યુકેમાં કાંતિભાઈ નાગડાની ‘સંગત’ એટલે નો પ્રોબ્લેમ...

બાદલ લખલાણી Wednesday 28th January 2026 05:12 EST
 
 

ગુજરાત સમાચારના ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’માં અમે તમને કાયમ નવાનવા અને જ્ઞાનવર્ધક વિષયો લઈને તમારી સમક્ષ આવીએ છીએ. આ વખતે પણ અમે એક મહત્ત્વપૂર્ણ વિષય ‘ઇમિગ્રેશન’ અંગે જાણકારી આપીશું. જે યુકે આવવા માગતાં અને નોકરી કરતાં આપણા ગુજરાતીઓ, ભારતીયો અને એશિયન્સને મોટું માર્ગદર્શન આપશે.
કાર્યક્રમનું સંચાલન કરતાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે ઇમિગ્રેશનના પ્રશ્નોનું સચોટ નિરાકરણ લાવતા અને લીગલ ક્વેરીનું સમાધાન લાવતા સંગત સેન્ટર અને તેના કર્તાહર્તા કાંતિભાઈ નાગડાનો લોકોને પરિચય કરાવ્યો.
સી.બી. પટેલઃ કાંતિભાઈ ‘સંગત સેન્ટર’નો પરિચય આપો.
કાંતિભાઈ નાગડાઃ 1972માં યુગાન્ડાના તત્કાલીન પ્રમુખ ઇદી અમીને ફરમાન બહાર પાડ્યું કે, ‘અહીંથી પ્રત્યેક એશિયન યુગાન્ડા છોડી જતા રહે.’ આ ફરમાનથી ત્યાંથી નીકળનારાઓ પૈકી હું પણ એક હતો. ડિસેમ્બર 1972 હું હેરો ટાઉન સેન્ટરમાં યુગાન્ડાથી આવેલા કેટલાક લોકોને પબ્લિક બેન્ચ પર બેઠેલા જોઈ તેમની પાસે ગયો. તે લોકો સાથે ચર્ચામાં જાણવા મળ્યું કે, અમુક લોકોને તેમના દીકરા કે દીકરીઓ કામેથી પરત ન ફરે ત્યાં સુધી ઘરે જઈ શકતા નહોતા, તે સમય બહાર જ વિતાવવો પડી રહ્યો હતો. આ જાણી ખૂબ દુઃખ થયું. એ જ અઠવાડિયે અમે અમુક મિત્રો મળ્યા અને આ અંગે ચર્ચા કરી. ચર્ચાના અંતે અમે છેલ્લે નક્કી કર્યું કે એક સંસ્થાની સ્થાપના કરવામાં આવે અને અમે એંગ્લો-ઇન્ડિયન પાર્ટ સર્કલ નામની સંસ્થાની સ્થાપના કરી.
અમારા પ્રથમ કાર્ય તરીકે અમે 1973માં એક મોટી ઉંમરના લોકો માટે એક હોલ ભાડે રાખ્યો, જ્યાં એક છત નીચે આવા તમામ લોકો એકઠા થાય અને ત્યાં એકબીજાને મળે અને તેમને ઘરની જેમ એકબીજાની હૂંફ મળી રહી. આમ આ સોશિયલ ગેધરિંગની શરૂઆત કરી. આ એવો સમય હતો, જ્યારે આજની લોહાણા, પટેલ, નવનાત, વણિક કે મોટાં મોટાં મંદિરો હતાં નહીં. આમ આવા સમયે આવા વડીલોને એક જગ્યા મળી રહી, જ્યાં દર શુક્રવારે લંડનના વિવિધ ભાગેથી લોકો મોટાપ્રમાણમાં યુગાન્ડાના મિત્રોને મળવા એકત્ર થતા.
