વોશિંગ્ટનઃ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણીમાં બે ભારતવંશી ઉમેદવારો અમીષ શાહ અને પિયા દાંડિયાના જીતની ઉજળી શક્યતા હોવાનું ચૂંટણી પૂર્વેના અનુમાનોમાં જણાવાયું છે. બંને ઉમેદવારો એરિઝોના અને ફ્લોરિડામાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની બેઠક માટે ચૂંટણી લડી રહ્યાં છે. વ્યવસાયે તબીબ 48 વર્ષીય અમીષ શાહ એરિઝોનાના ફર્સ્ટ કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને નેશનલ ફૂટબોલ લીગના ભૂતપૂર્વ કિકર જય ફીલી સામે મેદાનમાં છે. ફીલીને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન છે. બીજી તરફ 39 વર્ષીય પિયા દાંડિયા હાઈસ્કૂલનાં ભૂતપૂર્વ પ્રિન્સિપાલ છે. તેઓ દક્ષિણ ફ્લોરિડાના નવા સીમાંકન હેઠળ રચાયેલા 22મા ડિસ્ટ્રિક્ટમાંથી રિપબ્લિકન ઉમેદવાર કેસી અસ્કર સામે ચૂંટણી લડી રહ્યાં છે.
3 નવેમ્બરે યોજાનારી મધ્યસત્ર ચૂંટણીમાં બંનેની બેઠકો મહત્ત્વપૂર્ણ છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં રિપબ્લિકન પાર્ટી પાસેથી બહુમતી છીનવી લેવા ડેમોક્રેટિક પાર્ટી દિવસરાત એક કરી રહી છે તેમાં એરિઝોના અને ફ્લોરિડાની આ બેઠકો મહત્ત્વની ગણાય છે. એરિઝોના અને ફ્લોરિડામાં પ્રારંભિક મતદાન શરૂ થઈ ગયું છે. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી વિપક્ષ ડેમોક્રેટિક પક્ષ સામે નિર્ણાયક ચૂંટણી કસોટીનો સામનો કરી રહી છે.
ચૂંટણી પ્રચારનું નિષ્પક્ષ વિશ્લેષણ કરતી સંસ્થા ‘કૂક પોલિટિકલ રિપોર્ટ’ના અંદાજ મુજબ રિપબ્લિકન પાર્ટીનો ગઢ મનાતી એરિઝોનાની ફર્સ્ટ કોંગ્રેસનલ બેઠક પર અમીષ શાહની જીતની શક્યતા છે. ચૂંટણીના સંભવિત પરિણામો અંગે અનુમાન આપતા પ્લેટફોર્મ ‘કલ્શી’એ પણ અમીષ શાહની જીતની 80 ટકા શક્યતા વ્યક્ત કરી છે. અમીષ શાહ એરિઝોના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના ત્રણ વખત સભ્ય રહી ચૂક્યા છે. 2024ની અમેરિકન કોંગ્રેસની ચૂંટણીમાં તેઓ રિપબ્લિકન ઉમેદવાર ડેવિડ શ્વાઇકર્ટ સામે 3.8 ટકાના માર્જિનથી હારી ગયાં હતાં.
પ્લેટફોર્મ ‘કલ્શી’એ જણાવ્યું હતું કે ફ્લોરિડાના નવા રચાયેલા 22મા ડિસ્ટ્રિક્ટની બેઠક પર રસાકસી રહેવાની શક્યતા છે. પિયા દાંડિયાના વિજયની પણ 60 ટકા શક્યતા છે. પિયા દાંડિયા શિક્ષણ અને જીવનનિર્વાહના ખર્ચમાં ઘટાડાના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડી રહ્યાં છે. તેમની ચૂંટણી પ્રચાર વેબસાઇટ અનુસાર દાંડિયા અમેરિકામાં પ્રથમ પેઢીનાં નાગરિક છે. તેમણે હાઈસ્કૂલનાં આચાર્ય, નીતિ નિષ્ણાત અને ટેક્નોલોજી ક્ષેત્રે નવીનતા લાવનાર તરીકે સમુદાયોને મજબૂત બનાવવાની દિશામાં કામ કર્યું છે. ફ્લોરિડાના પામ બીચ કાઉન્ટીમાં જન્મેલાં અને ઉછરેલાં દાંડિયાએ શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી અને ન્યૂયોર્કના હાર્લેમ વિસ્તારમાં આવેલી હાઈસ્કૂલનાં પ્રિન્સિપાલ બન્યાં હતાં.
હાલના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પ્રતિનિધિ ગૃહમાં છ ભારતવંશી સભ્યો છે. તેમાં રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ, શ્રી થાનેદાર, સુહાસ સુબ્રમણ્યમ, અમી બેરા અને પ્રમિલા જયપાલનો સમાવેશ થાય છે.

