હું ભરોડાની મુનદાસની ખડકીનો જશભાઈ છગનભાઈ પટેલ છું. મારો જન્મ 1931ની 17 નવેમ્બરે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલ મણિપુરમાં થયો હતો. જોકે, શાળામાં પ્રવેશ મેળવી શકાય તે માટે શાળાના રજિસ્ટરમાં મારી જન્મ તારીખ 18 જાન્યુઆરી 1931 નોંધાવાઈ હતી.
અમે પાંચ ભાઈમાં સૌથી મોટા રાવજીભાઈ, ભાઈલાલભાઈ, હું જશભાઈ, શાંતિલાલ અને સૌથી નાનો ભાઈ હતો, જેમનું નામ હું ભૂલી ગયો છું. રાવજીભાઈ બારેજડી સ્ટેશને ટી સ્ટોલ ચલાવતા હતા અને 1940માં મણિપુર પાછા આવ્યા હતા. તેમનું અવસાન 26 મે 2003માં થયું હતું, ભાઈલાલભાઈ 14 વર્ષની વયે અવસાન પામ્યા હતા, શાંતિલાલનું અવસાન ઘણી નાની વયે થયું હતું જ્યારે સૌથી નાનાભાઈનું કેટલી ઊંમરે અવસાન થયું તે યાદ નથી.
ભરોડાની વાત કરું તો, ત્યાં ખારેડીઓ કૂવો હતો અને નજીકમાં જ વડના બે વૃક્ષ હતા, જે આજે પણ છે. વલ્લભ વિદ્યાનગરના શિલ્પી ભાઈલાલભાઈએ તેમના પુસ્તક ‘ચરોતર સર્વે સંગ્રહ’માં આ કૂવાને અનોખો ગણાવી સમગ્ર ભારતમાં આવો કૂવો નહિ હોવાનું લખ્યું છે. કૂવાનો ડાયામિટર 48 ફૂટનો હતો. એમ કહેવાય છે કે આશરે 700 વર્ષ પહેલાં લાખા વણઝારાએ આ કૂવાનું નિર્માણ કર્યું હતું.
કમનસીબે, મેં મારા પરદાદા સ્વર્ગસ્થ જેસંગભાઈ ઓત્તમભાઈ પટેલને જોયા નથી.. તેમણે સાવલીના દેસાઈ પરિવારના જીબાબેન સાથે લગ્ન કર્યાં હતાં, જેઓ 105 વર્ષની વયે 1944માં અવસાન પામ્યાં હતાં. મારા દાદા અવચળભાઈનું સારું વ્યક્તિત્વ હતું અને પાઘડી પહેરતા હતા. તેમણે ખંભોળજના દિવાળીબહેન સાથે લગ્ન કર્યા હતા. બધા તેમને માનથી ‘મોટા’ કહીને બોલાવતા હતા. દિવાળીબાનું અવસાન 1954-55માં અને દાદાનું અવસાન આશરે 1958માં થયું હતું. મારી માતા કાશીબહેન ખાનકૂવાના હતાં. તેઓ ખૂબ પવિત્ર, નિર્દોષ, નાનાઓ પ્રત્યે પણ આદરપૂર્ણ અને નમ્ર હતાં. તેઓ આશરે 1980માં અવસાન પામ્યાં હતાં અને મારા પિતા છગનભાઈનું અવસાન 1986માં થયું હતું.
મેં ચાર વર્ષ સુધી મણિપુરમાં અને આશરે 1940માં ભરોડામાં પ્રાઈમરી સ્કૂલમાં અભ્યાસ કર્યો અને 1941માં ઓડની ઈંગ્લિશ સ્કૂલમાં એક વર્ષ ભણ્યો હતો.ઓગસ્ટ 1942ની ભારતની આઝાદીની ચળવળના કારણે બધી શાળાઓ બંધ થઈ ગઈ હતી. તે અરસામાં મારા ફુઆ અને ગામડીના મુખી અંબાલાલ નાથાભાઈ પટેલ મને ગામડી લઈ ગયા અને આણંદની શારદા હાઈ સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો હતો. આ શાળામાં ચાર વર્ષ અભ્યાસ પછી ડાકોરની સંસ્થાન હાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યાં જ યુનિવર્સિટી ઓફ બોમ્બેનું મેટ્રિક્યુલેશન પાસ કર્યું હતું.
