ઇઝરાયેલ અને અમેરિકામાં ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે સમગ્ર વિશ્વની નજર તેના પરિણામો પર રહેશે કારણ કે આ પરિણામો હાલમાં ચાલી રહેલા ઇરાન યુદ્ધ પર મોટી અસર ઊભી કરશે. ઇઝરાયેલની રાજનીતિ અને તેની રાષ્ટ્રીય સુરક્ષાને સીધો સંબંધ છે. તેથી ઇરાન અને તેના પ્રોક્સીઓ સાથેના ઇઝરાયેલના લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષની અસરો ચૂંટણીમાં થતા મતદાન પર પણ જોવા મળે છે. ઇઝરાયેલી મતદારોનું મતદાન અને ચૂંટણીનું પરિણામ માત્ર વર્તમાન લશ્કરી વ્યૂહરચના પરનો જનાદેશ નથી બનતું પરંતુ ભવિષ્યના પ્રાદેશિક સંઘર્ષ માટેનો રોડમેપ પણ નક્કી કરે છે. ઇઝરાયેલના ચૂંટણી પરિણામોમાંથી ઉદ્ભવતા રાજકીય ફેરફારો ઇરાન સાથેના યુદ્ધના માર્ગ, તેની તીવ્રતા અને વ્યૂહાત્મક દિશા પર ઊંડી અસરો પાડી શકે છે.
તેથી જ જો ઇઝરાયેલની આ વખતની ચૂંટણીમાં નેતાન્યાહૂ ફરી સત્તામાં આવશે તો કટ્ટરપંથી જમણેરી ગઠબંધનની સરકાર રચાઇ શકે છે અને તેની સીધી અસર મિડલ ઇસ્ટની ભૂરાજકીય પરિસ્થિતિઓ પર જોવા મળશે. જમણેરીઓને મતદારોનો જનાદેશ પ્રાપ્ત થશે તો ઇરાન સામેની ઇઝરાયેલની આક્રમક નીતિ જારી રહેશે પરંતુ તેનાથી વિપરિત મધ્યમ માર્ગી પક્ષોને જનાદેશ મળશો તો સમજી લેવું પડશે કે ઇઝરાયેલી જનતા વિવિધ મોરચે લડાઇ રહેલા યુદ્ધોથી થાકી છે. આ પ્રકારનો જનાદેશ વૈશ્વિક કૂટનીતિમાં મહત્વના બદલાવ લાવી શકે છે. રાજકીય જનાદેશ ઇઝરાયેલની કૂટનીતિક ક્ષમતાને ખાસ કરીને વોશિંગ્ટન અને અબ્રાહમ કરાર હેઠળના પ્રાદેશિક ભાગીદારો સાથેના સંબંધોમાં નવો વળાંક લાવી શકે છે. સ્પષ્ટ ચૂંટણી જનાદેશ ધરાવતી ઇઝરાયેલી સરકાર પાસે ઇરાન વિરુદ્ધ કડક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અથવા સીધી લશ્કરી કાર્યવાહીની માગ વધુ મજબૂત બનાવવાનો વિકલ્પ ઉપલબ્ધ બની શકે છે.
બીજીતરફ અમેરિકામાં પણ મિડ-ટર્મ ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. હાલની કૂટનીતિક વ્યવસ્થામાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને ઇઝરાયેલી વડાપ્રધાન નેતાન્યાહૂ માટે આ ચૂંટણીઓ જીતવી અનિવાર્ય બની રહી છે. જો તેમાં જરાપણ ઊંચનીચ થશે તો અમેરિકા અને ઇઝરાયેલના કૂટનીતિક સમીકરણોમાં મોટા બદલાવ પણ આવી શકે છે. મિડ-ટર્મમાં રિપબ્લિકનોનો પરાજય ડોનાલ્ડ ટ્રમ્પને પોષાય તેમ નથી. સાથે સાથે ઇઝરાયેલમાં નેતાન્યાહૂની સત્તાવાપસી પણ ટ્રમ્પ માટે એટલી જ મહત્વની બની રહે છે. આમ આગામી દિવસોમાં યોજાઇ રહેલી આ મહત્વની ચૂંટણીઓ પર સમગ્ર વિશ્વની નજર મંડાઇ છે.
બ્રાઝિલમાં યોજાયેલી ચૂંટણીમાં લૂલા સતત ચોથીવાર વિજયી થતાં ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો પડ્યો છે. લૂલા ટ્રમ્પની નીતિઓના કટ્ટર વિરોધી રહ્યાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલ સૌથી મોટો અને મહત્વનો દેશ છે. બ્રિક્સમાં પણ બ્રાઝિલનું કદ મોટું છે. આવી સ્થિતિમાં લૂલાનો વિજય પણ ટ્રમ્પ અને નેતાન્યાહૂ માટે માથાનો દુઃખાવો પૂરવાર થઇ શકે છે.