ત્યારબાદ અમે એંગ્લો-ઇન્ડિયન સર્કલના નેજા હેઠળ અને અનેક કાર્યક્રમો અને પ્રોજેક્ટ કરતા અને લોકોની સમસ્યાનો નિકાલ લાવવાનો બનતો પ્રયાસ કરતા. અમારી આ સંસ્થા પ્રથમ તબક્કાથી જ ચેરિટી તરીકે રજિસ્ટર કરી હતી. દિવસો જતાં અમારી જરૂરિયાતોમાં વધારો થયો અને વિચાર આવ્યો કે જો આપણો પોતાનો એક હોલ હોય તો સારું પડે. આ સમયે અમે હેરો કાઉન્સિલ સાથે વાતચીત શરૂ કરી. શરૂઆતમાં તો અમને કોઈ પ્રોત્સાહન ન અપાયું, પરંતુ અમે પ્રયાસ ચાલુ રાખ્યા.
જો કે 1982માં અમે એક નાનો હોલ લીધો, જે સરકારની ગ્રાન્ટથી અમે મેળવ્યો હતો. અહીં અમે ડે સેન્ટરની સાથે વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી, જેથી ઇન્ડિયન કોમ્યુનિટીના લોકો ભેગા થાય અને પોતાનો સમય વ્યતીત કરી. જરૂરિયાતો બદલાઈ એમ અમે તેમની સંભાળ રાખતા. હજારો લોકોને અમે હાઉસિંગ, ઇમિગ્રેશન, મેટ્રિમોનિયલ જેવી કાયદાકીય સલાહ આપતા. ઇમિગ્રેશન અથવા તો વેલફેર બેનિફિટની અરજી જો નામંજૂર કરાઈ હોય તો અમે તેમને ટ્રિબ્યુનલમાં રિપ્રેઝન્ટ કરીએ છીએ, જે બહુ ઓછી સંસ્થાઓ કરે છે. લંડનમાં બેથી ત્રણ સંસ્થાઓ જ ટ્રિબ્યુનલ સુધી જઈ શકે છે, કારણ કે અમારી પાસે ઇમિગ્રેશન ઓથોરિટીનું લેવલ-3નું સર્ટિફિકેટ છે.
સંગતની શરૂઆતથી એશિયન્સ હેરોમાં શું કરી રહ્યા છે તેની બધી માહિતી એકત્ર કરી છે. છેલ્લાં 100 વર્ષનો ઇતિહાસ અમારી પાસે છે, જેમાં હેરોમાં કેટલા મહારાજાઓ, કેટલા નવાબો ક્યાં અને કેટલો સમય રહી ગયા તેનો લેખિત પુરાવો છે. ત્યાં સુધી કે જવાહરલાલ નહેરુ પણ હેરોમાં ત્રણ વર્ષ રહી ગયા હતા. 1973માં કેટલા એશિયન્સ હેરોના ઇલેક્ટોરલ રજિસ્ટર પર હતા તેની પણ માહિતી અમે એકત્ર કરી છે. ત્યારબાદનાં 15 વર્ષ સુધીની માહિતી અમે એકત્ર કરેલી છે. અત્યાર સુધીનાં કરેલાં તમામ કાર્યો પ્રત્યે મને સંતોષ અને ગૌરવની લાગણી છે.
સી.બી. પટેલઃ અહીં સરકારે ઇમિગ્રેશનના નવા કેટલાક કાયદા મૂક્યા છે, તે અંગે સ્પષ્ટીકરણ કરો.