મેટ્રિક્યુલેશન પછી મને પૂનાની એલ્ફિન્સ્ટન કોલેજ અને બોમ્બેની વિન્સ્ટન કોલેજમાં પ્રવેશ મળતો હતો, પરંતુ અભ્યાસનો ખર્ચ ઘણો ઊંચો હોવાથી હું કોઈ ઓફર લઈ શક્યો નહિ. આ પછી, મેં વલ્લભ વિદ્યાનગરની સરદાર વલ્લભભાઈ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને યુનિવર્સિટી ઓફ બોમ્બેમાંથી ઈન્ટરમીડિએટ સાયન્સમાં સેકન્ડ ક્લાસની લાયકાત હાંસલ કરી હતી. આ પછી, મને વલ્લભ વિદ્યાનગરની બિરલા વિશ્વકર્મા એન્જિનીઅરીંગ કોલેજમાં એડમિશન મળતું હતું, પરંતુ પિતા મને વધુ ભણાવી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી મેં પ્રવેશ લીધો નહિ. આ પછી, મેં આણંદમાં ટાઈપિંગ કોર્સ કરવાનો નિર્ણય લીધો અને થોડા સમય સુધી ખાનકૂવાથી રોજ અવરજવર કરતો હતો. મેં નોકરી કરવાનો પણ નિર્ણય લીધો અને બે વર્ષ સુધી વિવિધ સંસ્થાઓમાં અરજીઓ કરી, પરંતુ સફળતા ન મળી. હું ખેડા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક સોસાયટી, આણંદમાં નોકરી કરતા વણસોલના નરશીભાઈ પટેલના સંપર્કમાં આવ્યો અને તેમણે મને નોકરી માટે આ સોસાયટીના ચેરમેન ત્રિભોવનદાસ કિશિભાઈ પટેલને અરજી કરવાની સલાહ આપી હતી. ટી.કે. પટેલ મારી અરજી નડિયાદ લઈ ગયા હતા અને તેઓ ખેડા ડિસ્ટ્રિક્ટ લોકલ બોર્ડના પણ ચેરમેન હતા. તેમણે મને 1951માં ટાઈપિસ્ટ ક્લાર્ક તરીકે નોકરીની ઓફર કરી અને મેં એપ્રિલ 1955 સુધી ત્યાં નોકરી કરી.
મારા સાથીઓ સુબોધભાઈ પટેલ અને રમેશભાઈ પટેલે મને ગ્રેજ્યુએટ કોર્સ માટે નડિયાદમાં મોર્નિંગ કોલેજમાં જોડાવાની પ્રેરણા આપી. હું કોલેજમાં જોડાયો, પરંતુ નોકરીમાં સમયસર પહોંચવાનું હોવાથી માત્ર બે પિરિયડ ભરી શકતો હતો. મેં બે વર્ષ અભ્યાસ
કર્યો, પરંતુ ફાઈનલ વર્ષમાં હતો ત્યારે જ સવારના વર્ગો બંધ કરી દેવાયા હતા.
મારા સહાધ્યાયી વિનુભાઈ દેસાઈ અને મેં અમદાવાદની એલ.ડી. કોલેજ ઓફ આર્ટ્સમાં ફાઈનલ યરનો અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાંના દયાળુ પ્રોફેસરની સંમતિ સાથે અમે ભાગ્યેજ વર્ગોમાં હાજરી આપી શકતા છતાં, તેઓ અમારી હાજરી પૂરી દેતા હતા. હું ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી આ કોલેજમાંથી બી.એ. (ઓનર્સ) ડીગ્રી સાથે ગ્રેજ્યુએટ થયો.
