાસિક સંબંધો પર પણ આધાર રાખી શકાય નહીં. તેને સક્રિય રીતે નિભાવવા પડે છે, એકબીજાનું સન્માન જાળવતા તેને પુનઃ વ્યાખ્યાયિત કરતાં રહેવું પડે છે. જેનો આજે યુકે અને અમેરિકાના સંબંધોમાં અભાવ જોવા મળી રહ્યો છે. એટલું તો કહી જ શકાય કે આજે બંને દેશ વચ્ચેના સંબંધ ચૌરાહા પર આવીને અટકી ગયાં છે. કાળજીપુર્વકની કૂટનીતિ જ આ સંબંધોને નવા આયામ પર લઇ જઇ શકે છે.


comments powered by Disqus