કાંતિભાઈ નાગડાઃ ગયા અઠવાડિયે ડેઇલી મેલમાં સમાચાર હતા કે એક ભારતીય વિદ્યાર્થિનીનો અહેવાલ આપ્યો હતો. યુકેમાં સ્ટુડન્ટ તરીકે રહેલી કોમલ સિંઘ નામની ભારતીય મહિલાએ તેના ફેસબુક પર જાહેરખબર મૂકી હતી કે, તેની કંપની ક્રિશવ કન્સલ્ટન્સી લિમિટેડ સ્કિલ વર્કરને વ્યાજબી ભાવે વિઝા મેળવી આપે છે. આ મેઇલના રિપોર્ટરને કોમલે કહ્યું હતું કે, તેના સ્ટુડન્ટ વિઝા પૂરા થાય ત્યારે તેને વર્ક વિઝા મેળવી આપશે અને તેના માટે તેની ફી 17 હજારથી 19 હજાર પાઉન્ડની જણાવી હતી. જો રિપોર્ટરને કામ ન કરવું હોય અને બનાવટી સ્ટુડન્ટ તરીકે રહેવું હોય તો 12થી 14 હજાર પાઉન્ડમાં તેનું કામ કરી આપશે. તેને કેર વર્કરના વિઝા અપાવી દેશે. એક ભાઈએ તો ગ્લોબલ ટેલેન્ટ વિઝા જોઈતા હોય તો 30 હજાર પાઉન્ડમાં તે મેળવી શકતા હોવાનું પણ જણાવ્યું હતું, પરંતુ આ ઠગવાની રીત જ છે. આ લોકો રજિસ્ટર્ડ જ નથી.
અન્ય એક કિસ્સામાં રૂપ મસ્સી નામનો શખ્સ જે ફાસ્ટફૂડ આઉટલેટ ચલાવે છે, જેણે જાહેરખબર મૂકી હતી કે, જો તમે મારી આઉટલેટમાં 25 હજાર પાઉન્ડ ઇન્વેસ્ટ કરો તો તમને સ્કિલ વર્કરના વિઝા મેળવી આપું. તેનું કહેવું છે કે તમે જો તેની કંપનીમાં 25 હજાર પાઉન્ડ ઇન્વેસ્ટ કરો, તો તમને વિઝા વિઝા મફત મેળવી આપે. અને તે રકમને ધંધામાં ઇન્વેસ્ટ કરશે. આવા ઘણા લોકો ગેરકાયદે લોકોના પૈસા પડાવે છે.
જો તમે હોમ ઓફિસમાં તમે એક્સટેન્શન ઓફ વિઝા કે લીવ ટુ રિમેઇન સહિતની કોઈપણ અરજી કરી હોય અને જ્યાં સુધી તમારી અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી તમે યુકેમાંથી બહાર ન જઈ શકો. જો તમે બહાર જાઓ છો ત્યારે હોમ ઓફિસ તમે અરજી વિડ્રો કરી લીધી છે તેમ માનશે. અરજી નિકાલ સુધીના 6 મહિના કે વર્ષ માટે તમે બંધાઈ જાઓ છો.
અંગ્રેજી વિષયની જરૂરિયાતની વાત કરીએ તો હાલ સુધીમાં O લેવલ સુધી મંજૂરી મળતી હતી, પરંતુ હવે સરકાર કહે છે કે જો વિઝા જોઈતા હોય તો તમારે A લેવલ સુધીનું અંગ્રેજીનું જ્ઞાન હોવું જરૂરી છે. આ એ લોકોને લાગુ પડશે, જે આ દેશમાં આવવા અને લીવ ટુ રિમેઇન માટે અરજી કરે. સરકારનું કહેવું છે કે તમારું ભાષાનું જ્ઞાન A લેવલ સુધી હોય તો આવનારી વ્યક્તિ ઉન્નતિ કરવાની સાથે સોસાયટી માટે પોતાનું યોગદાન આપી શકશે.
જો તમે 5 વર્ષ રહેલા હો તો તમને ઇનડેફિનેટ લીવ મળતી, આ 5 વર્ષની મુદતને સરકારે 10 વર્ષની કરવાની તૈયારી કરી રહી છે. આ કાયદો આવતા મહિનાની 25 તારીખથી લાગુ કરવામાં આવશે.