મુનદાસની ખડકીના જ હરમાનભાઈ છોટાભાઈ પટેલ અને રણછોડભાઈ ફુલાભાઈ પટેલનો સંપર્ક મૂળ ભાલેજના અને કેન્યાના મોલોમાં સ્થિર થયેલા ચતુરભાઈ દેસાઈભાઈ પટેલની સાથે હતો અને તેમની દીકરી હંસા સાથે મારા લગ્નની વાત ચલાવી હતી. મારા લગ્ન જાન્યુઆરી 1955માં થયા અને મે 1955માં મેં કેન્યાની વાટ પકડી હતી. મેં મોમ્બાસાના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક તરીકે આશરે એક વર્ષ કામ કર્યું. મારા મિત્ર સુબોધભાઈ પટેલની સહાયથી 1956માં મને એલ્ડોરેટની વાશન ગીશુ પ્રાઈમરી સ્કૂલમાં ટીચરની નોકરી ઓફર કરાઈ હતી. આ પછી, 1965માં મને માચાકોસની માચાકોસ પ્રાઈમરી સ્કૂલમાં ટ્રાન્સફર કરાયો હતો. પાછળથી મને માચાકોસ ટેકનિકલ સ્કૂલમાં મેથ્સ ટીચર તરીકે ટ્રાન્સફર કરાયા પછી હું મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટનો હેડ બન્યો હતો. હું 1976માં એજ્યુકેશન ઓફિસર તરીકે શિક્ષણક્ષેત્રથી નિવૃત્ત થયો હતો.
મારા પ્રથમ પુત્ર અજયનો જન્મ 1956ની 13 ફેબ્રુઆરીએ થયો અને અજય એક વરસની ઉંમરે 1957 માં અવસાન પામ્યો. મારા બીજા પુત્ર નીતિનનો જન્મ 29 જૂન 1958માં અને પુત્રી કપિંલાનો જન્મ 14 મે 1964ના દિવસે તેમજ છેલ્લી પુત્રી હીનાનો જન્મ 16 જાન્યુઆરી 1968ના દિવસે થયો હતો. નીતિન લંડનથી ફાર્માસિસ્ટ બન્યો જ્યારે કપિંજલા અને હીનાએ ઈન્ફોર્મેશન ટેકનોલોજિસ્ટ્સની લાયકાત મેળવી છે. મારા ત્રણે સંતાનો યુએસએમાં સારી રીતે સ્થિર થયેલા છે.
કેન્યામાં સિવિલ સર્વિસમાંથી નિવૃત્ત થયા પછી મે માચાકોસમાં એકાઉન્ટન્સી ફર્મ સ્થાપી હતી, પરંતુ બાળકોના સારા ભવિષ્ય માટે યુનાઈટેડ કિંગ્ડમ સ્થળાંતર કરી જવાનો નિર્ણય કર્યો હોવાથી ફર્મ લાંબી ચલાવી નહિ. માચાકોસમાં મેં લાયન્સ ક્લબમાં માચાકોસના સેક્રેટરી અને પછી પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી હતી. મારા પ્રમુખપદ દરમિયાન માચાકોસના બાળકો માટે રમવાનાં સાધનો પૂરા પાડવા ભંડોળ પણ એકત્ર કર્યું હતું.
હું 1977માં યુનાઈટેડ કિંગ્ડમ આવ્યો અને સાઉથ લંડનના ક્રોયડનમાં સ્થિર થયો, 1978માં ન્યૂઝ એજન્ટનો નાનો બિઝનેસ ખરીદ્યો અને 1995 સુધી ચલાવ્યો હતો. હવે હું નિવૃત્ત છું અને 2025ની 18 જાન્યુઆરીએ 95 વર્ષની વયે પહોંચ્યો છું. મારી માતા કાશીબહેનનાં સ્મરણાર્થે મુનદાસની ખડકીના પ્રવેશદ્વારે લોખંડનો દરવાજો બંધાવ્યો તેમજ મારા દાદા અવચળભાઈ જેસંગભાઈ પટેલ અને પિતા છગનભાઈ અવચળભાઈના સ્મરણાર્થે જીમ હોલનું પણ નિર્માણ કરાવ્યું છે.
હું આશા રાખું છું કે ભરોડા અને આસપાસના ગામોના રહેવાસીઓ ‘કાશીબા જીમ હોલ’ની શુભચેષ્ટાની કદર કરશે. આ સુવિધાઓનો લાભ લેનાર બધાને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી મારી પ્રાર્થના છે. ફેસિલિટીઝમાં કોઈ ખામીઓ રહી ગઈ હોય તો મને માફ કરશો.

