જાતીય અપરાધોમાં ચોક્કસ દેશોના માઇગ્રન્ટ્સની સંડોવણી વધુ?

Wednesday 28th October 2026 06:22 EDT
 

બ્રિટનમાં ગ્રૂમિંગ ગેંગોનું દુષણ હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહ્યું છે. લાંબા સમયની માગણીઓ બાદ હવે ગ્રૂમિંગ ગેંગો પર રાષ્ટ્રીય તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે એક વિશ્લેષણ અનુસાર ચોક્કસ સંકેત પ્રાપ્ત થઇ રહ્યો છે કે ચોક્કસ દેશોમાંથી યુકે આવતા માઇગ્રન્ટ્સ દ્વારા આ પ્રકારના જાતીય અપરાધ વધુ આચરવામાં આવે છે. ગત નવેમ્બરમાં બ્રિસ્ટોલમાં ત્રણ પુરુષો અને એક સગીરે સાથે મળીને એક સગીરા પર કેટલાંક કલાકો સુધી સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેઓ ટ્રકમાં છુપાઈને ફ્રાન્સ ભાગી ગયા હતા. જોકે, ફ્રેન્ચ સત્તાવાળાઓએ તેમને બ્રિટન પરત સોંપ્યા હતા, જ્યાં અદાલતે તેમને દોષિત ઠેરવી લાંબી જેલની સજા ફટકારી છે.
ગ્રૂમિંગ ગેંગોમાં વિદેશી માઇગ્રન્ટ્સની સંડોવણીના કારણે તેમના પ્રત્યે શંકા અને અવિશ્વાસમાં વધારો જોવા મળે છે. તેમના આ અધમ કૃત્યોના કારણે ફાર રાઇટ્સને ઇમિગ્રન્ટ્સ પ્રત્યે ઝેર ઓકવાની તક મળી રહે છે. તાજેતરમાં માઇગ્રન્ટ્સ માટે સરકાર દ્વારા પ્રસિદ્ધ કરાયેલી એક માર્ગદર્શક પુસ્તિકાએ આ માન્યતા અને ચર્ચાને વધુ ઉગ્ર બનાવી છે. મહત્વની વાત એ છે કે શું કોઇ વ્યક્તિ આ પુસ્તિકા વાંચીને દુષ્કર્મ અથવા તો જાતીય અપરાધ કરવાનો વિચાર માંડી વાળી શકે ખરો? આ પ્રકારની ઝુંબેશના કારણે એ ચર્ચાને વેગ મળ્યો છે કે મોટા પ્રમાણમાં જાતીય અપરાધો માટે માઇગ્રન્ટ્સ જ જવાબદાર છે. શેડો જસ્ટિસ સેક્રેટરી નિક તિમોથીએ દાવો કર્યો છે કે અફઘાન માઇગ્રન્ટ્સ બ્રિટિશરોની સરખામણીએ 20 ગણા વધુ જાતીય ગુનાઓ આચરે છે. આ પહેલાં પણ આરોપ મૂકાયા હતા કે રોચડેલ સહિતના વિસ્તારોમાં સક્રિય ગ્રૂમિંગ ગેંગોમાં મોટાભાગના પાકિસ્તાનીઓ જ સંડોવાયેલા હોય છે.
સરકાર ઇમિગ્રેશન સ્ટેટસના આધારે ગુનાનો દર સત્તાવાર રીતે પ્રકાશિત કરતી નથી. દેશવ્યાપી પોલીસ ડેટાબેઝમાંથી જે મર્યાદિત માહિતી મળે છે, તે માત્ર વિવિધ રાષ્ટ્રીયતા ધરાવતા લોકો દ્વારા કરાયેલા ગુનાઓની અંદાજિત સંખ્યા જ દર્શાવે છે. તેમાં પણ ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા કરાયેલા સરવેમાંથી અંદાજિત આંકડા લેવામાં આવે છે પરંતુ સરવેમાં સેમ્પલની સંખ્યાને જોતાં તેના પર વિશ્વાસ કરવો અઘરો બની રહે છે. વર્ષ 2021માં ઓએનએસે આ પ્રકારના અંદાજ પ્રસિદ્ધ કરવાનું બંધ કરી દીધું હતું.
ઓક્સફર્ડ યુનિવર્સિટીની થિંક-ટેન્ક માઇગ્રેશન ઓબ્ઝર્વેટરીએ માહિતીના અધિકાર હેઠળ 2010થી 2024 દરમિયાન ઇંગ્લેન્ડ અને વેલ્સમાં નોંધાયેલા ગુનાઓનો ડેટા મેળવ્યો હતો. આ ડેટામાં 80 લાખ ગુનાઓની વિગતો છે, જેમાંથી 1,06,000 જાતીય અપરાધ હતા. આંકડા દર્શાવે છે કે 80 ટકા એટલે કે દર પાંચમાંથી ચાર જાતીય ગુનાઓ બ્રિટિશ નાગરિકો દ્વારા આચરવામાં આવ્યા હતા. જ્યારે માત્ર 0.39 ટકા અપરાધ માઇગ્રન્ટ્સ દ્વારા આચરવામાં આવ્યા હતા.
અન્ય દેશોના પુરાવા પણ દર્શાવે છે કે આ સમસ્યા માત્ર બ્રિટન પૂરતી સીમિત નથી. ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, ફિનલેન્ડ, જર્મની અને સ્વીડનમાં મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા અને સેન્ટ્રલ એશિયાના માઇગ્રન્ટ્સની જાતીય અપરાધોમાં સંડોવણી વધુ પ્રમાણમાં જોવા મળે છે.
જોકે, રાષ્ટ્રીયતાને બદલે વંશીયતાના આધારે આંકડા જોઈએ તો ચિત્ર અલગ છે. વિશ્લેષણ દર્શાવે છે કે પાકિસ્તાની, અન્ય એશિયાઈ કે બિનઅશ્વેત લઘુમતી પુરુષોમાં ગુનાનો દર શ્વેત બ્રિટિશ પુરુષો જેટલો જ છે. ઘણા માઇગ્રન્ટ્સ હિંસક અને ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવતા હોય છે, તેમજ સામાજિક રીતે એકલવાયા અને બેરોજગાર હોવાને કારણે ગુનાખોરી તરફ ધકેલાય છે. તેથી એ દલીલ યોગ્ય નથી કે જાતીય અપરાધોમાં ફક્ત માઇગ્રન્ટ્સ, વંશીય લઘુમતીઓની સંડોવણી વધુ હોય છે.


comments powered by Disqus