હવે વાત કરીએ ડ્યુઅલ સિટીઝનશિપની. દા.ત. જો તમે કેન્યાના સિટીઝન છો. જે દેશ ડ્યુઅલ નેશનાલિટીને કબૂલ કરે છે અને તમે તે દેશના નાગરિક છો. તમે જ્યારે આ દેશમાં ભલે વિઝિટ માટે પણ પ્રવેશ કરો છો અને તમારી પાસે વિઝા નથી, તો તમને બ્રિટનમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ભલે તમારી પાસે બીજો પાસપોર્ટ બ્રિટનનો છે પણ પ્રવેશ સમયે કેન્યાનો પાસપોર્ટ આપ્યો એટલે પ્રવેશ નહીં અપાય. આ તબક્કામાં તેણે જો બ્રિટિશ પાસપોર્ટ આપ્યો હોય તો તેને વાંધો ન આવે. જો કે કેન્યાના પાસપોર્ટ પર તેણે તેનું સ્ટેટસ શું છે તે સાબિત કરવું પડશે, તેની પાસે ઈ-વિઝા છે કે નહીં, અથવા ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન છે કે નહીં તે પુરવાર કરવું પડે. સરકારનું આ વલણ વિદેશીઓને આ દેશમાં આવતાં અટકાવવાનું છે. આવી રીતે સરકાર ઇમિગ્રેશન કંટ્રોલ લાવી રહી છે.
સરકાર હાલમાં ઇમિગ્રેશન અપીલને મોટાપાયે ફેસ કરી રહી છે. 2023માં 7 હજાર અપીલ થઈ હતી, જે 2025માં 51 હજાર સુધી પહોંચી છે. અપીલનો સમય પહેલાં જે 2થી 3 મહિનાનો હતો, તે આજે દોઢથી બે વર્ષનો થઈ ગયો છે. આ સ્થિતિમાં બ્રિટિશ સરકાર ફર્સ્ટ ટિયર ટ્રિબ્યુનલ અસાઇલમ ચેમ્બર છે, તેના બદલે એક ઇનડિપેન્ડેડ અપીલ બોડીની સ્થાપના કરવાની છે, જેનાથી કાર્યમાં ઝડપી લાવી શકાય. આ બોડીને સ્ટ્રોંગ કરવાના બદલે સરકારનું વલણ કંઈ અલગ જ છે, જેની સરકારનો તેના પર કાબૂ રહે.
સરકાર અન્ય દેશોથી આવનારા લોકો માટે કડક વલણ અપનાવી રહી છે અને કાયદા દિવસેને દિવસે કડક બનતા જ રહેશે.
સી.બી. પટેલઃ સંગત સેન્ટરમાં કેટલા લોકો મદદ માટે આવે છે?
કાંતિભાઈ નાગડાઃ મહિનામાં લગભગ 150 લોકો અમારી પાસે ઇમિગ્રેશન અને કાયદાકીય પ્રશ્નો લઈને આવે છે, જેમાં ભારતીયો, આફ્રિકન, વેસ્ટ ઇન્ડિયન્સ, ચાઇનીઝ અને જાપાનીસ લોકોનો પણ સમાવેશ થાય છે.
સી.બી. પટેલઃ ભારતની નવાનવા આવેલા લોકોમાં સામાજિક પ્રશ્નો વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે?
કાંતિભાઈ નાગડાઃ આ આંકડો વધી રહ્યો છે. ભારતથી જે લોકો આવ્યા છે, તેઓમાં છૂટાછેડાનું પ્રમાણ ખૂબ વધ્યું છે. તેનાં કારણો અચાનકથી મળેલી આઝાદી પણ હોય અથવા પોતાના કામ અને કમાણી પ્રત્યેનું અભિમાન પણ હોઈ શકે છે. આ સ્થિતિમાં અમારો પ્રયાસ તેમને સમજાવી સાથે રાખવાનો હોય છે, પરંતુ શક્ય ન હોય તો છૂટાછેડા માટેની અરજી સુધી મામલો જાય છે.
ભારતીબહેન વોરાઃ ભારતથી આવેલાં પતિ-પત્નીમાં છૂટાછેડાનું પ્રમાણ વધારે છે કે, પછી તે પૈકી એક અહીંનું રહેવાસી હોય અને બીજું પાત્ર ભારતથી આવે તેવા કિસ્સામાં?
કાંતિભાઈ નાગડાઃ પતિ અને પત્ની ભારતથી સાથે આવ્યાં હોય તેવા અને ભારતથી તમારા જીવનસાથીને લઈને આવ્યા હોય બંને કિસ્સામાં છૂટાછેડાનું પ્રમાણ વધારે જોવા મળે છે.
એક શ્રોતાએ કાંતિભાઈને પૂછયું હતું કે, પતિ-પત્ની સંતાનો સાથે યુકેમાં સેટલ થઈ ચૂક્યાં હોય અને ભારતમાં તેમનાં 75 વર્ષથી મોટી ઉંમરનાં માતા-પિતાની સંભાળ રાખનારું કોઈ ના હોય તેવા તબક્કામાં ઇમિગ્રેશનમાં શું નિયમ છે?
કાંતિભાઈ નાગડાઃ છેલ્લાં 7 વર્ષથી હોમ ઓફિસ આ પ્રકારના ડિપેન્ડેડ રિલેટિવ્સને અહીં આવવાની મંજૂરી આપતું જ નથી. હોમ ઓફિસ કહેશે કે, જો અત્યાર સુધી રહી શક્યા હોય અને તમે તેમને નાણાં મોકલી શકતા હો તો અહીં બોલાવવાની જરૂર શું છે? 80 થી 90 ટકા આવી અરજી નામંજૂર કરાય છે અને અપીલમાં પણ તેમને ખૂબ તકલીફ થાય છે. એટલે કમનસીબે વૃદ્ધ માતા-પિતાને અહીં બોલાવવા માટે સરકાર સખતાઈ વાપરે છે. એક કેસમાં તો એમ પણ કહેવાયું કે તમે ત્યાંના ઓલ્ડ પીપલ્સ હોમમાં તેમને કેમ નથી મૂકી દેતા? ઇંગ્લેન્ડ શું કામ લાવવાં છે?
હોમ ઓફિસનું આ વલણ એટલે છે કે, જો કોઈ વ્યક્તિ 5 વર્ષ અહીં રહે તો અહીંના સિટીઝન બની શકો અને બાદમાં તમામ બ્રિટિશ લાભ મેળવી શકો. પહેલાં માતા-પિતાને લાવી શકાતાં હતાં, પરંતુ 5થી 7 વર્ષથી સરકાર તેની મંજૂરી આપતી નથી.
આ સુંદર ચર્ચા દરમિયાન કુસુમબહેન પોપટ દ્વારા બાળકોના ઉછેર અંગે સુંદર જ્ઞાન પીરસવામાં આવ્યું હતું, જ્યારે જગદીશભાઈ દવે દ્વારા ઈશ્વરમાં શ્રદ્ધા, આહાર-વિહાર અને યોગનું જીવનમાં મહત્ત્વ સમજાવાયું હતું. આ સિવાય જગદીશભાઈએ માતૃભાષા, માતા, દેશ અને જાતમાં શ્રદ્ધાનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું.
ચર્ચા દરમિયાન સી.બી. પટેલે જણાવ્યું કે, તકલીફને કેવી રીતે ઉપયોગમાં લેવી તે મેં શીખી લીધું છે. મને આયુર્વેદમાં ખૂબ શ્રદ્ધા છે, આરોગ્ય અને રોગોનું ખૂબ સારું જ્ઞાન તેમાં છે. એટલે જ આયુર્વેદને પાંચમો વેદ પણ ગણવામાં આવે છે, જેના દેવતા ધન્વંતરિ છે. જો કે આયુર્વેદની સાથે સકારાત્મક અભિગમ પણ દાખવવો જોઈએ, જેનાથી કેન્સર જેવી બીમારીથી પણ મુક્તિ મળી શકે છે. આખરમાં સી.બી. પટેલે ‘જીવન જબ સુકાઈ જાય’ ભજન લલકારી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.


comments powered by Disqus